Top News

More Posts

   The Latest

Most Popular

વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના દેશભેગો કરે છે. બીજું જોખમ એ કે તેઓ આપણા દેશની ગુપ્ત વાતો જાણી જાય છે, જેનો ઉપયોગ ક્યારેક દેશની સલામતી માટે ખતરો બની જાય છે. ત્રીજું જોખમ એ કે તેઓ આપણા દેશના સાર્વભૌમત્વ માટે ખતરારૂપ બની જાય છે, જેવું ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતું. તેઓ આપણા દેશમાં વેપાર કરવાને બહાને આવ્યા હતા, પણ તેમણે આપણને ગુલામ બનાવ્યા હતા. ચોથું જોખમ એ કે મલ્ટિનેશનલ કંપનીઓ આપણા તેજસ્વી યુવાધનને નોકરીમાં રાખીને તેમનો ઉપયોગ આપણી જ પ્રજાના શોષણ માટે કરતી હોય છે.

સ્કોટલેન્ડની કૈર્ન એનર્જી નામની મહાકાય કંપની સાથે ભારત સરકારનો ઝઘડો ચાલી રહ્યો છે. આ ઝઘડો ૨૦૧૧ થી ચાલતો આવે છે, જ્યારે ભારતમાં યુપીએ સરકાર હતી અને પી.ચિદમ્બરમ તેના નાણાં પ્રધાન હતા. ૧૯૯૦ ના દાયકામાં ભારતે તેના તેલ અને ગેસ ક્ષેત્રને વિદેશી રોકાણ માટે ખુલ્લું કર્યું તે પછી ૧૯૯૪ માં કૈર્ન એનર્જીએ ભારતમાં મોટું રોકાણ કર્યું હતું. ૨૦૦૪ ની સાલમાં તેને રાજસ્થાનમાં તેલ અને ગેસના વિશાળ ભંડારો હાથ લાગ્યા હતા. ૨૦૦૬ માં તેણે પોતાની ભારતીય શાખાને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર કરાવી હતી, જેમાં તેની અસ્ક્યામતોની યાદી જોડવામાં આવી હતી. કૈર્ન કંપનીએ પોતાની ભારતીય કંપનીનો કેટલોક હિસ્સો વેદાંત કંપનીને વેચી માર્યો હતો. તેના પર તેણે કેપિટલ ગેઇન્સ ટેક્સ ભર્યો નહોતો. પાંચ વર્ષ પછી ભારત સરકારે તેની પાસેથી ૧૦,૨૪૭ કરોડ રૂપિયાની ઉઘરાણી કરી હતી. હકીકતમાં ભારત સરકારે પોતાના ટેક્સના કાયદા જૂની તારીખથી બદલી કાઢ્યા હતા. કૈર્ન કંપનીએ જૂની તારીખમાં ટેક્સ ચૂકવવાનો ઇનકાર કરતાં ભારત સરકારે તેની ભારતીય શાખાના બાકીના શેરો જપ્ત કરીને, ડિવિડન્ડ જપ્ત કરીને અને કંપનીને મળવાપાત્ર ટેક્સ રિફંડ અટકાવીને મૂળ રકમના અમુક ટકા રૂપિયા વસૂલ કરી લીધા હતા.

સત્તા આગળ શાણપણ નકામું હોય છે તેમ સમજી કૈર્ન કંપની કડવો ઘૂંટડો ગળી ગઈ હતી. પરંતુ તેણે ભારત સરકારનાં પગલાંને હેગની ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં પડકાર્યું હતું. ગયા વર્ષના ડિસેમ્બરમાં તેનો ચુકાદો કૈર્ન કંપનીની તરફેણમાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે ભારત સરકારને આદેશ કર્યો હતો કે તેણે કૈર્ન કંપનીને વ્યાજ સાથે ૧.૨ અબજ ડોલર ચૂકવી દેવા જોઈએ. ભારત સરકારને કુલ ૧.૭૨ અબજ ડોલર (આશરે ૧૨,૬૦૦ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે આ કેસમાં હિસ્સો લીધો હોવાથી સરકારને તે આદેશ બંધનકર્તા હતો, પણ ભારત સરકાર કોઈ વિદેશી કંપનીને આ ડોલર ચૂકવવા માગતી નહોતી. માટે ભારત સરકારે હેગની ટ્રિબ્યુનલના આદેશ સામે અપીલ કરી છે, પણ તેનો ચુકાદો હજુ સુધી આવ્યો નથી.

હેગની કોર્ટનો ચુકાદો કૈર્ન કંપનીની તરફેણમાં આવ્યા પછી તેણે તેનો અમલ કરાવવા ભારત સરકાર સાથે મંત્રણાઓ હાથ ધરી હતી. ભારત સરકારે કોઈ પણ રિફંડ આપવાની અનિચ્છા જાહેર કરી હતી. કૈર્ન કંપનીએ ધીરજ રાખીને ભારત સરકાર સાથે વાટાઘાટો ચાલુ રાખી હતી. ભારત સરકારે તેની વિવાદ સે વિશ્વાસ યોજનાનો હવાલો આપીને અડધા રૂપિયાનું રિફંડ આપીને પતાવટ કરવાની ઓફર આપી હતી. કૈર્ન કંપની અડધા રૂપિયામાં પતાવટ કરવા તૈયાર નહોતી, માટે તેણે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રિબ્યુનલના આદેશના અમલ માટે અરજી કરી હતી.

કૈર્ન કંપનીએ અમેરિકાની અદાલતમાં ભારત સરકાર પાસેથી ૧.૭૨ અબજ ડોલરની વસુલાત કરવાની અરજી કરી છે. તે અરજીમાં તેણે ભારત સરકારની માલિકીની બેન્કો, કંપનીઓ વગેરેની મિલકતોની યાદી જોડી છે. આ મિલકતોમાં વિદેશોમાં રહેલી સ્થાવર મિલકતો, બેન્ક ડિપોઝિટો, દૂતાલયનાં મકાનો ઉપરાંત વિદેશની ભૂમિ પર રહેલાં એર ઇન્ડિયાનાં વિમાનોનો પણ સમાવેશ થાય છે. કૈર્ન કંપનીની દલીલ એવી છે કે ભારત સરકારની માલિકીની જે કંપનીઓ છે તે ભારત સરકારનું જ બીજું રૂપ છે, માટે ભારત સરકાર પાસેથી રૂપિયા વસૂલ કરવા હોય તો ભારત સરકારની માલિકીની કંપનીઓની મિલકતો પણ જપ્ત કરી શકાય. કૈર્ન કંપની દ્વારા તૈયાર કરાયેલી મિલકતોની યાદી જોઈને ભારત સરકાર ગભરાઈ ગઈ છે. તેણે પોતાની માલિકીની કંપનીઓને વિદેશોની બેન્કોમાં મૂકેલી ડિપોઝિટો ઉપાડી લેવા જણાવ્યું છે. જો ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા કંપનીનાં વિમાનો અમેરિકાની ધરતી પર ઉતરે તો કૈર્ન કંપની તેને પણ જપ્ત કરી શકે છે. ભારત સરકાર એર ઇન્ડિયા કંપની વેચવા માગે છે. તેમાં પણ તકલીફ ઊભી થઈ શકે છે.

ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં ભારતની વિરુદ્ધમાં આવેલો આ પહેલવહેલો ચુકાદો નથી. વોડાફોન કંપનીએ વિદેશી કંપની પાસેથી ભારતનો મોબાઇલ ફોનનો બિઝનેસ ખરીદી લીધો હતો. આ સોદો બે વિદેશી કંપનીઓ વચ્ચે હતો અને તે વિદેશની ધરતી પર પાર પાડવામાં આવ્યો હતો. વોડાફોન કંપનીએ ભારત સરકારને કોઈ સેલ્સ ટેક્સ કે કેપિટલ ગેઇન્સ ટેક્સ ચૂકવ્યો નહોતો. તે સમયના ભારતીય કાયદા મુજબ કોઈ ટેક્સ ચૂકવવાનો નહોતો થતો, કારણ કે સોદો વિદેશની ધરતી પર કરવામાં આવ્યો હતો. ભારત સરકારનો અભિગમ એવો હતો કે સોદો ભલે વિદેશમાં થયો હોય, તેનો ધંધો તો ભારતમાં ચાલતો હતો ને? માટે ભારતના કાયદા મુજબ ટેક્સ ભરવો પડે. ભારત સરકારે પાછલી અસરથી કાયદો બદલીને વોડાફોન પાસે ટેક્સની ઉઘરાણી કરી હતી. વોડાફોને તેની સામે ભારતની સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી, પણ તે હારી ગઈ હતી. વોડાફોન કંપની હેગની ટ્રિબ્યુનલમાં ગઈ હતી, જ્યાં તે કેસ જીતી ગઈ હતી. હવે કૈર્ન એનર્જી કંપની પણ હેગની ટ્રિબ્યુનલમાં ભારત સરકાર સામેનો કેસ જીતી જતાં ભારત સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ છે.

કૈર્ન એનર્જી કંપનીએ અમેરિકાની કોર્ટમાં જે કેસ કર્યો છે તેનો હજુ ચુકાદો આવ્યો નથી. હજુ તો ભારત સરકારને કોઈ નોટિસ પણ મોકલવામાં આવી નથી. ભારત સરકારે ટ્રિબ્યુનલના ચુકાદા સામે અપીલ કરી છે, પણ ઇન્ટરનેશનલ કોર્ટ તરફથી ટ્રિબ્યુનલના ચુકાદા સામે કોઈ મનાઇહુકમ કાઢવામાં આવ્યો નથી. માટે કાયદાકીય રીતે કૈર્ન કંપની ટ્રિબ્યુનલના ચુકાદાનો અમલ કરાવી શકે છે. ટ્રિબ્યુનલના ચુકાદા બાબતમાં ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનું મંતવ્ય માગવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારત સાર્વભૌમ દેશ છે, જેને પોતાના દેશમાં કાયદા કરવાનો અધિકાર છે. જો કે તે કાયદા કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરારનું ઉલ્લંઘન થવું ન જોઈએ. ઇન્ટરનેશનલ કોર્ટ ભારતના સાર્વભૌમત્વને મહત્ત્વ આપે છે કે કરારને? તે જોવાનું રહે છે.

કોઈ વિદેશી કંપની ત્રીજા વિશ્વના દેશની સરકાર સામે ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ જીતી ગઈ હોય તેવો આ પહેલવહેલો કિસ્સો નથી. થોડા સમય પહેલાં કેનેડાની કંપનીએ પાકિસ્તાન એરલાઇન્સ સામે બ્રિટીશ વર્જિન આઇલેન્ડની કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો હતો કે પાકિસ્તાન એરલાઇન્સ જો બાકી રકમ ન ચૂકવે તો કેનેડાની કંપની તેની લંડનમાં અને ન્યુ યોર્કમાં રહેલી હોટેલો વેચી શકે છે. જો ભારત સરકાર અમેરિકાની કોર્ટમાં હારી જાય અને કૈર્ન કંપની એર ઇન્ડિયાનું એક પણ વિમાન જપ્ત કરે તો ભારત સરકારની આબરૂના કાંકરા થઈ જાય તેમ છે.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top