ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South power company) મોટી લાપરવાહી સામે આવી છે. વીજ કંપની દ્વારા ગ્રાહકને (customer) 25.94 લાખનું બિલ (Bill) ફટકારવામાં આવ્યું છે.
- બિલ જોઈ ગ્રાહકનો શ્વાસ અધ્ધર થઈ ગયો, ને વીજકંપનીને રજૂઆત કરી
- વીજકંપનીએ ફરી બિલ સુધારીને મોકલવાની ખાતરી આપી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ હીરાલાલ ખુનડે તા.22મી જૂનના રોજ પોતાના ઘરે હતા. એ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર રીડર તેઓનાં ઘરે વીજ બિલ ફાડવા આવ્યા હતા. જેઓએ ગ્રાહકને 1 હજાર કે 2 હજાર નહીં, પરંતુ 25.94 લાખનું વીજ બિલ પકડાવી દેતાં ગ્રાહકની આંખો પહોળી થઇ ગઈ હતી. દિનેશભાઈ વીજ બિલ જોઈને જ ચોંકી ઊઠ્યા હતા. તેમને 2 મહિને માંડ 1 કે 2 હજારનું લાઈટ બિલ આવતું હોય છે, જેના બદલે 25.94 લાખનું લાઈટ બિલ જોઈ તેઓ વિચારમાં મુકાઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક જી.આઈ.ડી.સી.માં આવેલી વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને અધિકારીને વીજ બિલ બતાવતાં તેઓએ કર્મચારીની ભૂલ થઇ હોવાનું માની તાત્કાલિક નવું બિલ બનાવવા સૂચના આપી હતી, અને ગ્રાહકને તેઓથી ભૂલ થઇ હોવાનું માની માફી માંગી હતી. ત્યારે વીજ કંપની યોગ્ય અધિકારી મારફતે વીજ બિલ બનાવે એ અત્યંત જરૂરી છે.
ડેડિયાપાડાના સોરાપાડામાં માતા સાથે આડા સંબંધનો વહેમ રાખી યુવાનની હત્યા
રાજપીપળા : ડેડિયાપાડાના સોરાપાડા ગામમાં માતા સાથે આડા સંબંધ હોવાના વહેમે એક યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારતાં બે શખ્સ સામે ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિલમ આશિષ કોટવાડિયા (રહે., સોરાપાડા, નિશાળ ફળિયું)એ આપેલી ફરિયાદ મુજબ એમના પતિ આશિષભાઈ ઘરમાં સૂતા હતા. ત્યારે પોતાની માતા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી દીપકભાઇ એમના મિત્ર રવિન્દ્રભાઈ સાથે એમના ઘરમાં આવી પહોંચ્યા હતા. અને દીપકભાઈએ આશિષભાઈને છાતીના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. જ્યારે રવિન્દ્રભાઈએ ગડદા પાટુનો માર માર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલાં નીલમબેનને પણ એ લોકોએ માર માર્યો હતો. આ ઘટના બાદ નીલમબેન પોતાના પતિ આશિષભાઈને ડેડિયાપાડાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જ્યાં હાજર તબીબોએ આશિષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં નીલમબેનની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે દીપક તેના મિત્ર રવિન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.