Charchapatra

હવે આપણી જરીપુરાણી માન્યતા બદલવાની ખાસ જરૂર છે

ને હું મંદિરમાં આવ્યો ને દ્વાર બોલ્યું
પગરખાં નહીં અભરખા ઊતારો
આપણે એકવીસમી સદીના બાવીસમા વરસમાં જીવી રહ્યાં છીએ. પણ અમુકની માનસિકતા હજુ પણ 16 મી સદીની જ છે. કોણ જાણે આપણે ભક્તિ કરતાં ચમત્કારોમાં વધારે રસ છે. બધું જ ભગવાનનું આપેલું છે. એ જાણવા છતાં આપણે ભગવાનને અગરબત્તી ફૂલ ધૂપ શ્રીફળ ધરાવીએ છીએ.ભગવાન તમારા ભાવનો ભૂખ્યો છે. આપણે બધાએ એક જ કામ કરવાનું છે. મંદિરમાં જઇ પૂરેપૂરી શ્રધ્ધા અને સાચી લાગણીથી મસ્તક નમાવી ભગવાનનો આભાર માનવાનો છે. કંઈ માંગવાનું નથી.એમને ખબર જ છે તમને શું જોઈએ છે? તમારી લાયકાત કરતાં પણ ભગવાન તમને હંમેશા વધારે જ આપે છે. ભગવાનનો આભાર માનવો હોય તો તમે  રોજ સવારે ઊઠીને પવિત્ર થઈને ઘરમાં ભગવાનની મૂર્તિ આગળ ઊભા રહીને પણ આંખો બંધ કરી બે હાથ જોડી મસ્તક નમાવી આભાર માની શકો છો. તમારા ઘરમાં મંદિરમાં તમારા ઇષ્ટદેવની નાની મૂર્તિ રાખો.રોજ પૂજા અર્ચના થઈ શકશે.

બારે માસ રોજ તમારા ઇષ્ટદેવનાં દર્શન થશે. તમારા ઘર અને પાસ પાડોશીઓને પણ પુણ્ય મળશે.સાથોસાથ ઘરની અને શેરી મહોલ્લાની તકલીફો બુરાઈઓ અંકુશમાં આવશે.  જગતમાં સૌથી મોટો ધર્મ માનવધર્મ છે એ સમજતાં હજુ પણ આપણને કેમ વાર લાગે છે. તમારી તકલીફો તમારી મુસીબતો તમારે જ દૂર કરવી પડશે.કોઇ તમને બચાવવા આવવાનું નથી. આપણે જ્યાં સુધી માણસને માણસ તરીકે સમજશું નહીં.મુલવીશું નહીં ત્યાં સુધી આવી જ રીતે ભટકતાં રહીશું.આપણને આવી રીતે કોઇ દિવસ પણ શાંતિ અને ચેન મળવાનાં નથી. આપણે આપણી અંદર દયા, કરુણા, અનુકંપા, લાગણી વિગેરે ગુણો વિકસાવી લીલાછમ રહેવાનું છે.  જગતને નિરખવાની આપણી દૃષ્ટિમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે કોઈને નડીએ નહીં. કોઈનું કામ થતું હોય તો અડચણ ઊભી ના કરીએ એના જેવું પુણ્યનું બીજું એક પણ કામ નથી. શુ આપણે ભગવાનના અલૈાકિક ભવ્ય દર્શનને કાબિલ છીએ ખરા?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top