Latest News

More Posts

રાજેશ્રી ટોકીઝ સામે અચાનક લાગેલી આગથી દહેશત, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, શોર્ટ સર્કિટની શક્યતાઓ તપાસ હેઠળ

વડોદરા : શહેરના વ્યસ્ત કાલાઘોડા વિસ્તાર પાસે આવેલ રાજેશ્રી ટૉકીઝ સામેની પાર્કિંગ જગ્યામાં મંગળવારે બપોરે બે કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાએ આસપાસ ભારે દહેશત ફેલાવી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોઈને લોકોને ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર પાર્કિંગમાં ઉભેલી બે કાર અચાનક સળગી ઉઠતાં સ્થળેથી ધુમાડાના ઘેરા વાદળો ઉઠવા લાગ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણ મળ્યા બાદ ફાયર ફાઇટર્સની ટીમ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બંને કાર બળીને ખાક થઇ ગઈ હતી.

ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. હાલ સુધીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તારણો મુજબ શોર્ટ સર્કિટ અથવા ઇંધણ લીકેજને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો સમયસર આગ ઉપર કાબુ મેળવવામાં ન આવ્યો હોત તો ફાયર જ્વાળાઓ વધુ ફેલાઈ આસપાસના વાહનો કે દુકાનોને પણ નુકસાન થતા વીતી શક્યા હોત. સદનસીબે કોઈ જાનહાનીની ઘટના બની નથી.
પોલીસ તેમજ ફાયર વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આગની પાછળનું કારણ જાણવા ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવશે એવી માહિતી મળેલ છે.

To Top