Charchapatra

બ્રેઇનમાં નેનો રોબોટ્‌સ

ગ્રીક શબ્દ ‘NANOS’ એટલે “DWARF (TINY)” રીચાર્ડ ફેન્મેન (FEYNMAN) નામના અમેરિકન ભૌતીક શાસ્ત્રીએ 1957માં નેનો ટેકનોલોજીની શોધ કરી હતી. નેનો એટલે કોઇપણવસ્તુનો અબજમો ભાગ. હવે બ્રેઇન ટયુમર અને કેન્સર જેવી ઘાતક બીમારીઓ વિરુધ્ધ સારવાર તથા નિદાન માટે નેનો રોબોટ્‌સ (નેનો બોટ્‌સ) તૈયાર કરી રહયા છે. આ નેનો બોટ્‌સ મગજના વિવિધ ભાગોનું માપ લઇ શકે છે અને મગજની અંદરના ટીસ્યુના નમૂના પણ ભેગા કરી શકે છે. આ નેનોબોટ્‌સ બ્રેઇનની અંદર જઇને જટિલ બીમારીઓનો ગ્રાફ કમ્પ્યુટર સ્ક્રીન પર બતાવશે. તેને આધારે બ્રેઇનની બીમારીઓની ચોક્કસતાથી સારવાર થઇ શકશે. આ બધું કેલિફોર્નિયામાં હ્યુમન બ્રેઇન રિસર્ચ પર શરૂ થયેલા સ્ટાર્ટ અપ દ્વારા શકય બનશે. આમાં નેનોબોટ્‌સને બ્રેઇનની અંદર ઇન્જેકટ કરાશે. એનું મેટલ સ્ટ્રકચર થોડા મિલિમીટરનું જ છે જે ધીમે ધીમે શરીરમાં ઇન્જેકટ કર્યા બાદ ટાર્ગેટ તરફ રોકેટની ગતિથી આગળ વધતું જશે. જયાં સુધી તે મગજની અંદર દ્રવ્યોથી ભરેલી દીવાલમાં ઘૂસી ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. એમઆરઆઇથી વિપરીત આ ઉપકરણ સરળતાથી પરિવહન માટે યોગ્ય હોય છે. વળી તે 10 થી 100 ગણી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે.

આ નેનોબોટ્‌સ આર્ટરી અને વેઇન્સ (ધમની શીરા)માં રહેલા પ્લાકને પણ સાફ કરી શકશે. આ જ પધ્ધતિથી હૃદય, ફેફસા વગેરે શરીરના અન્ય અંગોના રોગોની સારવાર માટે પણ ઉપયોગી થઇ પડશે. કેન્સરની ગાંઠમાં કેટલીક વખત દવાઓ પહોંચાડવાની મુશ્કેલી પડતી હોય છે તે દવાઓ નેનો બોટ્‌સ દ્વારા સરળતાથી આપી શકાશે. આ નેનો બોટ્‌સ શરીરમાં લગભગ 100 દિવસ રહીને જાતે જ બાયો ડીગ્રેડ થઇ જાય છે. બાયોનોટ લેબ્સ નામના આ સ્ટાર્ટઅપ દ્વારા એપીલેપ્સી પાર્કિન્સન્સ ડીઝીસ અને સ્ટ્રોક સહિત અન્ય મગજની બિમારીઓની સચોટ સારવાર થઇ શકશે. હાલમાં જ બકરી અને ડુક્કર જેવા પ્રાણીઓ પર આ નેનો રોબોટ્‌સના સફળ પરીક્ષણ કરાયા હતા. તેના ડેટા પરથી માલમ પડે છે કે આ પધ્ધતિ જરા પણ જોખમી નથી. અમેરિકાની એફડીએ (ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી આ પ્રકારની સારવાર પધ્ધતિને માન્યતા મળી ગઇ છે. લાગે છે કે મેડિકલ સાયન્સ ઘણા ગંભીર રોગો ઉપર પણ સારવારની નવી નવી ટેકનિકો દ્વારા વિજય મેળવી શકશે!
શિકાગો – ડો. કિરીટ એન. ડુમસિયા

Most Popular

To Top