Comments

ગુજરાતમાં ભાજપને કોંગ્રેસ કરતાં ‘આપ’નો વધુ ડર લાગે છે!

વહેલી ચૂંટણીની અપેક્ષાએ ગુજરાતમાં રાજકીય વાતાવરણ આજકાલ વધુ સળવળી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં જે રીતે ક્યારેક વાદળો ઘેરાઇ આવે ને કમોસમી વરસાદની દહેશત સર્જાય, એવું ગુજરાતના રાજકીય વાતાવરણમાં આજકાલ બની રહ્યું છે. જ્યારથી પંજાબમાં આમઆદમી પાર્ટીની પ્રચંડ જીત થઇ છે ત્યારથી ગુજરાત ભાજપના સાચા હિતચિંતકોને ચિંતા પેઠી છે કે તરવરિયા પ્રદેશપ્રમુખે જે 182 બેઠકોનું સોણલું સેવેલું છે, એ જાદુઇ આંકડો તો આંબી શકાવાનો નથી જ પણ જે રીતે ભાજપની હાક વાગી રહી છે, તે જોતાં જો નાક વઢાઇ જાય એવી સંખ્યાવાળી બહુમતી આવે તો ક્યાં જવું! પાછળ ને પાછળ 2024 ની લોકસભાની  ચૂંટણી આવી જ રહી છે.

ભાજપના સુજ્ઞપુરુષો એટલું તો સમજવા લાગ્યા જ છે કે વગદાર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં જોડાય કે ન જોડાય, પણ આમઆદમી પાર્ટી આવા કેટલાક વગદારોનો શંભુમેળો પોતાના આંગણે જો ભેગો કરે, તો ભાજપની તો દાણાદાણ થઇ જાય. સૌને ખબર છે કે આવશે તો ભાજપ અને ભાજપ આવશે તો પણ નરેન્દ્રભાઇ મોદીના નામે જ. પરંતુ આમઆદમી પાર્ટીવાળા ગુજરાતમાં એટલે જોર મારી રહ્યા છે કે ચૂંટણી પંચનાં ધારાધોરણ અનુસાર આમઆદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો ત્યારે જ મળે જો એના ચૂંટાયેલા સભ્યોની એકંદર સંખ્યા નોંધપાત્ર હોય. એટલે જ એણે ગોવાની ચૂંટણીમાં શરૂઆતમાં જોર મારવાના પ્રયાસો કર્યા હતા, પણ ગોવામાં મમતા બેનરજીનું કંઇ ન ઉપજ્યું તો કેજરીવાલનું શું ઉપજે!

દિલ્હીમાં આમઆદમી પાર્ટીની સરકાર હોવાને કારણે પાર્ટીનો દરજ્જો પ્રાદેશિક પાર્ટીનો ગણાતો હતો. પંજાબમાં જીતવાથી હવે બઢતી મળી છે. ગુજરાતમાં છોટુભાઇ વસાવાની ટ્રાઇબલ પાર્ટી જેવો સંગાથ લે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામભાઇ સાગઠિયા જેવા તાજેતરમાં કોંગ્રેસમાંથી આમઆદમી પાર્ટીમાં જોડાયેલા વગદારો હોય, નરેશભાઇ પટેલ જેવા તાકાતવાન નેતાને આમંત્રવામાં આવી રહ્યા હોય, એ બધાને કારણે આમઆદમી પાર્ટીનો એક પ્રકારનો બેઇઝ ગુજરાતમાં રચાઇ રહ્યો છે. આમઆદમી પાર્ટીને આ બધામાં વકરો એટલો નફો છે. તેમાં પાછા ગુજરાતના શિક્ષણમંત્રી જેવાની જીભ લસરક દઇને લસરી પડે પછી મનીષભાઇ સિસોદિયા જેવા કંઇ ઝાલ્યા થોડા રહે! જીતુભાઇ વાઘાણીવાળા કિસ્સાથી તો ભાજપમાં કંઇક નેતાઓ સમજી ગયા છે કે બહુ નહીં બોલવામાં કે ખોટી શેખીઓ નહીં મારવામાં જ સાર છે.

દિલ્હી અને ગુજરાતના શિક્ષણની સરખામણી દેશભરમાં થવા લાગી છે. તેમાં પાછું પાણી-વીજળી જેવું મફતિયા તો ખરું જ. ભાજપને આમઆદમી પાર્ટીની આ પ્રકારની ચેષ્ટાઓ મનોમન અકળાવી રહી છે. ભાજપમાં હવે તો એવી સ્થિતિ સર્જાયેલી છે કે કોઇનાથીયે કંઇ પણ આડું અવળું થઇ ગયું તો આવી જ બન્યું સમજો. મોદી સાહેબ નવી દિલ્હી બેઠે બેઠે પેરિસ્કોપ લગાવીને ગુજરાતની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. 2009 અને 2012 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીથી વર્ચ્યુઅલ સભાઓ, થ્રી-ડી મીટિંગોને તેઓ સંબોધતા આવ્યા છે.

હવે તો નરેન્દ્રભાઇએ દિલ્હી બેઠે બેઠે ગુજરાતના અનેક કાર્યક્રમોમાં વ્યૂહાત્મક ઢબે વર્ચ્યુઅલ સંબોધનો કરીને માઇલેજ લેવા માંડ્યું છે. પાછા સુજ્ઞ ભાજપજનો આવાં પ્રવચનોને સોશ્યલ મીડિયામાં જોરદાર રીતે રમતાં મૂકી દેતા હોય છે. એટલે રૂબરૂ આવવા-જવાની પળોજળને બદલે વર્ચ્યુઅલ હાજરી આપીને ગુજરાત પર ડારો દેખાડવાનો સરસ કીમિયો નરેન્દ્રભાઇ આજકાલ અજમાવી રહ્યા છે. હમણાં કડવા પાટીદાર સમુદાયની સભાને  તેમણે સંબોધી. પછી અમદાવાદમાં નરહરિભાઇ અમીન આયોજીત પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ તેમણે આ રીતનું સંબોધન કર્યું.

કચ્છમાં ભુજ ખાતે મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું પણ તેઓએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. નરેન્દ્રભાઇની આ સઘળી ચેષ્ટાઓ છૂપો સંકેત આપી જાય છે કે આમઆદમી પાર્ટીના પગપેસારા સામે તેઓ કોઇ રીતે કચાશ રાખવા માગતા નથી. આમેય હાલત એવી થતી જાય છે કે ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ કરતાં આમઆદમી પાર્ટી સામે આ વખતે વધુ પડકારરૂપ બની રહેશે. નરેન્દ્રભાઇની ઉપસ્થિતિ હોય એટલે ગુજરાત ભાજપમાં કોઇ નેતા કે જૂથ બીજા કોઇને નડે કે કનડે તો નહીં। ટિકિટોની વહેંચણી (બલકે કાપાકાપી) વખતે પણ બધા માપમાં રહે!

  ગુજરાતના સંદર્ભે જોઇએ તો કોંગ્રેસનું નસીબ બે-ચાર નહીં, ઘણાં ડગલાં પાછળ ચાલી રહ્યું છે. પાટીદાર નેતા નરેશભાઇ પટેલને માટે પાર્ટીએ ક્યારનીયે રેડકાર્પેટ પાથરીને રાખેલી છે. એમને અવારનવાર કોંગ્રેસમાં જોડાવાનાં ઇજનો આપતા રહેલા ખુદ હાર્દિક પટેલે તો હવે કોંગ્રેસને છોડવાનો મનસુબો જાણે બનાવી દીધાનું લાગે છે. કોંગ્રેસમાં તેઓ પોતાને અત્યંત કફોડીભરી હાલતમાં અનુભવી રહ્યા છે. આમઆદમી પાર્ટીનાં બારણાં તો તેઓ ખખડાવી જ રહ્યા છે, પણ સાથે ભાજપમાં જોડાવાના પણ ભરચક પ્રયાસો કરી રહ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે હાર્દિક પટેલ જેવા નેતા ભાજપમાં જોડાય તો બાદમાં એમના હાલહવાલ અલ્પેશ ઠાકોર કરતાં પણ પાતળા થઇ જાય. શેઠ આવ્યા ને નાખો વખારે એવો તાલ ભાજપમાં બહુ થતો આવ્યો છે.

ભલે ને પ્રવીણ મારુ (બોટાદ) કે કમાભાઇ રાઠોડ (વિરમગામ) જેવા માજી ધારાસભ્યોની ઘરવાપસી થઇ હોય કે ભાજપના પરોક્ષ દાવા અનુસાર કોંગ્રેસના દસેક ધારાસભ્યો ભાજપમાં જોડાવા માટે ખટપટ કરી રહ્યા હોય! કોંગ્રેસના કંઇક નેતાઓને સામી ચૂંટણીએ ભાજપમાં ભળી જવાની શૂળ ઉપડી છે, જેમનું ભાજપ માટે ચાલે એમ નથી, એવા નેતાઓ આમઆદમી પાર્ટીમાં જોડાવા લાઇન લગાડીને બેઠેલા છે. ચૂંટણી નજીક આવતાં ટિકિટવાંચ્છુઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. એમાંય ભાજપની નો-રિપીટ થિયરીએ કંઇકની હવા કાઢી નાખી છે. નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં ન જોડાય તો આમઆદમી પાર્ટીમાં જોડાશે એવી વાતોએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલે તો નિવેદનો કરીને કોંગ્રેસમાં પોતે હવે વધુ સમય નથી એવું દેખાડી દીધું છે. માજી મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસમાં ગયા પછી એને જૂના કોંગ્રેસીઓ શાંતિથી રહેવા દીધા નથી.

કોંગ્રેસ છોડીને એનસીપીમાં પણ બાપુ જોડાઇ આવ્યા, પણ હવે તેઓ આમઆદમી પાર્ટી સાથે પણ સંવનનમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નરેશભાઇ પટેલ, શંકરસિંહજી અને હાર્દિક કંઇક મઝિયારી ગોઠવણ કરી રહ્યાની વેતરણમાં હોવાનું કહેવાય છે. એમને માટે આમઆદમી પાર્ટી જેવો સક્ષમ વિકલ્પ મળે એમ નથી. આ ત્રણેય નેતાઓ જો આમઆદમી પાર્ટીમાં જોડાય તો ગુજરાતની ચૂંટણીનું દંગલ બરાબરનું જામી જાય એવું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top