Editorial

યુક્રેન યુદ્ધને કારણે ભારતીયોએ થોડા પ્રમાણમાં તો મોંઘવારીમાં વધારો સહન કરવો જ પડશે

યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું ત્યારથી એવી વાતો શરુ થઇ ગઇ હતી કે આ યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધશે અને ભારતે પણ મોટા પાયે મોંઘવારીનો સામનો કરવો પડશે. યુદ્ધ શરૂ થયાને ૨૦ દિવસ થઇ ગયા છે ત્યારે ભારતમાં બહુ મોટા પાયે તો મોંઘવારી વધી નથી પરંતુ થોડા પ્રમાણમાં ભાવવધારો વિવિધ ચીજવસ્તુઓમાં દેખાવા માંડ્યો છે અને આમાંથી કેટલોક ભાવવધારો તો યુદ્ધની સીધી કે આડકતરી અસરને કારણે હોય તેવું જણાતું નથી પરંતુ આમ છતાં દેશમાં મોંધવારી તાજેતરના સમયમાં વધી તો છે જ અને તેને યુદ્ધ સાથે સાંકળીને પણ જોવામાં આવી રહી છે. સોમવારે સરકારના આંકડા કચેરીએ જે આંકડાઓ બહાર પાડ્યા તે મુજબ દેશમાં જથ્થાબંધ અને છૂટક એમ બંને ફુગાવાના દર વધ્યા છે, જથ્થાબંધ ફુગાવો ૧૩ ટકાની ઉપર ગયો છે અને તે સતત ૧૧મા મહિને બે આંકડામાં રહ્યો છે જ્યારે છૂટક ફુગાવો સતત બીજા મહિને આરબીઆઇના કમ્ફર્ટ ઝોનની ઉપર રહ્યો છે. આમ તો દેશમાં છેલ્લા કેટલાયે સમયથી જથ્થાબંધ અને છૂટક ફુગાવાના દર ઉંચા રહ્યા છે પરંતુ યુદ્ધની સ્થિતિ દેશમાં ફુગાવાને થોડો વધુ વકરાવશે એક સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

બે મહિના સુધી થોડો નીચો રહ્યા બાદ જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરીમાં ફરી વેગ પકડી ગયો હતો અને સતત ૧૧મા મહિનામાં તે ડબલ આંકડા પર રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવો ગયા મહિનામાં ૧૨.૯૬ ટકા રહ્યો હતો જ્યારે કે તે ગયા વર્ષના ફેબુઆરીમાં ૪.૮૩ ટકા હતો. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની કિંમતોમાં યુક્રેન પર રશિયન આક્રમણ પછી થયેલા વધારાએ જથ્થાબંધ ભાવસૂચક આંક પર દબાણ રાખ્યું છે, જો કે વિવિધ પ્રકારના શાકભાજીથી માંડીને કઠોળ તથા પ્રોટિન સમૃદ્ધ વસ્તુઓ જેવી ખોરાકી ચીજવસ્તુઓમાં ભાવો થોડા હળવા થયા છે. ક્રૂડ પેટ્રોલિયમમાં ફુગાવો ફેબ્રુઆરીમાં પપ.૧૭ ટકા થયો હતો, જેની સામે તે અગાઉના મહિને ૩૯.૪૧ ટકા હતો. ખોરાકી ચીજવસ્તુઓમાં, અલબત્ત, ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં થોડો હળવો થઇને ૮.૧૯ ટકા થયો હતો જે તેના અગાઉના મહિને ૧૦.૩૩ ટકા હતો.

ફેબ્રુઆરીમાં શાકભાજીમાં ફુગાવો ૨૬.૯૩ ટકા પર હતો જે તેના અગાઉના મહિનામાં ૩૮.૪૫ ટકા હતો. ઇંડા, માંસ અને માછલીમાં ફુગાવો ૮.૧૪ ટકા પર હતો, જ્યારે કાંદામાં તે (-)૨૬.૩૭ ટકા હતો. ફેબ્રુઆરીમાં મેન્યુફેકચર્ડ વસ્તુઓમાં ભાવવધારો ૯.૮૪ ટકા હતો, જેની સામે જાન્યુઆરીમાં તે ૯.૪૨ ટકા હતો. ઇંધણ અને પાવર બાસ્કેટમાં આ મહિના દરમ્યાન ભાવવધારાો ૩૧.૫૦ ટકા હતો. બીજી બાજુ, છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને ૬.૦૭ ટકાના આઠ મહિનાના ઉંચા દર પર પહોંચ્યો હતો, જે સતત બીજા મહિને આરબીઆઇના કમ્ફર્ટ લેવલની ઉપર રહ્યો છે, જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓમાં વધારાને કારણે થયું છે એમ સરકારની આંકડા કચેરીએ સોમવારે બહાર પાડેલા આંકડાઓ જણાવતા હતા. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત છૂટક ફુગાવો આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૧માં પ.૦૩ ટકા અને આ વર્ષન જાન્યુઆરીમાં ૬.૦૧ ટકા હતો.

આ ફુગાવાના દરમાં આ પહેલાનું ઉંચુ સ્તર જૂન ૨૦૨૧માં ૬.૨૬ ટકા હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ને સરકાર દ્વારા એ સુનિશ્ચિત કરવા કહેવાયું છે કે તે ગ્રાહક ભાવસૂચક આંક આધારિત આ છૂટક ફુગાવો બંને બાજુએ ૨ ટકાના માર્જીન સાથે ૪ ટકા પર રાખે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં ફૂડ બાસ્કેટમાં છૂટક ભાવવધારો પ.૮૯ ટકા હતો, જે તેના અગાઉના મહિનામાં પ.૪૩ ટકા હતો. આ મહિનામાં અનાજના ભાવ ૩.૯પ ટકા જ્યારે માંસ, માછલીના ભાવ ૭.૪૫ ટકા  અને ઇંડાના ભાવ ૪.૧૫ ટકા વધ્યા હતા. શાકભાજીમાં ૬.૧૩ ટકાનો ભાવવધારો નોંધાયો હતો, જ્યારે ફળોમાં ફુગાવાનો દર ૨.૨૬ ટકા રહ્યો હતો.

બીજી બાજુ, ઇંધણ અને પાવરના ભાવોમાં વધારો આ મહિનામાં થોડો ઘટીને ૮.૭૩ ટકા થયા હતા, જેની સામે તેમનો ભાવવધારો જાન્યુઆરીમાં ૯.૩૨ ટકા હતો. અહીં આપણે એ જોઇ શકીએ છીએ કે જથ્થાબંધ ફુગાવાના આંકડાઓમાં ખોરાકી ચીજવસ્તુઓમાં ફુગાવો ઘટ્યો હોવાનું જણાય છે જ્યારે છૂટક ફુગાવાના આંકડાઓમાં તે વધ્ય હોવાનું જણાય છે. સામાન્ય વ્યક્તિને આમાં આશ્ચર્ય થાય, પરંતુ શાકભાજી સહિતની ખોરાકી ચીજવસ્તુઓનો જથ્થો વધુ ઉપલબ્ધ હોવાને કારણે તેના જથ્થાબંધ ભાવો ઘટે તો પણ ડીઝલ જેવા ઇંધણોનો ભાવ વધવાને કારણે પરિવહન મોંઘુ થવાને કારણે આ વસ્તુઓના છૂટક ભાવો વધી જાય છે. જો કે દેશમાં હજી ઇંધણોના ભાવ હાલના સ્તરેથી બહુ ઉપર ગયા નથી તો પણ દલાલો અને છૂટક વેપારીઓ સ્થિતિનો લાભ ખાટવા ઘણી વખત ભાવ વધારી દેતા હોય છે.

હજી આપણા દેશમાં યુદ્ધની સીધી અસર હેઠળ ઇંધણના ભાવ બહુ વધ્યા નથી પરંતુ નજીકના ભવિષ્યમાં તે વધી શકે છે અને તેની નોંધપાત્ર અસર અન્ય ચીજવસ્તુઓના ભાવો પર પણ થઇ શકે છે. પ્રતિબંધોથી ઘેરાયેલા રશિયાએ ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ, ગેસ વગેરે પુરા પાડવાની ઓફર કરી છે. ભારતની ક્રૂડની કુલ આયાતમાં રશિયાના ક્રૂડનું પ્રમાણ બેથી ત્રણ ટકા જેટલું જ છે. ભારત રશિયાની ઓફર સ્વીકારે તો પણ નજીકના ભવિષ્યમાં લોજીસ્ટિક કે સંસાધનીય મુશ્કેલીઓ જેવા કારણોસર તે રશિયાથી ક્રૂડ, ગેસની આયાતમાં મોટો વધારો કરી શકે તેમ નથી અને તેથી ક્રૂડના ભાવવધારાની નોંધપાત્ર અસર ભારતના બજારો પર પડી જ શકે તેવી શક્યતા છે અને તેથી ભારતે યુક્રેન યુદ્ધને કારણે થોડા પ્રમાણમાં તો મોંધવારીમાં વધારો જોવો જ પડશે એવા પુરતા સંજોગો છે.

Most Popular

To Top