Vadodara

વડોદરામાં રોકાણકારો વરસી પડ્યાઃ ૧૯ એકમોએ રૂ.૫૩૫૯ કરોડના MOU કર્યા

વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા.

આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે.

વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.તેમણે એમ પણ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના કુલ નોંધાયેલ એકમોની ૮ ટકા સંખ્યા ધરાવે છે.અને તેમાં આશરે રૂ.૯૩૭૨ કરોડ જેટલું મૂડીરોકાણ એમએસએમઇ એકમોનું છે.જે કુલ ગુજરાત રાજયનાં કુલ એમએઇએમઇ રોકાણના ૭ ટકા ટકા જેટલું થાય છે.વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વડોદરા સાથે વિવિધ ટેકનિકલ સેશન્સ પણ યોજાયા હતા.

જેમાં નિકાસ, નાણાકીય વ્યવસ્થાપન સહિતની બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી અને મહાનુભાવો દ્વારા અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લેવામાં આવી હતી.ખાસ કરીને તેમણે ટાટા એરબસ અને એલએન્ડટીના સ્ટોલને રસપૂર્વક નીહાળ્યો હતો.કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમમાં માર્ગો, માળખાકીય સુવિધા, વીજળી, લેન્ડ, પરિવહન, પર્યાવરણલક્ષી વિકાસ સહિતના મુદ્દાઓ ઉપર ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વેળાએ મેયર પિન્કીબેન સોની, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન શીતલભાઇ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top