Top News

More Posts

   The Latest

Most Popular

એ તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં નાટકની સૌથી વધુ પ્રવૃત્તિ સુરત પછી અમદાવાદમાં થઇ છે. વડોદરા પાસે નાટકની સ્કૂલ હોવા છતાં સુરત, અમદાવાદ સામે તેઓ વધુ નાટક કરી શકયા નથી. નાટ્યશિક્ષણના ભાગરૂપે થયેલા નાટકો લોકોના બની શકતા નથી, એટલે તેવા નાટકોનું ગૌરવ તેના કરનારા જ લઇ શકે. રાજકોટ, ભાવનગરમાં નાટકની સંસ્થાઓ હતી ને છે પણ તોય સુરત, અમદાવાદ સામે તેમના નાટકોની સંખ્યા ઓછી જ છે, સ્તરની વાત વળી જુદો મુદ્દો છે.

સુરતની નાટયપ્રવૃતિનો પ્રથમ પ્રભાવી ઉઘાડ રાષ્ટ્રીય કલા કેન્દ્રના નાટકોથી થયો અને સુરત મહાનગરપાલિકાએ નાટયસ્પર્ધા યોજવાનું સ્વીકાર્યું પછી અનેક નાટય સંસ્થાઓ ઊભી થઇ અને તેમની નાટયપ્રવૃત્તિ સ્થાયી બની. જો આ સ્પર્ધા ન હોત તો આટલી નાટયપ્રવૃત્તિ ન થઇ હોત. સ્વબળ ને દૃષ્ટિથી અમારે પ્રેક્ષક ઊભો જ કરવો છે એવી જીદથી નાટયપ્રવૃત્તિ કરનારા, સ્વતંત્ર રીતે કરનારા ત્યારે નહોતા, આજે ય નથી પણ સુરતને મહાનગરપાલિકાની મદદ મળી તો અમદાવાદને ગુજરાત સરકારના કળા વિભાગની અને સ્થાનિક સરકારી ટીવીની મોટી મદદ મળી.

તેમણે સરકારી યોજનાઓનો મેકિસમમ લાભ લીધો. જો કે એવો લાભ સુરતના નાટયપ્રવૃત્તિ કરનારા પણ લેતા આવ્યા છે. સરકાર અમુક લાખ રૂપિયા આપે અને સુરત ઉપરાંત બીજા શહેરમાં નાટક પ્રદર્શિત કરવાના. યોજકો બીજા શહેર તરીકે નાના શહેર પસંદ કરે જયાં થિયેટર સસ્તું પડે. નાટકને મદદ કરનારાં ટેક્નિકલ સાધનો ન હોય તો પણ ચાલે. પ્રેક્ષકોની ય પડી ન હોય. બસ નાટકનો શો કરવાનો અને ફોટા મોકલી આપવાના. થાય તેટલા વધુ રૂપિયા યોજક સંસ્થાને મળવા જોઇએ. આવી પ્રવૃત્તિથી નાટકને કે પ્રેક્ષકને નહીં યોજકને જ લાભ થાય.

સરકારી તંત્ર સાથે રહી કામ કરવાની લાલસા નાટક કરનારાઓને રહી જ છે. પૈસા સારા મળે ને પ્રેક્ષક મેળવવાની ચિંતા નહીં. ગુજરાતનું થિયેટર પાંચેક દાયકા પછી પણ બોકસઓફિસ સાથેના પ્રેક્ષકને ઊભું કરી શકયું નથી. સુરત તો નહીં, અમદાવાદ તો નહીં જ. બાકી, જશવંત ઠાકરથી માંડી મૃણાલિની સારાભાઈ, કૈલાસ પંડયા, દામિની મહેતા જેવાને કારણે ભરત નાટયપીઠ, દર્પણ ઉપરાંત રંગમંડળ જેવી સંસ્થાઓ સક્રિય રહી ત્યારે તેમને સરકારી યોજનાનો લાભ નહોતો જોઇતો. તેઓ સ્પર્ધાથી ય મુકત રહી નાટયપ્રવૃત્તિ કરી શકયા. દર્પણ તો વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાની અને ઉદ્યોગપતિની કળાદૃષ્ટિને કારણે આર્થિક રીતે સ્વતંત્ર પણ હતી. ગુજરાતી રંગભૂમિને કલાસિક કહેવાય એવા નાટકની ભેટ જયશંકર સુંદરી, દીના પાઠકને કારણે ‘મેનાગુર્જરી’ વડે મળી. આવું ઓરીજિનલ અને પૂરા અર્થમાં વિષય, શૈલીની રીતે ગુજરાતી કહી શકાય એવું નાટક સુરત નથી કરી શકયું.

અમદાવાદને એ પણ લાભ મળ્યો કે ઇપ્ટામાં સક્રિય એવા જશવંત ઠાકર, દીના પાઠકે નાટકો કર્યા અને જૂની રંગભૂમિના ઉત્તમ અભિનેતા ‘સુંદરી’ પણ સક્રિય થયા. ત્યાં નટમંડળ સંસ્થા ગુજરાત વિદ્યાસભાની હતી ને રસિકલાલ પરીખ જેવા ‘મેનાગુર્જરી’ વડે રંગભૂમિ પર હાજર રહ્યા. સુરતને કોઇ વિદ્યાસંસ્થા કે ઉદ્યોગસંસ્થાનો આશ્રય નથી મળ્યો. મહાજન સંસ્કૃતિનો લાભ નથી મળ્યો. અમદાવાદને ભરત દવે, ગોપી દેસાઈ, રાજુ બારોટ, ડાયેના ઠાકોર, ભાર્ગવ ઠક્કર જેવા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રશિક્ષિત અભિનેતા-દિગ્દર્શક પણ મળ્યા. સુરતની રંગભૂમિના કલાકારો આવા પ્રશિક્ષણ બાબતે સભાન નથી રહ્યા. ગોવર્ધન પંચાલ જેવા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યાપક અમદાવાદ એવી સંસ્કૃત રંગભૂમિ કરાવી શકયા. અમદાવાદને અન્ય એક લાભ મધુ રાય જેવાએ આવી સાહિત્યકારોને નાટ્યપ્રવૃત્તિ બાબતે સક્રિય કર્યા અને લાભશંકર ઠાકર, ચીનુ મોદી. સરૂપ ધ્રુવ, સુભાષ શાહ, આદિલ મનસુરી લાંબો સમય નાટક લખતા રહ્યા. સુરતમાં આવી સંગઠિત નાટ્યપ્રવૃત્તિ નથી ચાલી ને સાહિત્યકારો તેમાં જોડાયા નથી. જયોતિ વૈદ્ય, વિલોપન દેસાઈએ સતત નાટકો લખ્યા તે જુદી વાત. રવીન્દ્ર પારેખે ખૂબ નાટકો લખ્યા પણ સુરતના નાટ્ય સંયોજકોએ તેમને કેમ નથી સ્વીકાર્યા?

કહેવાનો મુદ્દો છે કે અમદાવાદની રંગભૂમિને ઉપકારક બનાવનારાં તત્ત્વો, સંસ્થાઓ છે. ગુજરાત કોલેજ અને એચ. કે. આર્ટસ કોલેજમાં તેઓ નાટ્યવિભાગ શરૂ કરાવી શકેલા જે સુરતમાં થોડાં વર્ષ પૂર્વે જ થઇ શકયો અને તે એવો સજ્જ નથી બની શકયો કે સુરતની રંગભૂમિને કલાકાર, દિગ્દર્શક, લેખક આપી શકે. અમદાવાદને પીજ ટીવી, ઇસરોને કારણે ઘણા લાભ થયા. ત્યાંના અભિનેતા, લેખકોને તેનાથી આર્થિક ઉપાર્જન પણ થયું. સુરતને એવો કોઇ લાભ નથી થયો. છતાં મહાનગરપાલિકાની સ્પર્ધાના કારણે તે સૌથી વધુ નાટ્યપ્રવૃત્તિ કરે છે.

સ્પર્ધા ન હોય તો કેટલા કરશે તે જરા જુદો પ્રશ્ન છે, પણ તે ચર્ચા અત્યારે નહીં. કહેવાનું એટલું જ કે અવેતન રંગભૂમિ જયારે પ્રયોગશીલ અવસ્થામાં જ હોય ત્યારે તેને ઘણી મદદની અપેક્ષા હોય છે જે અમદાવાદને ઉપલબ્ધ થઇ છે. સુરતને નહીં. સુરત સિવાયના ગુજરાતનાં શહેરોને ય નહીં બાકી અમદાવાદ પાસે તો નાટકો કરવા માટે પૂરતાં થિયેટર પણ નથી. અમદાવાદના નાટક કરનારા સરકારની યોજનાઓને લોકો સુધી લઈ જવા માટેના પ્રચારાત્મક નાટકો પણ કરે છે એવું સુરતમાં નથી. અમદાવાદમાં સરકારી મદદથી બુડેટ્રી ઊભી થઈ તે પણ સુરતમાં નથી.

અલબત્ત, સુરત-અમદાવાદની રંગભૂમિ વચ્ચેની તુલનાના આ હજુ આરંભિક મુદ્દા કહેવાય. વિગતે અભ્યાસ થાય તો અનેક નવાં તારણો પ્રાપ્ત થઇ શકે પણ છતાં એક નિરીક્ષણ તો હંમેશનું જ છે કે સુરત કે અમદાવાદની રંગભૂમિ પોતાનો નિયમિત, ટિકિટ ખરીદી જોનારો પ્રેક્ષક ઊભો કરી શકયો નથી.

To Top