Top News

More Posts

   The Latest

Most Popular

સુરતની ટ્રાફિક સમસ્યા વિકરાળ થતી જાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ તેનાથી ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે. ખરેખર તો આવું ન થવું જોઈએ. પરંતુ ટ્રાફિક સિગ્નલની સાથે સાથે લેવા જોઈતા અન્ય આનુસંગિક પગલાઓ જેવા કે જંકશન પરના ટ્રાફિક સર્કલ દૂર કરવા, બમ્પ દૂર કરવા, ચાર રસ્તા પર થતા લારી ગલ્લાઓના દબાણ દૂર કરવા વગેરેમાં પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રસ હોય તેમ લાગતું નથી.

હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે કયા ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે અને કયા જંકશન પર નથી. જ્યાં નથી ત્યાં લોકો બિન્દાસ લાલ લાઇટ હોવા છતાં પણ સ્પીડમાં નીકળી જાય છે. પોલીસની પણ પ્રાથમિકતા ટ્રાફિક નિયમન કરવાની જગ્યાએ હેલ્મેટ અને સીટબેલ્ટના ગુનાઓમાં દંડ ઉઘરાવવામાં વધુ હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક પોલીસને દંડ ઉઘરાવવામાં જ રસ હોય તો ઓવર લોડેડ રીક્ષાઓ, દિવસ દરમિયાન શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકો, રોંગ સાઈડથી આવતા વાહનો, સિગ્નલ બ્રેક કરતા ટુ અને ફોર વ્હીલરો પર મુહિમ ચલાવવામાં આવે તો હેલ્મેટ કરતા વધુ દંડ મળી શકે અને અકસ્માતો થતા ઓછા થાય.

હેલ્મેટ ન પહેરવાથી જે નુકસાન થશે તે ફક્ત વાહન ચાલકને જ થશે પરંતુ અહીં દર્શાવેલા અન્ય ટ્રાફિક ગુનાઓથી વાહન ચાલક ઉપરાંત અન્ય ને પણ જાનનું જોખમ રહેલું હોય છે. સુરતમાં ટ્રાફિક ડેપ્યુટી કમિશનરને સુરતીઓ તરફથી વિનંતી છે કે હેલ્મેટ અને સીટબેલ્ટને પ્રાથમિકતા આપ્યા વગર ટ્રાફિકની અન્ય બાબતોને પ્રાથમિકતા આપવામાં આવે તો શહેરીજનોને રાહત મળે.
સુરત     – ડો. હેમંત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top