Madhya Gujarat

ઠાસરાના ધોબીઘાટમાં જંગલી વનસ્પતિના સામ્રાજ્યે કરી દુર્દશા

ડાકોર: ઠાસરા ગામમાં આવેલ ધોબીઘાટમાં છેલ્લાં એક વર્ષથી અસહ્ય ગંદકી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જેને પગલે ગામની મહિલાઓને કપડાં ધોવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ ધોબીઘાટનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઠાસરા ગામમાં કપડાં ધોવા માટેની જાહેર વ્યવસ્થાના ભાગરૂપે ભાથીજી ફળીયામાં વર્ષો અગાઉ ધોબીઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ધોબીઘાટમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ કપડાં ધોવા માટે આવતી હતી.

પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી તંત્રએ આ ધોબીઘાટની જાળવણી પાછળ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હોવાથી ધોબીઘાટમાં અસહ્ય ગંદકી ઉપરાંત જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે મહિલાઓ છેલ્લાં એક વર્ષથી કપડાં ધોવા માટે આ ધોબીઘાટનો ઉપયોગ કરી શકતી નથી. આ મામલે મહિલાઓએ અનેકોવાર તંત્ર સમક્ષ રજુઆતો કરી આ ધોબીઘાટને પુન: ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવાની માંગ ઉચ્ચારી છે. પરંતુ આ રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી નથી. પરિણામ સ્વરૂપ મહિલાઓને કપડાં ધોવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

મહિલાઓને કપડાં ધોવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે
ધોબીઘાટની દુર્દશાને પગલે મહિલાઓને કપડાં ધોવા માટે બે કિલોમીટર દૂર આવેલ નહેરમાં જવું પડે છે. જેને પગલે મહિલાઓનો સમય વેડફાઈ રહ્યો છે. તદુપરાંત કપડાંનો બોજો માથા ઉપર ઉંચકી બે કિલોમીટર ચાલવાથી મહિલાઓ થાકી જાય છે. મહિલાઓ જે રસ્તાં પર થઈને નહેર પહોંચે છે તે રસ્તો ટ્રાફિકથી સતત ધમધમતો હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે ધોબીઘાટની મરામત કરવામાં આવે તે જરૂરી છે. – સંજયભાઈ, સ્થાનિક

વહેલીતકે ધોબીઘાટ ચાલું થશે
ગામના ધોબીઘાટ અને તેની આસપાસના તમામ વિસ્તારનું ટુંક જ સમયમાં બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. જે માટે ટેન્ડરીંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી વહેલીતકે આ ધોબીઘાટ ચાલું થઈ જશે. – મેહુલ અમીન, સેનેટરી ઈન્સ્પેક્ટર

Most Popular

To Top