Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા શહેરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાદ હવે વડોદરાના વેપારીઓ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે પૂરને કારણે શહેરના અસંખ્ય વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. ત્યારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક મહત્વનો પત્ર લખવામાં આવેલ હતો. જેમાં વડોદરા શહેરને રહેવા યોગ્ય બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે જ મુખ્યમંત્રી દ્વારા વિશ્વામિત્રી નદીના રિડેવલોપમેન્ટ માટે ₹ ‌1200 કરોડની જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે પ્રોજેક્ટ માટે સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા છે.

વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા પત્રમાં લખવામાં આવ્યું હતું કે આ ફક્ત વડોદરા શહેરમાં આવેલ પૂરની વાત નથી પરંતુ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, ગેરકાયદેસર દબાણ હટાવવા વગેરે બાબતોમાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ નિવડ્યું છે. અને જે પૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું તેને જોઈને લાગે જ છે કે વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ 100% તેના કામમાં નિષ્ફળ થયું છે. શહેરમાં આવેલ પૂરને કારણે શહેરના નાગરિકો સહિત વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશ જણાઈ આવે છે.

વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે માનવસર્જિત પૂરના જવાબદારોને તાત્કાલિક દોષી ઠરાવી તેઓ સર્વેને બરખાસ્ત કરવામાં આવે. પૂરની સ્થિતિ સમય જે ભયનો માહોલ વડોદરા શહેરમાં હતો તે કોરોના કાર્ડ કરતા પણ વધુ ગંભીર હતો. આ સાથે તેમણે વધુ માંગણી કરી હતી કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક રાજીનામું આપે. સાથે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે નાગરિકોને વળતર માટે જે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે તેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે. અને અધિકારીઓ, નગર સેવકો સહિત ધારાસભ્યો નો ત્રણ મહિનાનો પગાર રાહત ફંડમાં લેવામાં આવે.

To Top