Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yeddyurappa) આજે CID સમક્ષ હાજર થયા હતા. વાસ્તવમાં તેમના ઉપર એક સગીરાનું યૌન શોષણ (Sexual exploitation) કરવાનો આક્ષેપ હતો. તેમજ સગીરાની માતાએ તેમની વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ આ મામલે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ 17મી જૂન એટલે કે સોમવારે CID સમક્ષ હાજર થશે. 11મી જૂને બેંગલુરુની કોર્ટે પોસ્કો કેસમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. CID સમક્ષ હાજર થતાં પહેલા યેદિયુરપ્પાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, હું CIDમાં જાઉં છું. રાજ્ય સરકારને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, “હાલ રાજ્યની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. રાજ્ય સરકારનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય ખોટો છે. તેમજ આ નિર્ણય એક ગંભીર ગુનો છે. રાજ્ય સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.”

જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી જ્યારે દિલ્હીથી પરત ફરશે, ત્યાર બાદ તરત જ તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપે તેને કાવતરું ગણાવ્યું અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, બી. નાગેન્દ્ર સામેના ભ્રષ્ટાચારના આરોપો પરથી ધ્યાન હટાવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો
પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના 2 ફેબ્રુઆરીએ એક મીટિંગ દરમિયાન બની હતી. ત્યારે યેદિયુરપ્પાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા એક મહિલા તેમના ઘરે આવી હતી. તે રડતી હતી અને કહી રહી હતી કે તેણીને કોઈ સમસ્યા છે. પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે, “મેં તેને પૂછ્યું કે મામલો શું છે અને મેં જાતે જ પોલીસને ફોન કર્યો હતો. તેમજ મેં કમિશનરને આ બાબતે જાણ કરી અને મદદ કરવા કહ્યું હતું. બાદમાં મહિલાએ મારી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. મેં પોલીસ કમિશનરને આ બાબતની જાણ કરી મામલા ઉપર તેમનું ધ્યાન દોર્યું હતું.” આ સાથે જ યેદિયુરપ્પાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.

To Top