Columns

‘બ્રેડ માંગોગે તો ચૂહા મિલેગા!’

બ્રેડના પેકેટમાં ઉંદર! ગયા અઠવાડિયે ટ્વિટર પર એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી, તેમાં ઇંગ્લિશ ઓવનમાંથી ડિલિવર થયેલું બ્રેડનું પેકેટ જોવા મળતું હતું. ફરિયાદીનો દાવો હતો કે આ ડિલિવરી બ્લિંકિટ દ્વારા કરવામાં આવી હતી. હા, આ એ જ App જે 10 મિનિટમાં ડિલિવરીનો દાવો કરે છે અને પોતાને લાસ્ટ મિનિટ ડિલિવરી App તરીકે ગણાવી રહી છે! જે વ્યક્તિએ આ App પર લાસ્ટ મિનિટ બ્રેડનો ઓર્ડર આપ્યો હતો તેને બ્રેડના પેકેટમાં ઉંદર પણ ડિલિવર કરવામાં આવ્યો હતો! અલબત્ત, સોશ્યલ મીડિયામાં યૂઝર્સ એવું કહી રહ્યા છે કે, લાસ્ટ મિનિટમાં આવી ડિલિવરી આવતી હોય તો પછી થોડા કલાકો પછી આવતી ડિલિવરી વધારે સારી!

જો કે, આ ફરિયાદ પછી બ્લિંકિટે સંબંધિત સ્ટોર સામે કાર્યવાહી કરી હતી. જે સ્ટોરમાંથી બ્રેડ ડિલિવરી કરવામાં આવી હતી તે સ્ટોરને તેની Appમાંથી ડી-લિસ્ટ કરવામાં આવ્યો છે. આ તસવીર વાયરલ થયા પછી યૂઝર્સે બ્લિંકિટવાળાઓને ટ્રોલ કર્યા છે. થોડા દિવસો પહેલાં બ્લિંકિટનું એક એડ કેમ્પેઇન જબરદસ્ત હિટ થયું હતું. તમને જો યાદ હોય તો ‘દૂધ માંગોગે તો ખીર દેંગે…’ ટેગલાઈન સાથેનું. બસ, બ્લિંકિટની ડિલિવરીના પેકેટમાં બ્રેડ સાથે ઉંદર મળતાં સોશ્યલ મીડિયા પર યૂઝર્સ કહી રહ્યા છે – ‘બ્રેડ માંગોગે તો ચૂહા મિલેગા!’

ઘટના કંઈક એમ બની હતી કે, 3 ફેબ્રુઆરીના રોજ નીતિન અરોરા નામના યૂઝરે ટ્વિટર પર બ્લિંકિટ સાથેનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો હતો. નીતિને લખ્યું હતું -‘‘બ્લિંકિટ સાથેનો મારો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો. મેં 1 ફેબ્રુઆરીએ બ્રેડનું પેકેટ મંગાવ્યું હતું, જેમાં જીવતો ઉંદર જોવા મળ્યો હતો. આ આપણા બધા માટે ચિંતાજનક બાબત છે. જો આવી વસ્તુ 10 મિનિટમાં ડિલિવરી થાય તો હું આવી વસ્તુ લેવાને બદલે થોડા કલાકો રાહ જોવા તૈયાર છું.’’ નીતિને આ પોસ્ટ સાથે તસવીરો પણ મૂકી હતી. પ્રથમ તસવીરમાં બ્લિંકિટની જાહેરાતની જેમ નિશાન બનાવીને લખવામાં આવ્યું છે કે, ‘બ્રેડ માંગોગે તો ચૂહા મિલેગા! માત્ર 10 મિનિટમાં બ્રેડ સાથે ઉંદર.’ બીજી તસવીરમાં ઇંગ્લિશ  ઓવનના બ્રેડ પેકેટમાં બ્રેડ સાથે ઉંદર પણ દેખાય છે. બ્રેડ પેકેટ બંધ છે. નીતિને બ્લિંકિટ સપોર્ટ સાથે તેની ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘‘જુઓ તમે લોકોએ આજે ​​શું ડિલિવરી કર્યું. બ્રેડના પેકેટમાં જીવતો ઉંદર.’’

નીતિનના આ ટ્વિટના જવાબમાં બ્લિંકિટકેર્સે લખ્યું- અમે ક્યારેય આમ થાય એવું ઇચ્છતા ન હતા. કૃપા કરીને તમારો રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર અથવા ઓર્ડર ID શેર કરો, જેથી અમે આ બાબતે પગલાં લઈ શકીએ. બ્લિંકિટના કસ્ટમર ડિલાઇટના હેડ ધનંજય શશિધરને આ ઘટનાની નોંધ લીધી હતી. ધનંજયે 11 ફેબ્રુઆરીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે- બ્રેડ ડિલિવરી કરનાર પાર્ટનર સ્ટોરને ડી-લિસ્ટ કરવામાં આવ્યો છે. તેઓએ લખ્યું હતું- ‘‘હું તમને ખાતરી આપવા માગું છું, અમે પહેલાંથી જ ઝડપી પગલાં લીધાં છે અને પાર્ટનર સ્ટોરને ડી-લિસ્ટ કરી દીધો છે. તેમ છતાં અમે સ્ટોરમાલિક સાથે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ.’’

Most Popular

To Top