Madhya Gujarat

પેટલાદમાં કચરા નિકાલનો ઓર્ડર આપતા છ માસ થયાં

પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા વધુ એક વિલંબીત નિર્ણય લેવાયાની વિગતો બહાર આવી છે. થોડા સમય અગાઉ ડોર ટુ ડોર ઘનકચરાનુ કલેક્શન કરવાનો ઈજારો આપવામાં છ મહિના જેટલો લાંબો સમય નિર્ણય કરવામાં ગયો હતો. તેવી જ રીતે હવે લેગાસી વેસ્ટના નિકાલ કરવાનો નિર્ણય પણ છ મહિના બાદ લેવાયો હોવાની વિગતો સામે આવી છે‌. આ બંન્ને ઈજારામાં ટેન્ડર ખોલ્યા બાદ છ મહિને વર્ક ઓર્ડર આપવાનો વિલંબીત નિર્ણય લીધો હોવાનુ સામે આવ્યું છે. પેટલાદ પાલિકાના પ્રમુખમાં કોઈપણ કામ બાબતે નિર્ણય શક્તિનો અભાવ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

જેને કારણે શહેરનો વિકાસ અને પાલિકાનો વહિવટ ગોકળગાયની ગતિથી ચાલતો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી ઘનકચરાનુ કલેક્શન પાલિકા દ્વારા રોજેરોજ કરવામાં આવતું હોય છે. આ ઘનકચરો પાલિકાની લક્કડપુરા એસટીપી સાઈટ ખાતે નાખવામાં આવે છે. વર્ષોથી અહિયાં ઘનકચરો એકત્રિત થતા તેનો નિકાલ કરવો આવશ્યક હતો. જેથી પાલિકા દ્વારા 4થી ઓગષ્ટ 2022ના રોજ ટેન્ડર જાહેરાત આપી હતી.

જેમાં પાલિકા પાસે પાંચ ટેન્ડરો આવ્યા હતા‌. આ તમામ ટેન્ડરો 29મી ઓગષ્ટ 2022ના રોજ ખોલવામાં આવ્યાં હતાં. જે મુજબ અથર્વ એસોશિયેટ અમદાવાદનો ભાવ પ્રતિ ટન રૂ.373 ભાવ મંજુર થયો હતો. આ મંજુર ભાવ સંદર્ભે પ્રાદેશિક કમિશ્નર કચેરી વડોદરા દ્વારા સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત 17,908 ટન લેગાસી વેસ્ટનો નિકાલ કરવા ગ્રાન્ટ 14મી ડિસેમ્બર, 2022ના રોજ મંજૂર કરવામાં આવી હતી. આ કચેરી દ્વારા પેટલાદ નગરપાલિકાને લેગાસી વેસ્ટના નિકાલની કામગીરી નિયમોનુસાર શરૂ કરવાની અંગત જવાબદારી ચીફ ઓફિસર અને પ્રમુખની રહેવાનું પણ જણાવ્યું હતું.

જે પછી 9મી જાન્યુઆરી 2023ના રોજ કારોબારી સમિતીમાં ઠરાવ નં.65થી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કામગીરી 31મી માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવા ઠરાવમાં નોંધ મૂકાઈ હતી. આમ છતાં સમયમાં વિલંબ થતાં છેક 15મી ફેબ્રુઆરી 2023ના રોજ ચીફ ઓફિસરે અથર્વ એસોશિયેટને ડિપોઝીટ જમા કરાવવા તથા બેંક ગેરંટી આપવા જાણ કરી હતી. જે પ્રક્રિયા એજન્સી દ્વારા પૂર્ણ કરતા 17મી ફેબ્રુઆરી 2023ના રોજ પાલિકા અને એજન્સી વચ્ચે એગ્રિમેન્ટ થયો હતો. આખરે પાલિકાએ 1લી માર્ચ,2023ના રોજ અથર્વ એસોશિયેટને વર્ક ઓર્ડર આપ્યો હતો. જેમાં સાઈટ ઉપર પડેલા અંદાજીત 18 હજાર ટન લેગાસી વેસ્ટનો નિકાલ એજન્સીએ છ મહિનામાં કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ક ઓર્ડર આપ્યા બાદ આજે લગભગ 40 દિવસ બાદ એજન્સી દ્વારા ઘનકચરાના નિકાલ કરવાની શરૂઆત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટલાદ નગરપાલિકા દ્વારા ઘનકચરાના કલેક્શન માટે અંદાજીત રૂ.70 લાખનો ઈજારો આપવામાં આવ્યો છે. બાદ આ ઘનકચરાનો બાયો પદ્ધતિ દ્વારા નિકાલ કરવા રૂ.66 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત દૈનિક સફાઈ, પગાર, દવા છંટકાવ વગેરે પાછળ પણ જંગી ખર્ચ પાલિકાને થતો આવ્યો છે. આમ છતાં નગરમાં કચરાનું સામ્રાજ્ય અનેક અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. નગરને સ્વચ્છ રાખવા સ્વભંડોળના બદલે સરકારની ગ્રાન્ટમાંથી ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ આટલા જંગી ખર્ચ પછી પણ નગરની સ્વચ્છતા સંદર્ભે પાલિકા ઉપેક્ષા રાખતા હોવાનું જાણવા મળે છે.

કચરાના વજનને લઇ અસમંજશતા
પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી રોજ લગભગ 10થી 12 ટન ઘનકચરો સાઈટ ઉપર ઠલવાતો હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. એટલે કે વર્ષે અંદાજીત 3650 ટન જેટલો કચરો અહિયાં એકત્રિત થતો હોવાનું અનુમાન છે. જેની સામે પાલિકાએ સાઈટ ઉપર અંદાજીત 18 હજાર ટન જેટલો ઘનકચરો હોવાનો વર્ક ઓર્ડર આપ્યો છે. પરંતુ કારોબારી સમિતી દ્વારા 9મી જાન્યુઆરી 2023ના ઠરાવ નં.65માં ઘનકચરાનો અંદાજ આશરે 55 હજાર ટન જેટલો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. તો સાઈટ ઉપર ખરેખર લેગાસી વેસ્ટ કેટલા ટન હશે ?

બાયો રેમેડીએશન પદ્ધતિથી નિકાલ કરાશે
પેટલાદ નગરપાલિકાની એસટીપી પ્લાન્ટ સ્થિત સાઈટ ઉપર આજથી લેગાસી વેસ્ટના નિકાલની કામગીરીનો પ્રારંભ થયો છે. આ એજન્સી દ્વારા આ ઘનકચરાનો નિકાલ બાયો રેમેડીએશન પદ્ધતિથી કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક, કાપડ, માટી, લોખંડ, અન્ય કચરો વગેરે આપોઆપ અલગ થઈ જશે. જેનો સાઈટ ઉપરથી એજન્સી દ્વારા એગ્રિમેન્ટની શરતો મુજબ સમયસર નિકાલ કરાશે. આ કામગીરીમાં જે કોઈ મશીનરી, સેગ્રીગેશન, ટ્રોમીલ દ્વારા બાયો માઈનિંગ પ્રોશેસ, જેસીબી, ટ્રેક્ટર, સુપરવાઈઝર, ઓપરેટર, લેબર વગેરેની સંપૂર્ણ જવાબદારી અથર્વ એસોશિયેટની રહેવાનો ઉલ્લેખ એગ્રિમેન્ટમા કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top