Top News

More Posts

   The Latest

Most Popular

પોલીસ ચોકીઓની વચ્ચે જ તાળા તૂટ્યા; ચોરની નવી સ્ટાઇલ જોઈ વેપારી આલમમાં ફફડાટ, પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ.

વડોદરા: તહેવારોની ઉજવણી પૂર્ણ થતા જ વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના હાર્દ સમા વિસ્તાર, નવા બજારમાં આવેલી એક દુકાનને નિશાન બનાવી તસ્કરે ચોરીનો નવો જ પેંતરો અજમાવ્યો હતો. તેણે સીસીટીવી કેમેરામાં પકડાઈ જવાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરી દુકાનમાં પ્રવેશ કર્યો અને 70,000 થી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો.
શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી વિપુલ મકવાણાની વી.કે.મકવાણા એન્ડ કુ. નામની દુકાન આવેલી છે. શહેરમાં કેટલાક દિવસોથી જામી રહેલા વરસાદી માહોલનો લાભ તસ્કરોએ લીધો હોય તેમ આ ઘટનામાં જણાઈ રહ્યું છે.
દુકાનના માલિક વિપુલ મકવાણાએ જણાવ્યું હતું કે, “જ્યારે હું સવારે દુકાને આવ્યો, ત્યારે શટરનું તાળું તૂટેલું હતું.” સીસીટીવી ફૂટેજ ચેક કરતાં માલુમ પડ્યું કે એક ઈસમ દુકાનના સીસીટીવી કેમેરામાં પોતાનો ચહેરો ન દેખાય તે માટે મોટી છત્રી ઓઢીને/ખુલ્લી રાખીને દુકાનમાં પ્રવેશ્યો હતો. આ તસ્કરે લોકરમાં મૂકેલા અંદાજે 70,000 થી 80,000 ની રોકડ રકમ ચોરી લીધી અને પલાયન થઈ ગયો. આ પદ્ધતિ જોતાં ચોરી કરનાર કોઈક જાણભેદુ હોવાની આશંકા વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ચોરીનો ભોગ બનનાર વેપારી વિપુલ મકવાણાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ દુકાન ચાંપાનેર પોલીસ ચોકી અને રોકડનાથ પોલીસ ચોકીની બરાબર વચ્ચેના વિસ્તારમાં આવેલી છે. જો કે, આ સુરક્ષિત ગણાતા વિસ્તારમાં થયેલી ચોરીએ પોલીસના રાત્રિ પેટ્રોલિંગની કામગીરી પર સીધો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
વેપારીએ આ અંગે તાત્કાલિક સીટી પોલીસ મથકને જાણ કરી હતી, પરંતુ બપોર સુધી કોઈ પોલીસકર્મી સ્થળ પર આવ્યા નહોતા. જ્યારે ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી, ત્યારે જવાબ મળ્યો કે સાહેબ પેટ્રોલિંગમાં વ્યસ્ત હોવાથી સાંજે પાંચ વાગ્યા પછી આવશે. આ અંગે વેપારીએ રોષ સાથે આક્ષેપ કર્યો કે, “જો પોલીસ સાહેબો ખરેખર પેટ્રોલિંગમાં હોય, તો પછી આટલા સંવેદનશીલ વિસ્તારમાં ચોરી થાય જ કઈ રીતે?”
તહેવારોના માહોલ બાદ તસ્કરોએ ફરી માથું ઊંચક્યું છે અને ‘છત્રી’ જેવી અસામાન્ય પદ્ધતિ અપનાવીને શહેરની પોલીસ અને વેપારી આલમને ચિંતામાં મૂકી દીધા છે.

To Top