Madhya Gujarat

નાપામાં લવીંગખાન સામે રોષ: ગ્રામજનોએ બંધ પાળ્યો

આણંદ : બોરસદના નાપા ગામના કૂખ્યાત લવીંગ ખાને છેલ્લા ત્રણ દિવસમાં બે યુવક પર જીવલેણ હુમલો કરતાં હોહા મચી ગઈ છે. આ અંગે ગ્રામજનો પોલીસના આશીર્વાદ અને રાજકીય ઓથ હોવાનો આક્ષેપ કરી બુધવારના રોજ સજ્જડ બંધ પાળ્યો હતો. જેના પગલે પોલીસ વિભાગ પણ દોડતું થઇ ગયું છે. લવીંગ ખાન અને તેના ખીલે ખુંદતા માથાભારે શખસોને તાત્કાલિક પકડી ગામમાં શાંતિ સ્થાપના માગણી કરી છે.

નાપા ગામમાં છેલ્લા કેટલાક સમયથી કૂખ્યાત આલેફ ઉર્ફે લવીંગ રસુલ પઠાણ અને તેની ટોળકીએ આતંક મચાવી દીધો છે. આ ટોળકીએ માત્ર ત્રણ દિવસમાં બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના ગામમાં ઘેરા પડઘા પડ્યાં હતાં. લવીંગખાને આ અગાઉ લવજેહાદ પ્રકરણમાં લાઇમલાઇટમાં આવ્યો હતો. બાદમાં થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરી તેણે માથુ ઉંચક્યું છે અને ઉપરા છાપરી હુમલા કરી રહ્યો છે. જેના કારણે ગામમાં શાંતિથી રહેતા અન્ય પરિવારજનોમાં ફફડાટની લાગણી ફેલાઇ રહી છે.

આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, તેને પકડવામાં પોલીસ ફાંફાં મારી રહી છે, બીજી તરફ લવીંગ ખાનની હિંમત દિવસે દિવસે વધતી જઇ રહી છે. આથી, રોષે ભરાયેલા ગ્રામજનોએ મંગળવારની મોડી રાત્રે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ગ્રામજનો પહોંચ્યાં હતાં અને હલ્લાબોલ કર્યો હતો અને લવીંગ ખાનને તાત્કાલિક પડી પાડવા માંગણી કરી હતી. પોલીસ અધિકારી દ્વારા જેમ તેમ મામલો થાળે પાડવમાં આવ્યો હતો. આમ છતાં ગ્રામજનોની માગણી ન સંતોષાતા ગુરૂવારના રોજ નાપા ગામમાં બંધ પાળવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી લવીંગની ટોળકી ઝેર નહીં કરવામાં આવે ત્યાં સુધી નાપા ગામમાં આંદોલન ચાલુ જ રહેશે.

નાપાના ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર અપાયું
નાપામાં કૂખ્યાત પઠાણ અલેફખાન  ઉર્ફે લવીંગખાન રસુલખાન સામે રોષ ભડક્યોે છે. આ અંગે ગ્રામ પંચાયતે કલેક્ટર અને એસપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લવીંગખાન ગમે તે વ્યક્તિને માર મારવો, જમીનનો કબજો કરવા, લવ જેહાદ જેવા સમાજ વિરોધી ગુનામાં સંડોવાયેલો છે. ગામની એકતા ડહોળાવવી, લોકો પર સત્તાના જોરે અત્યાચાર કરવો, બળથી લોકોને દબાવવા, મારામારી કરવી, હિંસા કરવી, દહેશત ફેલાવવી વગેરે જેવી રોજબરોજની તેની પ્રવૃત્તિ છે. જેના થકી નાપા ગામની આમ પ્રજા સતત કંટાળી ગઇ છે. ગામની સમગ્ર હિન્દુ – મુસ્લિમ પ્રજા ગામમાં શાંતિનું વાતાવરણ ઇચ્છે છે. હાલમાં લવીંગખાને ત્રણેક દિવસમાં બે વ્યક્તિને જીવલેણ મારમાર્યો છે. તે જાતે કબુલે છે કે, હું તો પોલીસને ખીસ્સામાં લઇને ફરું છું, તેઓ મારું કશું બગાડી શકવાના નથી. આથી, આવા માથાફરેલા, કૂખ્યાત અને અસામાજીક વ્યક્તિ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા માથાભારે વ્યક્તિ પર નિયંત્રણ લાવવામાં આવે, તેવી ગ્રામજનોની માંગણી છે.

રાજકીય ઓથ હેઠળ લવીંગ ફુલ્યો ફાલ્યો હોવાનો આક્ષેપ
લવીંગ ખાન અગાઉ વાંસખીલીયા ગામની એક યુવતીનું બળજરીપૂર્વક અપહરણ કરીને તેને પરણિત યુવક સાથે પરણાવી દઇ યુવતીને ગાયબ કરી દેવાના કિસ્સામાં વિવાદાસ્પદ બન્યો હતો. આ સમયે તેને રાજકીય અને પોલીસ અધિકારી સાથેના સંબંધોને લઇ ભારે ઉહાપોહ મચ્યો હતો. આખરે દબાણ વધતા વિદ્યાનગર પોલીસે તેની ધરપકડ કરી સ્થાનિક ગુના શોધક શાખાને સોંપ્યો હતો. પોલીસ વિભાગે આબરૂ બચાવવા તેની સામે પાસા કરી સુરત જેલ હવાલે કર્યો હતો. લવીંગ સામે બળજબરી પૂર્વક જમીનનો કબજો જમાવવો, યુવતીઓને ભગાડી જઇ જાતિય અત્યાચાર ગુજારવા સહિતની બાબતોએ અગાઉ પણ અનેક રજુઆતો કરવામાં આવી હતી.

Most Popular

To Top