અમેરિકાએ તેના ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા તે પછી કેનેડા પણ હવે તેના આ નિયમો કડક બનાવી રહ્યું છે. અમેરિકા જવાનું કઠણ થઇ ગયા બાદ કેનેડાના દરવાજા ઠીક ઠીક સમય સુધી ઉઘાડા ફટાક હતા અને ભારત જેવા દેશોમાંથી લોકોનો પ્રવાહ કેનેડા તરફ વળ્યો. વિશાળ જમીન વિસ્તાર ધરાવતો કેનેડા ખૂબ ઓછી વસ્તી ધરાવતો દેશ હતો અને તેને કામદારોની જરૂર હતી અને તેણે દુનિયા માટે પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા પણ ધીમે ધીમે ત્યાં પણ વિદેશી વસ્તી વધવા માંડી તેથી હવે તેણે પણ પોતાના ઇમિગ્રેશન નિયમો અને કાયદાઓ કડક બનાવવા માંડ્યા છે. કેનેડાએ હાલમાં તેના ઇમિગ્રેશન નિયમનોમાં મોટા ફેરફારો કર્યા છે. નવા ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેકશન રેગ્યુલેશનો ૩૧ જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે, જેમાં બોર્ડર ઓફિસરોને વધુ સત્તાઓ આપવામાં આવી છે જેઓ હવે હંગામી વસવાટ માટેના દસ્તાવેજો જેવા કે ઇલેકટ્રોનિક ટ્રાવેલ ડોક્યુમેન્ટો (eTAs) અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRVs) રદ કરી શકે છે.
આ નવા નિયમનો ભારતીયો સહિત હજારો વિદેશી નાગરિકોને દર વર્ષે અસર કરી શકે છે. આ ફેરફારો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને હંગામી રેસિડેન્ટ વિઝિટરોને અસર કરી શકે છે જેમાંના ઘણા ભારતીયો છે. વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવાનું પસંદ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા એ ટોચનું સ્થળ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કેનેડામાં ૪૨૭૦૦૦ જેટલા ભારતીયો અભ્યાસ કરી રહ્યા છે. ઇમિગ્રેશન નિમયોમાં આ ફેરફાર કેનેડાના ઇમિગ્રેશન માળખામાં શ્રેણીબધ્ધ ફેરફારો પછી આવ્યા છે જેમાં ૨૦૨૪ના અંતે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વિઝા પણ રદ કરવાની બાબતનો સમાવેશ થતો હતો. આ યોજના હેઠળ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા પણ હવે કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવાનું પ્રમાણમાં મુશ્કેલ બન્યું છે.
સુધારેલા નિયમો કેનેડિયન ઇમિગ્રેશન અને બોર્ડર અધિકારીઓને વધુ સત્તાઓ આપે છે જેઓ eTAs, TRVs, વર્ક પરમિટો અને સ્ટડી પરમિટો ચોક્કસ સંજોગો હેઠળ હવે રદ કરી શકે છે. જે સંજોગો હેઠળ તેઓ આ વિઝાઓ કે પરમિટો રદ કરી શકે છે તેમાં આ પ્રકારના સંજોગોનો સમાવેશ થઇ શકે છે: વ્યક્તિની સ્થિતિ અથવા સંજોગો બદલાય, જેના કારણે તે અયોગ્ય અથવા અસ્વીકાર્ય બને, જેમ કે ખોટી માહિતી આપવી, ગુનાહિત રેકોર્ડ હોવો અથવા મૃત્યુ પામવું. જો અધિકારીને ખાતરી થતી નથી કે વ્યક્તિ તેના અધિકૃત રોકાણની મુદત પૂરી થયા પછી કેનેડા છોડી દેશે. જો દસ્તાવેજ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય, નાશ પામે અથવા વહીવટી ભૂલના આધારે જારી કરવામાં આવ્યો હોય. સુધારેલા નિયમો અનુસાર, જો ભારતના વિદ્યાર્થીઓ સહિતના વિદેશીઓના વર્ક અથવા સ્ટડી વિઝા નકારવામાં આવે તો તેમના ઇમિગ્રેશન પેપર્સ રદ કરી શકાય છે. અહેવાલો અનુસાર, સુધારેલા નિયમોના પરિણામે આશરે 7,000 કામચલાઉ નિવાસી વિઝા, વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ રદ કરવામાં આવશે.
યુરોપના ઘણા નાના દેશો એવા છે કે જેઓ ખૂબ ઓછી વસ્તી ધરાવે છે પરંતુ ત્યાં ઔદ્યોગિકરણ પણ વ્યાપક નથી અને તેમને કામદારોની મોટા પાયે જરૂર નથી તેથી તેમણે વિદેશથી આવતા ઇમિગ્રન્ટોને બહુ પ્રોત્સાહન આપ્યું નથી. અમેરિકા અને કેનેડા જેવા દેશોને કામદારોની જરૂર રહે છે. અમેરિકામાં તો દુનિયાભરમાંથી લોકો ઠલવાયા છે અને હવે નિયમો કડક બનયા પછી પ્રવાહ ધીમો પડ્યો છે પરંતુ હજી પણ ઠલવાય છે. હવે કેનેડામાં પણ વિદેશીઓની વસ્તી વધી ગઇ હોવાથી હવે ત્યાં પ્રવેશવાનું પણ મુશ્કેલ બનવા માંડ્યું છે.
