National

શું દેશમાં એક્સપાયર થઈ ચુકેલી વેક્સિન લગાડવામાં આવી રહી છે? જાણો ત્રણ મહિનાનું તથ્ય

નવી દિલ્હી: (New Delhi) દેશમાં વેક્સિન બાબતે અવારનવાર નવા નવા સમાચારો આવતા રહે છે ત્યારે હવે દેશમાં હાલમાં અપાઈ રહેલી વેક્સિન એક્સપાયરી ડેટની (Vaccine Expiry Date) હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે એવા મીડિયા અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ દેશમા અપાઈ રહેલી રસીની એક્સપાયરી સમાપ્ત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે આ અહેવાલો અધૂરી માહિતી પર આધારિત છે.

  • શું ભારતમાં સમાપ્ત થયેલ રસીઓ ઉપલબ્ધ છે? સરકારે જવાબ આપ્યો
  • કોવેક્સીનની શેલ્ફ લાઈફ વધારવાની મંજૂરી, તેની લાઈફ 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી
  • કોવિશિલ્ડની શેલ્ફ લાઇફ 6 મહિનાથી વધારીને 9 મહિના કરાઈ

મંત્રાલયે માહિતી આપી છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ 25 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોવેક્સીન (Covaxin) સંપૂર્ણ વાયરિયન, ઇનએક્ટીવેટેડ કોરોનાવાયરસ વેક્સિન) ની શેલ્ફ લાઈફ વધારવાની મંજૂરી આપી છે. તેને 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલના પત્ર નંબર: BBIL/RA/21/567 ના જવાબમાં આ કરવામાં આવ્યું છે.

એ જ રીતે રાષ્ટ્રીય નિયમનકારે 22 ફેબ્રુઆરી 2021ના રોજ કોવિશિલ્ડની (Covishield) શેલ્ફ લાઇફ 6 મહિનાથી વધારીને 9 મહિના કરી છે. રાષ્ટ્રીય નિયમનકાર રસીના નિર્માતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટાના વ્યાપક વિશ્લેષણ અને પરીક્ષણના આધારે રસીની શેલ્ફ લાઇફને લંબાવે છે. સરકારે આ ગેરસમજ એવા સમયે દૂર કરી છે જ્યારે સોમવારથી 15-18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે.

દેશમાં કિશોર-કિશોરીઓનું રસીકરણ શરૂ

દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી. 1 જાન્યુઆરીથી કોવિન એપ પર બાળકોનું રજિસ્ટ્રેશન શરૂ થયું. અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ 6 લાખ 80 હજાર બાળકોએ રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે.

રસી નિર્માતા કંપની ભારત બાયોટેકનો દાવો છે કે તેની રસીનો બાળકો પર સારો પ્રભાવ છે. બાળકોમાં વયસ્કોની સરખામણીએ સરેરાશ 1.7 ટકા વધુ એન્ટીબોડી બનવાની વાત કહેવાઈ છે. જણાવી દઈએ કે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તેને હાલ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરાઈ નથી. આ રસી 12 વર્ષથી ઉપરના બાળકોને અપાશે.

Most Popular

To Top