Latest News

More Posts

14 હજાર રૂપિયા પડાવનાર ગઠિયો સાયબર ફ્રોડના ડઝનબંધ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 22
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક નાગરિકને પાડોશીના સંબંધી હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ ઓનલાઇન નાણાં પડાવનાર સાયબર ગઠિયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આ કેસમાં તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી અગાઉ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અનેક સાયબર ફ્રોડના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.
ઘટનાની વિગત મુજબ, નડિયાદ પશ્ચિમમાં રહેતા પ્રયાગ સુરેશભાઈ પંડ્યાને તા. 16ના રોજ એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેનના ભાભીના સગા તરીકે આપી હતી. અત્યંત વિશ્વાસપૂર્વક વાત કરી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું જણાવી આરોપીએ કુલ રૂપિયા 14,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
થોડીવાર બાદ છેતરપિંડી થયાનો અહેસાસ થતા ભોગ બનનાર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈ સાયબર સેલ અને ટેકનિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા સીડીઆર એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી પોલીસે તેને વડોદરાથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી પ્રિતેશભાઈ મહેશભાઈ પ્રજાપતિ હાલ વડોદરાના પોર જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો અને મૂળ મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સામે મહેમદાવાદ, રાજકોટ સાયબર, મોરબી, વલસાડ, મણીનગર, તલોદ અને બોરસદ સહિતના પોલીસ મથકોમાં અંદાજે 12 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ રીતે નડિયાદ પશ્ચિમ પોલીસે એક સાયબર ફ્રોડના રીઢા ગુનેગારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેના કારણે શહેરમાં સાયબર છેતરપિંડી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

To Top