Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ એક ગુનો બની જાય તેવું લાગે છે. ઘરમાં બાળકોની ઇતર પ્રવૃત્તિ તેમજ ભાઇ-બહેનોના ઝઘડાને લઇ પરિવારમાં વાતાવરણ તંગ બન્યું છે. આવા સમયે મા-બાપને બાળકોની લાગણી સમજવા માટે પણ આહવાન કરાયું છે.
કોરોના વાયરસે લોકોને એક છાપરે ભેગા કરી દીધા છે. ઇચ્છા ન હોય તો પણ લોકોએ એકસાથે જ રહેવાનું ફરજિયાત થઇ પડ્યું છે. જો કે, જે લોકોને સમય સાથે રહેતા આવડતું હોય તો તેઓને ક્યારેય કોઇ તકલીફ નડતી નથી કે કોઇ રોગ તેમના શરીરને પકડી શકતો નથી. પરંતુ જ્યારે ઘરમાં જ નાની-નાની બાબતોમાં ઝઘડા થાય ત્યારે કંકાસને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવો અનુભવ થાય છે. બાળકો ઘરમાં રહીને જે પ્રવૃત્તિ કરવા ઇચ્છતા હોય તો તેને કરવા માટે પ્રેરિત કરવાને બદલે તેમને વારંવાર ઠપકો આપવામાં આવતાં સ્થિતિ બદલાય છે. કોઇક બાળકને સિરિયલ જોવી હોય છે તો કોઇકને પિક્ચર જોવું હોય છે, મા-બાપને અન્ય મનોરંજન જોવું હોય છે. આ બધાની વચ્ચે કંકાસ વધતો જાય છે. જો કે, આવા સમયે મા-બાપે બાળકોની સ્વતંત્રતાને ટેકો આપવો જોઇએ અને બાળકોને પ્રેમ કરવો જોઇએ. ઘરના વડીલોનું વર્તન-વ્યવહારનું આચરણ તેઓ કરતા હોય છે. એટલે વાર્તાલાપ કે ભાષા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી થઇ પડે છે. નહીંતર પુખ્ત વયનાં બાળકો વધુ ઝનૂની થઇ શકે છે. જેના કેટલાક કિસ્સા બન્યા હતા.
આવા કિસ્સાઓમાં વકીલ પ્રિતી જિજ્ઞેશ જોષીએ વડીલોને અપીલ કરી હતી કે, બાળકો પ્રત્યે કૂણું વલણ રાખો. આ સમય બાળકોને આપો અને તેને સમજો. શિસ્તનો સતત આગ્રહ નહીં રાખો, તેને પ્રેમ આપો. જો બાળકોને ઘરમાંથી પ્રેમ નહીં મળે તો એ બહાર શોધવા જશે અને આંતર સંબંધોમાં તકલીફ પડશે.

ડિવોર્સી મહિલાને તેના જ પિયરિયાએ અપશબ્દો કહેતાં માનસિક તણાવ
વરાછામાં રહેતી એક મહિલાના ડિવોર્સ થયા હતા અને તે પિયરમાં જ રહેતી હતી, ત્યારે માવતરે યુવતીને અપશબ્દો કહેતાં તે રડી પડી હતી. આ મહિલાએ વકીલને ફોન કરી પોતાની આપવીતી કહી હતી. એકતરફ સાસરિયાનું સુખ નહીં અને બીજી તરફ પિયરિયાનો ત્રાસ? મહિલા જાય તો ક્યાં જાય? તેવા વેધક સવાલો થયા હતા. આ મહિલાએ આખરે અભિયમ હેલ્પ લાઇન નંબર-181 ઉપર ફોન કરવાનું પણ વિચારી રહી છે.

20 વર્ષના ભાઈને આરામ અને 18 વર્ષની બહેનને કામથી પરેશાની
ઘોડદોડ રોડ ઉપર એક પરિવારમાં સાત વ્યક્તિ રહે છે, જેમાં દાદા-દાદી, માતા-પિતા, બે ભાઇ અને એક બહેન. આ બધામાં બહેન 18 વર્ષની છે, જ્યારે ભાઇ 20 અને 21 વર્ષના છે. કોરોના વાયરસની મહામારીમાં સરકારે ઘરમાં રહેવાનું કહ્યું છે. ઘરમાં રહેતા આ પરિવારમાં બંને ભાઇઓ પોતાની મનમાની કરે છે તેઓ કેરમ રમે છે અને અન્ય ગેમો રમે છે. જ્યારે બહેનને કંઇપણ રમવાની ના પાડી દઈ માત્ર ઘરનું કામ જ કરાવવામાં આવી રહ્યું છે. જેને લઇને પણ વકીલને ફરિયાદ થઇ હતી.

To Top