Charchapatra

ઉતર્યો અમલ કોડીનો…

સનદી અધિકારી પોતાની ઓફિસમાં બેઠા હોય ત્યારે ડોર બેલ વગાડે એટલે પટાવાળો, ગાડીનો ડ્રાયવર કે જે તે કર્મચારી તરત હાજર થઇ જાય છે અને અધિકારી જે કાંઇ મૌખિક સુચના આપે તેને જી-સર, હાજી સર, કહીને અમલ કરતા હોય છે. કેમકે તે ઉચ્ચ અધિકારીની સત્તાનો પ્રભાવ હોય છે. જયારે એજ અધિકારી નિવૃત્ત થાય પછી બધી સત્તા સગવડો ચાલી જતી હોય છે. કોઇ તેની આજ્ઞા કે આદેશનું પાલન કરવાવાળું રહેતું નથી. આથી તેઓ માનસિક રીતે હતાશ અપસેટ થઇ જાય છે. તેવી જ રીતે સરકારના મંત્રી મંડળમાં કેબીનેટ કે રાજય કક્ષાના મંત્રી હોય તેની આન બાન શાન અલગ હોય છે. મંત્રી જયાં જાય ત્યાં માન સન્માન મળે છે. તેની આગળ પાછળ કાર્યકરો અધિકારીઓ આંટાફેરા મારતા હોય છે પરંતુ જો મંત્રી ચૂંટણીમાં હારી જાય તો સત્તાવિહોણા બની જાય છે અને માજી મંત્રી બની જાય છે. હાજી સર કે સલામ મારનારા રહેતા નથી. આથી સત્તાનો અભરખો ન રાખો સત્તા આજે છે અને કાલે નથી રહેવાની. એવું પણ બને છે મૂળ વાત સનદી અધિકારી હોય કે મંત્રી તમો લોકાભિમુખ અભિગમ ન કેળવશો તો લોકોના હૃદયમાં સ્થાન મળતું નથી. માજી શબ્દ પ્રયોગ થાય એટલે ગુજરાતીમાં કહેવત છે ઉતર્યો અમલ કોડીનો, તે વાત સમજી લો…
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતી જીવનશૈલીનાં સ્મરણો
પહેલાંના સમયમાં પરિવારમાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના હતી.એક પરિવારમાં વીસ પચ્ચીસ સભ્યો એક સાથે રહેતાં હતાં.સંયુક્ત કુટુંબમાં રહેવું એ સામાન્ય બાબત હતી.મહિલાઓ ઘરમાં રસોઈ કરતી હોય,પુરુષો કામધંધો કરતા હોય,વડીલો ઓટલા પર મહાલતા હોય અને બાળકો આંગણામાં રમતાં હોય ત્યારે ઘર એક મંદિર જેવું લાગે. વડીલોનો પરિવાર પર ધાક હતો,વડીલોનો એક આદેશ બહાર પડે તેનો પરિવારના તમામ સભ્યો પાલન કરતા. પરિવારમાં માંડ એક ફોનનું ડબલું હતું.એનો ઉપયોગ માત્ર વેપાર પૂરતો થતો.સગાં સંબંધીઓના ખબર અંતર કાઢવા રૂબરૂ જ જતા.ઘરમાં માત્ર એક નાનું રેફ્રિજેટર હોય તો ભયો ભયો. ઘરમાં એકાદ બજાજનું સ્કુટર હોવું એ સમાજમાં પ્રતિષ્ઠા ગણાતી.

સાયકલ જ પરિવહનનું સાધન હતું.પરિણામે શેરીઓમાં પાર્કિંગની સમસ્યા હતી નહિ.સુરતમાં રોડ રસ્તાઓ નાના હોવા છતાં ટ્રાફિક જેવો શબ્દ કયાં હતો? રસ્તા પર ઘોડાગાડી દોડતી,ઓટો રીક્ષા નહિવત્ હતી. ઘરમાં રેડિયો સાંભળવાની મજા કંઈ અલગ હતી.શિલોન પર આવતું અમીન શયાનીનું ‘બિનાકા ગીતમાલા’ ટોળે વળી સાંભળતાં.શિક્ષણ ક્ષેત્રે,ભાર વગરનું ભણતર હતું.બાળકો શાળાએથી આવી ભોજન કરી, સીધા મહોલ્લામાં  રમવા લાગી જતાં, જે મોડી સાંજ સુધી મહોલ્લો ઓલિમ્પિક નું મેદાન લાગે.આવકના સ્રોત ઓછા હતા,ખર્ચા તોલી માપીને કરતા.સાદગીભર્યું જીવન હતું.પરિવારમાં હળીમળીને રહેતા હતા.ભલે ભૌતિક સુખ ઓછુ હતું પણ લોકો માનસિક રીતે સુખી હતાં.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top