ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે તેમાં લોકલ ટ્રાન્સમિશન 17 વર્ષીય કિશોર છે જેને સિવલ હોસ્પિટલમાં ખસેડાયો છે. લોકલ ટ્રાન્સમિશન 65 વર્ષીય વૃદ્ધ છે જેને સિવલમાં ખસેડાયા છે. 60 વર્ષીય સ્ત્રી છે જેને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે, 35 વર્ષીય યુવાનને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયો છે, 30 વર્ષીય યુવતીને એસવીપી હોસ્પિટલમાં ખસેડાઇ છે, 7 વર્ષીય બાળકીને એસવીપી હોસ્પિટલમાં ખસેડાઇ છે અને આ તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જ્યારે દિલ્હી જઇ આવેલા 18 વર્ષીય યુવાનને પણ એસવીપીમાં ખસેડાયા છે. પંચમહાલના અને વડોદરામાં કોરોનાની સારવાર લઇ રહેલા પુરૂષનું આજે વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું છે તે સવિતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા અને તેમને ફેફ્સા અને હાઇપર ટેન્શનની બિમારી હતી.
દરમિયાન ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સામેની લડાઈમાં લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. એટલું જ નહીં ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં રાજય સરકારે લીધેલાં પગલાંની માહિતી તેમણે પીએમ મોદીને આપી હતી. જેમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ઊભી કરવામાં આવેલી સ્પે. કોરોના હોસ્પિટલની માહિતી પણ આપી હતી. ઉપરાંત લોકડાઉનના અમલ અંગે પણ તેમણે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.