Madhya Gujarat

નડિયાદને ગાર્બેજ ફ્રી સીટી બનાવવા પાલિકાના ઉધામા

નડિયાદ : નડિયાદ શહેરમાં ગંદકીનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી ચર્ચાની એરણે છે. ત્યારે પાલિકા દ્વારા શહેરને ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે પાલિકા દ્વારા એક જાહેર નોટિસ થકી લોકોને જો કોઇ વાંધો કે સૂચન હોય તો લેખિતમાં પાલિકા કચેરીએ જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. આ નોટિસના અનુસંધાને વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર માજીદખાન પઠાણ દ્વારા પાલિકામાં લેખિત વાંધા અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત નગરજનોને પણ તેમના વિસ્તારની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને પાલિકામાં વાંધા અરજી કે સૂચન કરવાની અપીલ કરવામાં આવી છે.

૭ દિવસમાં નગરજનો જાગૃત થાય છે કે નહીં અને પાલિકા કચેરીએ કેટલી અરજીઓ આવે છે તે હવે જોવું રહ્યું. બાકી, શહેરમાં ગંદકીની શું પરિસ્થિતી છે તે તો સહુ કોઇ જાણે જ છે.  ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન તથા ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ નડિયાદ નગરપાલિકાને થ્રી સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવા માટે કામગીરી કરવામાં આવી હોવાનો દાવો પાલિકા દ્વારા એક જાહેર નોટિસ થકી કરવામાં આવ્યો છે. જોકે, આ નોટિસમાં કરવામાં  આવેલા અડધોઅડધ દાવા પોકળ સાબિત થયા છે.

પાલિકા કચેરીની બાજુના જ તળાવમાં ગંદકી
નોટિસમાં મુજબ શહેરની તમામ વોટર બોડીની સફાઇ કરવામાં આવે છે. જોકે, શહેરના બે કે ત્રણ તળાવોને બાદ કરતાં મહત્તમ તળાવો ગંદકીથી ખદબદતા જોવા મળે છે. પાલિકા કચેરીની બાજુમાં જ આવેલા શેરકંડ તળાવની સ્થિતી જ હાલમાં સૌથી ખરાબ જોવા મળી રહી છે. આ ઉપરાંત મૂળેશ્વર તળાવ સહિતના તળાવોમાં પણ પારાવાર ગંદકી જોવા મળે છે.

સફાઇ મામલે પણ અનિયમિતતા
શહેરમાં જાહેર સ્થળો અને કોમર્શિયલ સ્થળોએ દિવસમાં બે વાર તથા રહેણાંક વિસ્તારોમાં નિયમિત સફાઇ કરવા બાબતનો પણ નોટિસમાં ઉલ્લેખ છે. જોકે, શહેરના જાહેર સ્થળો અને કોમર્શિયલ સ્થળોની સફાઇ અને જાળવણી કરવામાં પણ પાલિકા ઉણી ઉતરી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ રોજેરોજ સફાઇ થતી નથી. એક દિવસ છોડીને એક દિવસ પાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઇ કરવામાં આવે છે. પાલિકાના સંતરામ રોડ ઉપર આવેલા સંતરામ નિલયમ કોમ્પલેક્ષમાં જ કાયમી ગંદકી જોવા મળે છે.

જાહેર શૌચાલયોની નિયમિત સફાઇ થતી નથી
શહેરમાં આવેલા જાહેર શૌચાલયોનો ઉપયોગ કરતાં પહેલાં પણ ૧૦૦ વાર વિચાર કરવો પડે તેવી પરિસ્થિતી છે. જાહેર શૌચાલયનો નિયમિત સફાઇ કરવામાં આવતી નથી. અસહ્ય દુર્ગંધ અને ગંદકીને કારણે લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. શહેરના કેટલાક જાહેર શૌચાલયો તો બંધ હાલતમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત જાહેર શૌચાલયોમાં પાણીની સમસ્યા પણ હોય છે.

શહેરના નાળામાં પારાવાર ગંદકી
નોટિસમાં શહેરમાં આવેલા નાળાની પણ સફાઇ કરવામાં આવતી હોવાની વાત છે. જોકે, શહેરના મહત્તમ નાળા (કાંસ) પણ કચરાથી ભરાયેલા જોવા મળે છે. શહેરના દેસાઇવગા, બસ મથક પાસે આવેલા નાળામાં પણ ભરપુર ગંદકી જોવા મળે છે.

લીટર બિન્સની સુવિધા નથી
નોટિસમાં જણાવ્યા મુજબ, જાહેર સ્થળો અને કોમર્શિયલ સ્થળોએ ૫૦૦ મીટરના અંતરે લીટર બિન્સ (ડસ્ટબિન) ની સુવિધા કરવામાં આવી છે અને મટીરીયલ રીકવરી ફેસીલીટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આવી કોઇ સુચારૂ વ્યવસ્થા શહેરમાં જોવા મળતી નથી. મુખ્ય માર્કેટ હોય કે બસ મથક કે અન્ય કોઇ વિસ્તાર લીટર બિન્સ જોવા મળતાં નથી. આ ઉપરાંત એમ.આર.એફ.ની પણ વ્યવસ્થા જોવા મળતી નથી.
શહેરના જાહેર રસ્તાઓ પર જ પારવાર ગંદકી
નડિયાદ શહેરમાં સ્વચ્છતાની વાતો અને થ્રી સ્ટાર રેટિંગના અભરખા વચ્ચે પાલિકા તંત્ર શહેરના જાહેર માર્ગો પર પણ સ્વચ્છતા જાળવવામાં ઉણી ઉતરી હોવાનું જોવા મળે છે. શહેરના મહત્તમ વિસ્તારોમાં હજીપણ જાહેર માર્ગો પર પણ કચરાના ઢગલાં જોવા મળે છે.

Most Popular

To Top