Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ ગુરુવારે સાંજે 5.30 કલાકે નાના વરાછા રોડ પર તપોવન સર્કલ પાસે મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું બોક્સ બાજુમાં આવેલી યમુનાનગરની સોસાયટીના બંગલા પર પડ્યું હતું.

વજનદાર ક્રેઈન અને બોક્સ પડવાના લીધે અડધો બંગલો તૂટી ગયો હતો. બાલ્કની કક્ડભૂસ થઈ હતી. ઘટના બની ત્યારે બંગલામાં કોઈ નહોતું, તેથી જાનહાનિ થઈ નથી. જોકે, બંગલાને ખૂબ નુકસાન થયું છે. બંગલાના માલિકે આ મામલે પોલીસ ફરિયાદ આપી છે.

બંગલા માલિકે કહ્યું કે, અમને ભગવાને બચાવ્યા. કારણ કે જે સમયે બંગલા પર ક્રેઈન પડી લગભગ તે જ સમયે રોજ સાંજે સહપરિવાર બાલ્કનીમાં બેસતા હતા.

બંગ્લાના માલિક બિલ્ડર મહેશ દેસાઈએ કહ્યું કે, હું મારી પત્ની અને બે બાળકો રોજ સાંજે 4થી 6 દરમિયાન બાલ્કનીમાં બેસતા હતા. બે દિવસ પહેલાં બાળકો વિદેશ ભણવા ગયા છે અને હું અને મારી પત્ની આજે સવારે કામ અર્થે વડોદરા ગયા હતા. અમને ભગવાને બચાવ્યા છે. આ ચમત્કારથી ઓછું નથી. જોકે, વ્યવસાયે બિલ્ડર મહેશ દેસાઈએ ક્રેઈન પડવા બાબતે મેટ્રોની બેદરકારી અને ટ્રેનિંગ વિનાના કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા હતા.

મહેશ દેસાઈએ કહ્યું કે, હું બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છું, તેથી કહી શકું કે, મેટ્રોની કામગીરી ટ્રેનિંગ વિનાના કર્મચારીઓ પાસે કરાવાઈ રહી છે. મોટા ભાગના સ્ટાફને મેટ્રોના કામનો અનુભવ નથી. તેથી આવી લાપરવાહી થઈ રહી છે. જો ધ્યાન નહીં આપવામાં આવે તો આ મેટ્રો કોઈનો જીવ લેશે.

ઘટના શું બની હતી?
ગુરુવાર તા. 22 ઓગસ્ટની સાંજે નાના વરાછાના ચીકુવાડી વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રોરેલની કામગીરી દરમિયાન બે પીલરની વચ્ચેના ભાગે બે ક્રેઇનની મદદથી બ્રીજનો સ્પાન ગોઠવવા માટે ઉપયોગમાં લેવામાં આ‍વતા લોન્ચર બોક્સ મુકવાની કામગીરી કરવામાં આ‍વી રહી હતી. તે દરમિયાન લોન્ચર બોક્સની બેરીંગ છટકી જતા ૧૩૫ ટન ક્ષમતા ધરાવાતું લોન્ચર યમુના નગરના એક મકાન પર પડયું હતું. જેથી મકાનની લોબી તેમજ અગાશીની દીવાલ તૂટી ગઇ હતી. સદનસીબે મકાનમાં રહેતા પરીવારના સભ્યો બહારગામ ગયા હોવાથી મોટી હોનારત થતા અટકી હતી.

ઘટનાની જાણ થતા મેટ્રોરેલના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મનપાના મેયર સહીતના પદાધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ધસી ગયો હતો. કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનના ઇજનેરો અને અધિકારીઓની ટીમ પણ દોડી આવી હતી. આ ઘટના બાદ ક્રેઇનનો ડ્રાઇવર ગભરાઇને નીચે કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

To Top