Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: કોલકાતાની (Kolkata) આર જી કર હોસ્પિટલમાં બનેલી ઘટના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમે ડોક્ટરોની સુરક્ષા (Protection of doctors) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સરકારને ડોક્ટરોની સુરક્ષા નિશ્ચિંંત કરવા જણાવ્યું હતું. આટલું જ નહીં પણ સુપ્રીમે સરકારને એક મહત્વનો આદેશ પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં આજે તારીખ 22 ઓગષ્ટના રોજ કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને હડતાળ પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ડોક્ટરોની સુરક્ષા અંગે પણ સરકારને સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે સરકારને સૂચનો આપતા કોર્ટે કહ્યું હતું કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, અમે ડોક્ટરોની ભલાઇ અને સુરક્ષાને લઈને ચિંતિત છીએ. દરમિયાન CJIએ કહ્યું કે અમે ખોટા નિર્દેશો આપીશું નહીં, અમે પ્રોટોકોલને અમલમાં મુકવાની સૂચના આપીશું.

મંત્રાલયને આ સૂચના આપવામાં આવી
CJIએ કહ્યું કે ડિસ્ટ્રેસ કોલ સિસ્ટમ અને ફિક્સ ડ્યુટી કલાકો હોવા ખૂબ જ જરૂરી છે. જેથી આરોગ્ય મંત્રાલયે એક પોર્ટલ બનાવવું જોઈએ જ્યાં વિવિધ સભ્યો પોતના અભિપ્રાયો શેર કરી શકે. જો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ડોકટરો કામ પર પાછા ફરે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ સાથે જ સુપ્રીમે કહ્યુ હતું કે NTFને કોર્ટ સમક્ષ હાજર રહેલા તમામ ડોકટરો અને એસોસિએશનોની દલીલો ઉપર વિચાર કરવાનો સમય આપો. જણાવી દઈએ કે કોર્ટે પોતાના અગાઉના આદેશમાં નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સ કોલકાતા કાંડ સાથે જોડાયેલા વિવિધ પક્ષોની સલાહ લેવાનું કામ કરે છે. જેમાં ડોક્ટર્સ યુનિયનના પ્રતિનિધિઓનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે.

‘ન્યાય અને ઉપચાર રોકી શકાતા નથી’- સુપ્રીમ
આજની સુનાવણી દરમિયાન CJIએ વધુમાં કહ્યું હતું કે ન્યાય અને ઉપચાર ક્યારેય રોકી શકાય નહીં. ત્યારે ડોક્ટર યુનિયન દલીલ કરી હતી કે, ડોકટરો કામ પર પાછા જવા માટે તૈયાર છે, જો કે રાજ્ય સરકારો ડોકટરો માટે કેટલાક સલામતીનાં પગલાં લઈ શકે તેવી સંભાવના છે. જેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે અમે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવને મંત્રાલયની વેબસાઇટ પર એક પોર્ટલ ખોલવાનો આદેશ આપીએ છીએ, જ્યાં તમામ મેમ્બર્સ પાસેથી જરૂરી સુચનો લઇ શકાય.

1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો
કોર્ટે સુનાવણી દરમિયાન વધુમાં કહ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવે ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મુખ્ય સચિવો અને પોલીસ સાથે કામ કરવું જોઈએ. આ કામ 1 અઠવાડિયાની અંદર પૂર્ણ થવું જોઈએ, જ્યારે રાજ્યને 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, આ સમયગાળામાં રાજ્ય ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેશે. આ પછી કોર્ટે કોલકાતા રેપ અને હત્યાના કેસની સુનાવણી માટે આગામી તારીખ આપી હતી. કોર્ટ આ કેસની વધુ સુનાવણી 5 સપ્ટેમ્બરે કરશે.

To Top