Madhya Gujarat

નડિયાદ પાસે ટ્રેલરની ટક્કરે રીક્ષા સવાર 2ના મોત: છ ઘાયલ

નડિયાદ: નડિયાદ તાલુકાના પીપળાતા નજીક બેકાબુ બનેલાં ટ્રેલરે સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મુસાફરોના કરૂણ મોત નિપજ્યાં હતાં, જ્યારે 6 મુસાફરોને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. સ્થળ પર એકત્રિત થયેલાં ટોળાએ અકસ્માત સર્જનાર ટ્રેલરના દારૂડીયા ચાલકને પકડી, બરાબરનો મેથીપાક ચખાડ્યાં બાદ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળેલ છે. આ મામલે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના પીપળાતા ગામ નજીક મિત્રાલ પાટિયા પાસેના વળાંક પર હરિસિદ્ધિ માતા મંદિર સામે મંગળવારના રોજ બપોરના સમયે માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે પસાર થતાં ટ્રેલર નં આરજે 01 જીસી 7548 ના ચાલકે તેની આગળ જતાં ટ્રેક્ટરની ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી મુસાફર ભરેલ સી.એન.જી રીક્ષા નં જી જે 07 ટીવી 3860 ને જોરદાર ટક્કર મારી હતી. જેથી રીક્ષા પલ્ટી ખાઈને રોડની સાઈડની ગટરમાં ખાબકી હતી. જેથી રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર કેટલાક મુસાફરો ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં તો વળી કેટલાક રીક્ષામાં ફસાઈ ગયા હતાં.

આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં શાયરાબાનુ રફીકમીયા શેખ (ઉ.વ.40, રહે.આખડોલ)અને લલીતાબેન ઈશ્વરભાઈ પરમાર (ઉ.વ.50, રહે.આખડોલ)નું ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં. જ્યારે છ મુસાફરોને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ ટોળાએ અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલકને દબોચી લીધો હતો. દરમિયાન તે નશામાં ધૂત હાલતમાં હોવાનું જણાઈ આવતાં, સ્થાનિકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યાં બાદ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળેલ છે. આ મામલે અકસ્માતને જોનાર ફકરૂદ્દીન મલેકની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે ટ્રેલરચાલક સામે ગુનો નોંધ્યો હતો.

છ ઈજાગ્રસ્તો
સરસ્વતીબેન રાજેશભાઈ પરમાર (ઉ.વ.16, રહે.કરોલી, તા.વસો), રંજનબેન સંજયભાઈ ચાવડા (ઉ.વ.30, રહે.કરોલી, તા.વસો), નયનકુમાર સંજયભાઈ પરમાર (ઉ.વ.18, રહે.કરોલી, તા.વસો), કૈલાશબેન કલ્પેશભાઈ વાઘેલા (ઉ.વ.30, રહે.ચકલાસી, રામપુરા, તા.નડિયાદ), વારસહુસેન અબનમિયા મલેક (ઉ.વ.36, રહે.આખડોલ), અરબાઝમિયા રફીફમિયા શેખ (ઉ.વ.13, રહે.આખડોલ)

Most Popular

To Top