Charchapatra

શ્વાનની સમસ્યા માટે યોગ્ય યોજના અમલમાં મૂકો

ત્રીજી માર્ચના ‘ગુજરાતમિત્ર’માં માજી કોર્પો. પ્રકાશ દેસાઇનો શહેરના પ્રથમ નાગરિક કહેવાતા મેયરને લખેલ ખુલ્લા પત્ર બદલ સૌ પ્રથમ તો અભિનંદન કહેવા જોઇએ. એટલું જ નહીં પરંતુ એમણે જે મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે એની સાથે સફળ ન થવું જ રહ્યું. મહાનગરપાલિકાએ ચોક્કસ આયોજન કરવું ખૂબ જ જરૂર છે. સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર છે. જે તે વિસ્તારનાં પ્રતિનિધિઓ પોતાના વિસ્તારનાં નાગરિકોની તેમજ શહેરની આ સમસ્યા માટે અસરકારક રીતે સક્રિય થાય, નાગરિકો આ માટે દબાણ લાવે. કામ ન થાય તો તેઓનું રાજીનામું માંગે. જો ચોક્કસ પ્રકારનો ખોરાક તૈયાર કરી રખડતાં કૂતરાંઓને આપી બેભાન કરી શકાય.

આ ખોરાકની અસર 7-8 કલાક રહે તો કૂતરાંઓને પકડી પાંજરે પૂરી શકાય. મનપા શહેરનાં દરેક રહેઠાણ જેવા કે એપાર્ટમેન્ટ, બંગલાની સોસાયટી વિગેરેમાં માત્ર નાગરિકો કે રહેતાં લોકો પોતાના ઘરમાં જ રાખી શકે તેમજ એની જવાબદારી પર અને મનપામાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવે એવી નીતિ ઘડી શકાય. કાયદો બનાવી શકાય. આ સિવાય કોઇ પણ રખડતાં કૂતરાઓ મકાનોમાં કે એપાર્ટમેન્ટોમાં કોઇ પણ વોચમેનો રાખી શકશે નહિ એ પ્રમાણે સૂચના આપવામાં આવે. જો સૂચનાનો ભંગ થાય તો જે તે સોસાયટીનાં વહીવટદારો ઉપર મનપા કડક કાર્યવાહી કરે એ જરૂરી છે. ટૂંકમાં આ સમસ્યાનો જો કાયમી ઉકેલ લાવવો હોય તો શહેરનાં નાગરિકો જાગૃત થઇ તેમજ ભેદભાવ ભૂલી એકજૂથ થઇ દબાણ લાવે.
સુરત – પ્રદીપ આર. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મહિલાને ‘મનુષ્ય’ તરીકે ક્યારે સ્વીકારાશે?
શિવરાત્રીમાં સ્ત્રીઓની સાથે મોટા પ્રમાણમાં પુરુષોએ પણ આદિદેવ શિવની પૂજા-ભક્તિ ભાવપૂર્વક કરી. શિવે પાર્વતીને સાચા અર્થમાં વામાંગની બનાવી. ‘અર્ધનારીશ્વર’ના સ્વરૂપ થકી સ્ત્રીપુરુષ સમાનતાનો બહુ મોટો સંદેશ આપ્યો છે. સપ્તપદીમાં પણ એકમેકના ‘સખા’ બનવાની ઉમદા ભાવના રજૂ થઈ છે. આપણા દેશમાં કન્યાઓને દેવીનું રૂપ માની તેમનું પૂજન કરવાની પરંપરા છે, છતાં કેટલાય પુરુષો દ્વારા આ બધું ભુલાઈ ગયું છે. દેવ-દેવીઓની પૂજા-ભક્તિ તો થાય છે પણ તેમના ગુણો અપનાવતા નથી. પરિણામે સ્ત્રીઓને જરૂરી આદર પ્રાપ્ત થતો નથી. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ આવ્યા કરશે. ગણીગાંઠી સ્ત્રીઓનું સન્માન થતું રહેશે.

ઉજવણીના ભાગરૂપ અનેક કાર્યક્રમો થતા રહેશે. સ્ત્રીઓ તરક્કી કરી રહી છે, ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ રહી છે એ વાતનો સંતોષ લેવાતો રહેશે, પરંતુ આજે પણ કેટલીય સ્ત્રીઓ ઘરની અંદર અને બહાર અત્યંત પીડાજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે. નાની બાળકીઓને ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહી છે. બોક્સર યુવતીઓને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થિત હેવાન પુરુષો દ્વારા શારીરિક-માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે, તેનું શું ? ખરેખર તો મહિલાને ‘મહિલા’ કે ‘પુરુષ સમોવડી’ નહિ પણ ‘મનુષ્ય’ તરીકે જોવાશે – સ્વીકારાશે ત્યારે જ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ સાર્થક થશે એવું નથી લાગતું ?
સુરત- ડો. જ્યા યોગેશ હલાટવાળા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top