Top News

More Posts

   The Latest

Most Popular


ટાઉન પોલીસ મથકની પાસે જ ફૂટપાથ પર લારી-ગલ્લાંના દબાણ તો રોડ પર વાહન પાર્કિંગ કરાતા લોકોને મુશ્કેલી
ટાઉન પી.આઈ. સહિતના સરકારી કર્મચારીઓની અવર-જવર છતાં કાયમી નિરાકરણ લાવવાનો કોઈ પ્રયાસ નહીં

(પ્રતિનિધિ) નડિયાદ, તા.11
નડિયાદ ટાઉન પોલીસ મથકની બહાર નીકળતા જ રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ તરફનો મુખ્ય માર્ગ આવેલો છે. આખો દિવસ વાહનો અને રાહદારીઓથી ધમધમતા આ રોડ પર પોલીસના નાક નીચે જ મોટી સંખ્યામાં દબાણો ખડકાયેલા છે, તેમજ રોડ પર જ આડેધર ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતા હોવાથી રોડ સાંકળો થઈ જતા દિવસભર ટ્રાફિકની સમસ્યા રહે છે અને તેના કારણે વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.
નડિયાદ શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા સુધીના માર્ગ પર વચ્ચે ટાઉન પોલીસ મથક આવેલુ છે. આ ટાઉન પોલીસ મથકની લાઈનમાં અને તેના સામેના ભાગમાં રોડની આજુબાજુ ફૂટપાથ બનાવાયેલો છે. સામાન્ય રીતે ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે હોય છે, પરંતુ આ ફૂટપાથ પર મોટી સંખ્યામાં ખાણી-પીણી સહિતના લારી-ગલ્લાંના દબાણો ખડકાયેલા છે. જેના કારણે ફૂટપાથ બ્લોક થઈ ગયા છે અને તેના પર ચાલીને પસાર થવાનો કોઈ વિકલ્પ રહ્યો નથી. તો આ તરફ બંને તરફના રોડ પર ફૂટપાથની નીચે ખૂબ મોટી સંખ્યામાં દિવસભર લોકો વાહનો આડેધર પાર્કિંગ કરતા હોય છે. જેના કારણે રોડ ખૂબ જ સાંકળા થઈ જાય છે અને અહીંયાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ જ કનડગત વેઠવાનો વખત આવે છે. તેમજ રોડ સાંકળા થતા લોકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આ જ રોડ પર ટાઉન પોલીસ મથક આવેલુ છે. નડિયાદ ટાઉન મથકના પોલીસ ઈન્સપેક્ટરથી માંડી પી.એસ.આઈ. સહિતના સરકારી કર્મચારીઓ રોજેરોજ આ રોડ પરથી ટાઉન મથકે પહોંચે છે. પરંતુ તેઓને નાગરીકોને પડતી આ અગવડતા અંગે સહેજ પણ ખ્યાલ આવતો નથી. તેમજ આ સમસ્યા અંગે નગરપાલિકા સાથે સંકલન કરી અને આ દબાણો તેમજ આડેધર પાર્કિંગના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં પણ ક્યારેય પોલીસ પ્રશાસને જહેમત ઉઠાવી નથી. ત્યારે પોલીસ કર્મચારીઓ એ.સી. ચેમ્બરમાંથી તમામ વહીવટો કરતા હોય, તેમને પ્રજાની કોઈ પણ સમસ્યાના નિરાકરણમાં રસ હોતો નથી. એટલુ જ નહીં, આ મુખ્ય રોડ પર નડિયાદ ટાઉન મથકની બહાર ખુદ પોલીસ કર્મચારીઓ જ પોતાની ગાડીઓ પાર્ક કરતા હોવાનું પણ જોવા મળે છે. ત્યારે આવી પ્રજાલક્ષી સમસ્યાનું સમાધાન લાવવામાં પોલીસ પ્રશાસનથી માંડી નગરપાલિકા પ્રશાસન ક્યારેય નક્કર વિચાર કરશે કે કેમ? તે અંગે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે.

To Top