Dakshin Gujarat

માંગરોલના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળકો પર દીપડાનો હુમલો : એકનું મોત

સુરત : માંગરોલના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો પર દીપડાએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા બાદ ગ્રામજનો ભેગા થયા હોવાનું અને વન વિભાગ ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ આજ રોજ મંગળવારે સવારે લગભગ 10 વાગ્યાની આજુબાજુ બનેલી દીપડાના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બાળકના ગળાના ભાગે દીપડાના દાંતના નિશાન મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. હાલ પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના લગભગ 9:30 ની હતી. દીપડો ખેતરમાં છુપાઈને બેઠો હોય એમ કહી શકાય છે. પશુઓ ચરાવવા નીકળેલા બાળકો ને જોઈ દીપડા એ ખેતરમાંથી બહાર નીકળી એટેક કર્યો હતો. એટલું જ નહી પણ પશુઓ પર એટેક કર્યા બાદ સોફ્ટ ટાર્ગેટ બાળકો પર એટેક કરતા એક બાળક દીપડાના હાથે ચઢી ગયું હતું.

જોકે બુમાબૂમ થઈ જતા દીપડો બાળક ને છોડી ખેતરમાં ઘુસી ગયો હતો. ગ્રામજનોએ ખેતર ને ચારેય બાજુથી ઘેરી લેતા દીપડો ખેતરમાંથી ડોક્યું કરી પાછો ખેતરમાં સંતાઈ જતો હાલ દેખાય રહ્યો છે. દીપડાનો શિકાર બનેલા બાળકનું નામ સતીશ મહેશ વસાવા (ઉ.વ. 12) હોવાનું સામે આવ્યું છે.

કેતનભાઈ (સામાજિક અગ્રણી) એ જણાવ્યું હતું કે ઘટના આજે સવારે બની હતી. બાળકો પશુ ચરાવવા ગયા હતા. ત્યારે જ બે પૈકી એક બાળક પર હુમલો કરી દીપડા એ બાળકને ગળાના ભાગેથી પકડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સતીશ માતા-પિતાનો એક નો એક દીકરો અને એક ની એક બહેનનો ભાઈ હતો. સતીશ ધોરણ-6 નો વિદ્યાર્થી હતો. આજે ગણેશ ચતુર્થી ને લઈ શાળા એ રજા હોવાથી પશુ ચરાવવા ગયો હતો. આ ગામની આજુબાજુ લગભગ અનેક દીપડાઓ હોય એ વાત ને નકારી શકાય નહીં, ત્રણ વર્ષ પહેલા પણ બાજુના એક ગામમાં દીપડા એ એટેક કરી કોઈ ને મારી નાખ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. હાલ વન વિભાગ અને પોલીસ કાફલો ગામમાં આવી ગયો છે. દીપડો ખેતરમાં જ સંતાઈ ને બેઠો હોય એમ કહી શકાય છે.

Most Popular

To Top