SURAT

ઓલપાડની કાંઠા શુગર કાચી પડી, પ્રમુખ કિરીટ પટેલનું રાજીનામુ, હજારો સભાસદોમાં રોષ

સુરત: 41 કરોડની બાકી લોન સહિત 70 કરોડના દેવામાં ડૂબી ગયેલી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કાંઠા સુગર ફેકટરી કાચી પડતા હજારો ખેડૂતો અને બિન સભાસદ શેર હોલ્ડરોની કરોડોની મૂડી ફસાઈ છે. 2023નાં અંતે કાંઠા સુગરનાં ડૂબતાં જહાજનાં સુકાની એવા પ્રમુખ માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલે રાજીનામું આપી દેતા હજારો ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોના છેલ્લા હપ્તાના 10 કરોડ અને 60,000 ટન શેરડીના ની મૂડી મળી 20 થી 24 કરોડ ચૂકવવાના બાકી છે. એની સુગર ફેકટરી પાસે ખાંડનો કોઈ સ્ટોક નથી. 20,000 થી વધુ ખેડૂતો અને 40,000 થી વધુ બિન સભાસદોને હવે ક્યાંથી રૂપિયા ચૂકવવા એ મોટો સવાલ ઊભો થયો છે. સુગર મંડળીના પ્રમુખે નાસીપાસ થઈ રણભૂમિ છોડી દેતા મેનેજીંગ ડિરેક્ટરે આવતીકાલે સોમવારે 10.30 કલાકે પ્રમુખના રાજીનામાનાં મુદ્દે વ્યવસ્થાપક કમિટીની તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ક્યાંક તો પ્રમુખનું રાજીનામુ ‘ના મંજુર’ થાય અથવા આખી વ્યવસ્થાપક કમિટી રાજીનામુ આપે તો વહીવટદાર શાસન મુકાય એવી પરિસ્થિતિ બની છે. 41 કરોડની બાકી લોન મળી કુલ 70 કરોડનું દેવું જોતા આ સુગર મંડળીને હવે સરકાર જ બચાવી શકે એમ છે.

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર એકતરફ ઉકાઈ, મરોલી, માંડવી અને વ્યારા જેવી નબળી સુગર ફેક્ટરીઓને ધમધમતી કરવા પ્રયાસ કરી રહી છે. ત્યાં સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા આગેવાનોએ ગફલાઓ કરી સુગર મંડળીને દેવાના ડુંગરમાં ડૂબાડી દીધી છે. આ બાબતે સુગરના વાઇસ ચેરમેન બાલુભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, અમે ચેરમેન કિરીટભાઈ પટેલનું રાજીનામું સ્વીકારવાના નથી.

90% સભાસદો કોળી પટેલ અને બિન સભાસદ શેરધારકો પાટીદાર હોવાથી શાસકોની કસોટી
કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી 50 એકર જમીનની ફાળવણી સાથે પંચાયતી રાજના હિમાયતી અને 17 વર્ષ સુરત જિલ્લા પંચાયતમાં એક હથ્થું શાસન કરનાર સહદેવ ચૌધરીએ 50 એકર જમીન ફાળવી શરૂ કરી હતી. જે પૈકી 20 એકર જમીન મંડળીના સત્તાધારી શાસકોએ બિલ્ડરને વેચી મારી હતી. એટલુંજ નહીં,તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી આંનદીબેન પટેલથી હકીકત છુપાવી સસ્તા દરે બીજી સરકારી જમીન મેળવી હતી. આ સુગર ફેકટરીના 90% સભાસદો કોળી પટેલ અને બિન સભાસદ શેરધારકો પાટીદાર સમાજના હોવાથી ભાજપ શાસકોની આ મુદ્દે ખરી કસોટી થશે. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ગત વખતની શેરડીના પાકનો હજી છેલ્લા હપ્તો ચૂકવ્યો નથી. બીજી તરફ ખેડૂતોએ જમા કરેલી 60,000 ટન શેરડીના રૂપિયા કોણ ચૂકવશે? એ મોટો સવાલ ઊભો થયો છે.બીજી તરફ લોકસભાની ચૂંટણી જોતા કોળી અપને પાટીદાર બેલ્ટમાં આ મોટો રાજકીય મુદ્દો બની શકે છે.

બિનઉત્પાદક સભાસદોની આજે પૂણાગામ યોગી ચોકમાં સભા
ઓલપાડ કાંઠા સુગર બિન ઉત્પાદક સભાસદ હીત રક્ષક સમિતિના અગ્રણી સુરેશ સુહાગિયા એ જણાવ્યું હતું કે,મંડળીના કુલ 75,000 સભાસદો છે.એમાં બિન ઉત્પાદક સભાસદોની સંખ્યા 40,000 જેટલી છે. સસ્તા દરની ખાંડ મળશે એવી અપેક્ષા એ પાટીદાર સમાજના નાના લોકોએ 2000 રૂપિયાની કિંમતે શેરની ખરીદી કરી હતી. સુગર મંડળીના પ્રમુખે દેવાના ડુંગરમાં મંડળીને લઈ ગયા પછી રાજીનામુ આપતા સુગરના તમામ સભાસદોનું આર્થિક હિત જોખમાયું છે. સભાસદોની શેર મૂડી પરત મેળવવાનાં મામલે ચર્ચા વિચારણા કરવા આજે તારીખ ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે સરદાર ફાર્મ, પ્રમુખછાયા સોસાયટીની સામે, પૂણાગામ થી યોગીચોક રોડ, પૂણાગામ ખાતે મિટિંગ રાખવામાં આવી છે. જેમાં મૂડી પરત મેળવવા આગળની વ્યૂહ રચના ઘડવા આવશે.

માંડવી સુગરની જેમ કાંઠા સુગરના કૌભાંડીઓ સામે ગુનો દાખલ કરો:સુરેશ સુહાગિયા
ઓલપાડ કાંઠા સુગર બિન ઉત્પાદક સભાસદ હીત રક્ષક સમિતિના અગ્રણી સુરેશ સુહાગિયા એ જણાવ્યું હતું 40,000 બિન ઉત્પાદક સભાસદોને છેલ્લા 10 વર્ષમાં એકપણ વાર ખાંડ આપવામાં આવી નથી, એકપણ વાર વાર્ષિક એહવાલ મળ્યો નથી. ખેડૂતોના આક્ષેપ મુજબ 30 થી 40 કરોડ ગફલેબાજ નેતાઓ જમી ગયા છે. જો માંડવી સુગરના કૌભાંડી પ્રમુખ સહિતના જવાબદારો સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા એમ કાંઠા સુગરના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના બોર્ડ સામે ખાંડ નિયામક અને રજિસ્ટ્રારે ગુનો દાખલ કરાવવો જોઈએ. આ સમગ્ર ગેરરીતિને છાવરવા માટે સરકારે ખાંડ નિયામક અને રજિસ્ટ્રારની ભૂમિકા અંગે પણ અલગથી તપાસ યોજવી જોઈએ. કારણકે સુગરના કારભરીઓએ બિનઉત્પાદક સભાસદોની કોઈ દરકાર કરી નથી. ઘણી લેખિત ફરિયાદો છતાં કોઈ પગલું ભર્યું નથી.

એક જ દાયકામાં સુગર મંડળીનું આ રીતે પતન થયું
સ્થાપક સહદેવ ચૌધરીએ અપાવેલી 50 એકરમાંથી 20 એકર જમીન વેચી નાખી,આનંદીબેન પટેલ સરકારને અંધારામાં રાખી સરકાર પાસે સસ્તા દરે જમીન ખરીદવામાં આવી હતી. ખેડૂતોનું ગયા વર્ષનું 10 કરોડનું ચુકવણું અને 60,000 ટન પિલાણની રકમ મળી 20 થી 24 કરોડ ચૂકવવાના બાકી છે. 20 કરોડનો સરકારનો શેર ફાળો, એનસીડીસી અને નાબાર્ડની કરોડોનું લેણું મળી કુલ 41 કરોડની લોનનું ચુકવણું બાકી છે. 20,000 સભાસદો અને 40,000 બિન ઉત્પાદક સભાસદોની શેરમૂડી પેટે કરોડોનું ચુકવણું બાકી, સરકાર 70 કરોડનું ફંડ આપે તો જ મંડળી બચી શકે.

કોઇ ગેરવહીવટ થયો નથી, જનરલ સભામાં ઓડિટ રિપોર્ટ મંજૂર થયો છે
સાયણ: ઓલપાડની કાંઠા સુગર ફેકટરીના પ્રમુખપદેથી રાજીનામુ આપનાર માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલે જણાવ્યું હતું કે, ‘ગત પિલાણ સિઝનમાં શેરડી શેરડી નાંખનારા સભાસદોને શેરડીના ત્રણે હપ્તા ચૂકવાઇ ગયા છે. ચાલુ વર્ષે બંધ થયેલી સુગરો ફરી ચાલુ થતા કાંઠા સુગર મીલને પિલાણ માટે શેરડી પુરવઠો ન મળવા ઉપરાંત આવનારા દિવસોમાં પણ શેરડીની સમસ્યા જણાતા રાજીનામું આપ્યું છે. સુગરમાં કોઇ ગેરવહીવટ થયો નથી,દર વર્ષની જેમ સુગરના હિસાબોનું ઓડીટ કરાવી જનરલ સભામાં હિસાબો મંજુર કરવામાં આવ્યા છે.

સુગરના ગત પિલાણ સિઝનમાં સભાસદોને ત્રીજો હપ્તો મોડો જરૂર ચુકવાયાનું કારણ અંગે કહ્યું કે, સુગરે ન્યુ દિલ્હી ખાતેની એન.સી.ડી.સી.માંથી લીધેલા રૂપિયા 25 કરોડની લોન એકસાથે ભરપાઇ કરાવતા સંસ્થાને નાણાંકીય ખેંચ પડી હતી. જ્યારે સુગરે શેરડી નાંખનારા સભાસદોને પેમેન્ટના ત્રણે હપ્તાઓ ચૂકવી દીધા છે. કાંઠા સુગર મીલ શરૂ થઇ તે સમયે નાણાંકીય જરૂરીયાત સમયે મારા પરિવારની આ સંસ્થામાં ૧.૪૦ કરોડની ડિપોઝીટ રકમ આજે પણ જમા છે. મારૂં રાજીનામું આપવાનું કારણ માત્ર એટલું જ છે કે,શરૂઆતમાં ઓલપાડ વિભાગમાંથી ૨.૫૦ લાખ ટન શેરડી પુરવઠો મળતો હતો. પરંતુ ભુંડના ત્રાસના કારણે કાંઠાના ખેડુતોએે શેરડી બનાવવાનું બંધ કરતા ઓલપાડ વિભાગનો શેરડી પુરવઠો મળતો નથી.જ્યારે ચાલુ વર્ષે વ્યારા, વડોદરા ખાતેની ગાંધાર અને આવતા વર્ષે માંડવી સુગર પણ શરૂ થનાર હોવાથી આવનારા દિવસોમાં કાંઠા સુગરને શેરડી પુરવઠો ન મળે તેવી શકયતાઓ જણાતા મારી ૬૫ વર્ષની ઉંમરે હું સંચાલન કરી શકું તેમ ન હોવાથી જ રાજીનામું આપ્યું છે. બીજુ કોઇ જ કારણ નથી.’

Most Popular

To Top