Comments

ડિગ્રી તો કોઈ છૂપાવતું હોય? ગૌરવ કોઈ દિવસ લાંછન બની શકે?

નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે એ જવાબ કરતાં પ્રશ્નો વધુ પેદા કરે છે. સરકારનો સત્તાવાર રીતે અને સમર્થકોનો હોંશપૂર્વકનો પહેલો જવાબ તો એ હોય છે કે ભણતર એ જે તે વ્યક્તિની અંગત બાબત છે અને તેના વિષે પ્રશ્નો પૂછવાનો કોઈને અધિકાર નથી. કમાલ છે નહીં! ગાંધીજી અને નેહરુ પરિવારનાં સભ્યોનાં અંગત જીવન વિશેની સાવ ખોટી મનઘડંત વાતો ફેલાવનારાઓ કોઈના જીવનની અંગત બાબતોની પવિત્રતા જાળવવાની દલીલ કરે છે. બીજું, જે જવાબ આપવામાં આવે છે એમાં દેખીતી વિસંગતી હોય છે જે વધુ પ્રશ્નો પેદા કરે છે અને તેનાથી બચાવવા અદાલતોએ તેમની મદદે આવવું પડે છે. પહેલી એપ્રિલે ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે આપેલો ચુકાદો આનું પ્રમાણ છે.

પહેલી વાત તો એ કે ભણતરને બૌદ્ધિક ક્ષમતાના હોવા કે ન હોવા સાથે સંબંધ છે ખરો? જાણીતા કેળવણીકાર મનુભાઈ પંચોલી ‘દર્શક’પાસે કોઈ ડીગ્રી નહોતી અને છતાં આપણે તેમને કેળવણીકાર તરીકે ઓળખીએ છીએ. દલાઈ લામા પાસે યુનિવર્સીટીની કોઈ ડીગ્રી નથી. દલાઈ લામા ચલતાપુર્જા ધર્મગુરુ નથી. તમે કદાચ નહીં જાણતા હો, ભારતમાં દેશવટો ભોગવતા તિબેટીઓની સરકારના ભૂતપૂર્વ વડા પ્રધાન સામદોંગ રિંપોચે ભારતની યુનિવર્સીટીઓનાં કુલપતિઓનાં સંઘ (ચેમ્બર ઓફ વાઈસ ચાન્સેલર્સ ઓફ ઇન્ડિયન યુનીવર્સીટીઝ) ના અધ્યક્ષ હતા, જ્યારે કે તેમનું શાળા-કોલેજોમાં કોઈ ભણતર જ થયું નથી.

સામદોંગ રિંપોચે બૌદ્ધ અને ભારતીય દર્શનના વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન તરીકેની ખ્યાતી ધરાવે છે. નારાયણભાઈ દેસાઈ પાસે કોઈ ડીગ્રી નહોતી, પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા. તેમની વિદ્વતાથી આપણે પરિચિત છીએ. અને હા, પંડિત સુખલાલજી અને મુની જીનવિજયજીને કેમ ભૂલાય! કેટકેટલા માણસો ભારતમાં અને જગતમાં છે જેમણે શાળા કોલેજોનું કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી અને પોતપોતાના ક્ષેત્રમાં ટોચે છે. બીજી બાજુ શિક્ષિત અભણોનો ભારતમાં કોઈ તોટો નથી. એક માગો ત્યાં દસ મળે તેમ છે. જાણીતા કલાવિદ્ આનંદ કુમારસ્વામીએ ભારતની સૌથી મોટી સમસ્યા શિક્ષિત અભણોની ગણાવી હતી. ગાંધી-નેહરુ વિશેની માહિતી સાચી માની લેનારા અને તેને ચકાસ્યા વિના આગળ ફોરવર્ડ કરનારાઓ શિક્ષિત ગમાર છે.

તો ડીગ્રી હોવા કે ન હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કદમાં કોઈ વધારો-ઘટાડો થવાનો નહોતો. કોઈનો થયો નથી તો તેમનો શા માટે થાય? કોઈએ તેમના ભણતર વિષે કોઈ સવાલ પેદા નહોતો કર્યો. પણ સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે સંદિગ્ધ માહિતી સાથે ભણતર વિષે દાવો કરવામાં આવ્યો. એ પહેલાં તેમણે તેમનાં લગ્નજીવન વિશેની વાત છૂપાવી હતી અને પછી જાહેર કરવી પડી હતી. લગ્ન કર્યાં હોય અને પછી એક પક્ષીય રીતે લગ્નજીવનને સમેટી લઈને એકલા નીકળી પડ્યા હોય એવા કેટલાય મહાનુભાવો આ જગતમાં થયા છે. જો આ બધું કરવામાં ન આવ્યું હોત તો કોઈએ તેમની અંગત અને પાછી નિરર્થક બાબતોમાં રસ લીધો ન હોત. લોકો રસ લેતા એટલા માટે થયા કે ભણતર અને લગ્નજીવન વિષેની વિગતો છૂપાવવામાં આવી હતી અથવા જાણીબૂજીને સંદિગ્ધ માહિતી આપવામાં આવતી હતી.

બીજો મુદ્દો એ છે કે કઈ બાબતને વ્યક્તિની અંગત ગણવી અને કઈ સાર્વજનિક? આ સિવાય કોણ અંગતતાનો અધિકાર ધરાવે છે અને કોણ નથી ધરાવતું? ખાનગી જીવન જીવતી વ્યક્તિ અને જાહેરજીવન જીવતી વ્યક્તિની અંગતતા એક સરખી હોય? ગાંધીજીના તેમના મોટા પુત્ર હરીલાલ ગાંધી સાથેના મતભેદો અંગત બાબત ગણાય કે સાર્વજનિક? દેખીતી રીતે એ અંગત બાબત ગણાય, પણ ગાંધીજીને અંગતતાનો અધિકાર નથી મળતો અને તેમણે માગ્યો પણ નહોતો. આવી જ રીતે મનુબહેન ગાંધી સાથેનાં ગાંધીજીનાં બ્રહ્મચર્યના પ્રયોગ તેમની અંગત બાબત ગણાય કે સાર્વજનિક? ગાંધીજીએ એમાં પણ અંગતતાનો અધિકાર નહોતો માગ્યો, બલકે સામે ચાલીને પોતે તેને સાવર્જનિક કરી હતી.

૨૦૧૯માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેંચે ખાનગી અને સાર્વજનિક વિષે અને લોકોનું હિત અને લોકોની કુતુહલવૃત્તિ વિષે મશક્કત કરી હતી. એમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ વ્યાખ્યા કરી હતી કે લોકહિતમાં જો કોઈ માહિતી માગવામાં આવી હોય તો માહિતીના અધિકાર હેઠળ આપવા સરકાર બંધાયેલી છે, પણ જો પોતાની કે લોકોની કુતુહલવૃત્તિ સંતોષવા માટે કોઈ માહિતી માગવામાં આવી હોય તો તે આપવા સરકાર બંધાયેલી નથી. આની સામે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ એન. વી. રામને ચુકાદો આપ્યો હતો કે દરેક માહિતીને કુતુહલ તરીકે ખપાવીને માહિતી આપવાનું નકારી ન શકાય.

હવે સવાલ આવે છે ગુજરાત યુનિવર્સીટી અને દિલ્હી યુનિવર્સીટીનો. જો આ તેના વિદ્યાર્થી રહી ચુકેલા નરેન્દ્ર મોદીની અંગત બાબત છે અને વિદ્યાર્થીની અંગત માહિતી જાહેર નહીં કરવાની યુનિવર્સીટીઓની નીતિ છે અને વિદ્યાર્થીનો તેવો કાયદાકીય અધિકાર છે તો ૨૦૧૬માં સામે ચાલીને તેની વેબસાઈટ ઉપર માહિતી આપી શા માટે? શા માટે ડીગ્રીનું સર્ટીફીકેટ અપલોડ કરવામાં આવ્યું? હવે જ્યારે જાહેર કરવામાં આવેલી માહિતી વિષે શંકા કરવામાં આવે છે, પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે ત્યારે યુનિવર્સીટી કહે છે કે એક વાર માહિતી સાર્વજનિક કર્યા પછી બીજીવાર માગવાનો અધિકાર નથી અને જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે એમાં કુતુહલવૃત્તિ છે.

પાછી ગુજરાતની વડી અદાલત તે દલીલનો સ્વીકાર કરે છે. ગુજરાતની વડી અદાલતના ‘વિદ્વાન’ન્યાયમૂર્તિ યુનિવર્સીટીને પૂછતા નથી કે તો પછી ૨૦૧૬માં સામે ચાલીને લોકોની કુતુહલવૃત્તિ સંતોષી શા માટે હતી? શા માટે તમે વિદ્યાર્થીઓની અંગતતા જાળવવાની તમારી નીતિની વિરુદ્ધ ગયા હતા? પણ પૂછે કોણ? આજકાલ સાદી બુદ્ધિના સવાલો ન્યાયતંત્રમાં બિરાજમાન જજોને થતા નથી. સાવ સાદી બુદ્ધિના સવાલો. પ્રારંભમાં કહ્યું એમ ભણતરને અને મેધાને કોઈ સંબંધ નથી. ભણતરને અને ચારિત્ર્યને કોઈ સંબંધ નથી. ભણતરને અને વિવેકને કોઈ સંબંધ નથી. ભણતરને અને પ્રામાણિકતાને કોઈ સંબંધ નથી. ભણતરને જાગતલ અંતરાત્મા સાથે કોઈ સંબંધ નથી. આ બે સાવ અલગ પ્રદેશ છે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top