અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દો સંભાળ્યા પછી જે પગલાં લીધાં છે તેનાથી વૈશ્વિક વેપાર નીતિઓ અંગે અનિશ્ચિતતા અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું હોય તેવું લાગે છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નિર્ણયથી આખી દુનિયા મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. પહેલાં તેમણે વિશ્વના લગભગ દરેક દેશમાંથી આવતાં ઉત્પાદનો પર ૧૦ ટકા ટેરિફ લાદ્યો, પછી વિવિધ દેશો માટે તેમાં અલગ અલગ ફેરફાર કર્યા અને પછી ચીન સિવાય બાકીના વિશ્વ માટે ૯૦ દિવસની કામચલાઉ રાહતની જાહેરાત કરી છે.આ ટેરિફ હજુ પણ ચીન માટે લાગુ છે અને ચીન પણ તેનો જડબાંતોડ જવાબ આપી રહ્યું છે. અન્ય દેશોને આપવામાં આવેલી ૯૦ દિવસની રાહત દરમિયાન તેમણે પોતાના વેપારી હિતોના સંદર્ભમાં અમેરિકા સાથે વધુ સારા કરાર માટે વાટાઘાટો કરવી પડશે.હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિઓને કારણે ભારત માટે કયા પડકારો ઊભા થશે કે શું તેમાં ભારત માટે કોઈ તકો પણ છૂપાયેલી છે?
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આમ છતાં, તાજેતરની સંરક્ષણવાદી વેપાર નીતિઓએ તેને વૈશ્વિક સ્પર્ધામાં પાછળ મૂકી દીધું છે.જો કોઈ પણ દેશમાં મંદી આવે છે, તો તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હવે જો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે દુનિયામાં મંદી આવે તો તે બધા દેશો માટે હાનિકારક છે. ભારતે પણ પોતાનાં ઉત્પાદનો અન્ય દેશોને વેચવાં પડશે અને જો વૈશ્વિક મંદીને કારણે માંગ ઘટે તો સ્વાભાવિક છે કે ભારતને પણ નુકસાન સહન કરવું પડશે.
જો અમેરિકા આ વેપારસંઘર્ષમાં ચીનને વધુ નબળું પાડે છે, તો તે ભારત માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ જો ભારત ચીનથી સસ્તા માલની આયાત બંધ કરી નહીં શકે તો ભારત ચીનનાં સસ્તાં ઉત્પાદનો માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બની જશે.ઘણા નિષ્ણાતો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને ભારત માટે ફાયદાકારક માની રહ્યા છે.આ સંઘર્ષે ભારત માટે વૈશ્વિક બજારમાં પગપેસારો કરવાની વધુ સારી તક ઊભી કરી છે.જેમ જેમ અમેરિકા ચીનથી દૂર થઈ રહ્યું છે, તેમ તેમ ભારત માટે આંતરરાષ્ટ્રીય વેપારના નવા રસ્તા ખુલી શકે છે. હવે જ્યારે અમેરિકાએ ૯૦ દિવસની રાહત આપી છે, ત્યારે ભારત માટે લાભ લેવાની તક છે.
ભારત અને ચીન વચ્ચે વેપાર ખાધ સતત વધી રહી છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને ૯૯.૨ અબજ ડોલર થઈ ગઈ છે.ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, સોલાર સેલ અને બેટરીની આયાતમાં વધારો આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.નાણાંકીય વર્ષ ૨૦૨૫ માં ભારત અને ચીન વચ્ચેનો વાર્ષિક વેપાર ૧૨૭.૭ અબજ ડોલર હતો. ભારતે ચીનને ૧૪.૨ અબજ ડોલરની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી, જ્યારે તેણે ચીનથી ૧૧૩.૪ અબજ ડોલરની વસ્તુઓની આયાત કરી હતી.
ભારતમાં ચીનના મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર સેલ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોની માંગમાં વધારો થવાને કારણે ચીનથી આયાતમાં ૧૧.૫ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, ભારતની ચીનમાં નિકાસ આયાતની તુલનામાં ૧૪.૫ ટકા ઘટી છે.આના કારણે ભારતની વેપાર ખાધમાં પણ રેકોર્ડ વધારો થયો છે અને તે અત્યાર સુધીના ઉચ્ચતમ છે.માર્ચ મહિનામાં જ ભારતે ચીનથી ૯.૭ અબજ ડોલરના માલની આયાત કરી હતી. જો ચીન અમેરિકા મોકલવાનો માલ ભારતમાં ડમ્પ કરે તો ભારતની વેપાર ખાધ વધી શકે છે.
ભારતીય બજારમાં ડમ્પિંગ પર દેખરેખ રાખવા માટે ટ્રેડ રેમેડીઝના ડિરેક્ટર જનરલ છે, જે ડમ્પિંગના કિસ્સામાં ડ્યુટી લાદી શકે છે. ડીજીટીઆરે ચોક્કસપણે ડમ્પિંગના આરોપસર ચીન સહિત ઘણા દેશોમાંથી આવતાં કેટલાંક રાસાયણિક ઉત્પાદનોની તપાસ કરે છે.સ્વાભાવિક છે કે ટેરિફમાં વધારાને કારણે ચીન માટે અમેરિકાના બજારના દરવાજા બંધ થઈ જશે. પરંતુ આનો અર્થ એ નથી કે ચીન સીધો ભારતીય બજારમાં પોતાનો માલ મોકલશે.
ચીન ત્યારે જ માલ મોકલશે જ્યારે ભારતમાં તેના ખરીદદારો હશે. જો ચીન ભારતીય બજારમાં ઓછી કિંમતે અને મોટી માત્રામાં માલ ડમ્પ કરશે તો DGTR તેના પર નજર રાખવા માટે છે. પરંતુ અહીં મોટી શક્યતા એ છે કે ભારત અમેરિકા જતાં ચીની ઉત્પાદનો માટેનો સ્ટોપઓવર દેશ બની શકે છે.ચીનનો અર્ધઉત્પાદિત માલ ભારત, વિયેતનામ, મેક્સિકો જેવા દેશોનાં બજારોમાં આવશે અને અહીંથી તેને પૂર્ણ કરીને અમેરિકાના બજારમાં મોકલી શકાશે. ભારત માટે આ નવી તક હશે.
બજાર અંગેની અનિશ્ચિતતા અને અમેરિકાના વર્તનને કારણે વિશ્લેષકો માને છે કે ભારતીય ઉત્પાદકો તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરતાં પહેલાં બે વાર વિચાર કરશે.ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અનિશ્ચિત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં પોતાનો નિર્ણય બદલી શકે છે. અમેરિકન રાજકારણ થોડાં વર્ષોમાં બદલાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ભારતીય ઉત્પાદકો તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા માટે ખૂબ ઉત્સાહિત નહીં હોય.જો ચીની કંપનીઓ ભારતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરે અથવા કોઈ રીતે ભારતીય બજારનો ઉપયોગ અમેરિકામાં માલ મોકલવા માટે કરે તો આનાથી ભારતના લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓને ટૂંકા ગાળાનો ફાયદો થઈ શકે છે, પરંતુ તેમાં અમેરિકાના ગુસ્સે થવાનું જોખમ પણ રહેલું છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર અજય સહાય પણ માને છે કે ચીન દ્વારા ભારતીય બજારમાં પોતાનો માલ ડમ્પ કરવામાં આવે તેવી ચિંતા છે.અજય સહાય કહે છે કે ભારતના ઉદ્યોગપતિઓ ચોક્કસપણે આ અંગે ચિંતિત છે. સ્વાભાવિક છે કે જ્યારે ચીન અમેરિકાનું ૫૦૦ અબજ ડોલરનું બજાર ગુમાવશે, ત્યારે તે અન્ય બજારો શોધશે. આવી સ્થિતિમાં ભારતમાં ઓછી કિંમતે ચીની માલના ડમ્પિંગની શક્યતા નકારી શકાય નહીં.જો સસ્તાં ચીની ઉત્પાદનો ભારતીય બજારમાં ઠાલવવામાં આવશે, તો તે ચોક્કસપણે ભારતીય ઉત્પાદકો માટે ફટકો હશે. આનાથી ભારતના પોતાના સ્થાનિક ઉત્પાદકોનાં હિતોને નુકસાન થઈ શકે છે. ભારતીય કંપનીઓ એવાં ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકશે નહીં જેને જાણી જોઈને સસ્તા બનાવવામાં આવ્યાં છે.
જો કે, ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જો જરૂરી હોય તો પગલાં લેવા પણ તૈયાર છે.દર અઠવાડિયે આયાતની સમીક્ષા કરવામાં આવી રહી છે અને કેટલાંક સંવેદનશીલ ઉત્પાદનોનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરકાર જરૂર પડ્યે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદશે અને ભારતીય ઉદ્યોગપતિઓનાં હિતોનું રક્ષણ કરવાના વિકલ્પોનો ઉપયોગ કરશે. ઘણા અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે દાયકાઓની સંરક્ષણવાદી નીતિઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા પ્રયાસોને નબળા પાડ્યા છે.આ અભિયાનમાં મૂડી અને ટેકનોલોજી આધારિત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે શ્રમ આધારિત ઉદ્યોગોને બાજુ પર રાખવામાં આવ્યા છે.
આ કારણે આ અભિયાન ઉત્પાદન અને નિકાસમાં અપેક્ષિત પરિણામો આપવામાં સફળ થયું નથી.અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારતે તેના ટેરિફ ઘટાડવા જોઈએ, સ્પર્ધાત્મકતા વધારવી જોઈએ અને વૈશ્વિક વેપાર માટે ખુલ્લાપણું દર્શાવવું જોઈએ.અમેરિકા સાથે સંતુલિત કરાર કર્યા પછી ભારતે તેના વેપાર આધારને વિસ્તૃત કરવાની જરૂર છે.આમાં યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડા સાથે ઝડપથી કરાર કર્યા પછી ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને એશિયન દેશો સાથે સંબંધોને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. આ માટે સૌ પ્રથમ ભારતે તેના ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓને તૈયાર કરવા પડશે કે સંરક્ષણવાદનો યુગ હવે પૂરો થઈ ગયો છે.
તેમણે હવે યોગ્ય ગુણવત્તા અને વાજબી ભાવે પોતાનો માલ દુનિયામાં વેચવાનું શીખવું પડશે.જો ભારતે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવી હોય તો સૌથી અસરકારક રસ્તો એ છે કે તે પોતાનાં ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં વેચે અને તેમાંથી થતી આવકનું દેશમાં રોકાણ કરે.એક સમય હતો જ્યારે ભારત કાપડ ઉદ્યોગમાં એક મોટી શક્તિ હતું, પરંતુ હવે આ ક્ષેત્ર બાંગ્લા દેશ અને શ્રીલંકાના હાથમાં ગયું છે.ગયા ક્રિસમસ પર જ્યારે ભારતનાં કેટલાંક લોકો લંડનમાં કપડાં ખરીદવા બજારમાં ગયાં ત્યારે તેમને મેડ ઇન ઇન્ડિયા લખેલું એક પણ કપડું મળ્યું નહીં. બધાં કપડાં બાંગ્લા દેશ, ચીન, શ્રીલંકા અને પાકિસ્તાનમાં બનેલાં હતાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
