SURAT

શેરી-મહોલ્લામાં ક્રિકેટ રમશો તો પોલીસ પકડી જશે, સુરતના પોલીસ કમિશનરની કડક ચેતવણી

સુરત(Surat): શહેરના શેરી, મહોલ્લા અને સાંકડી ગલીઓમાં ઘણીવાર યુવકો ક્રિકેટ (Cricket) રમતા જોવા મળતા હોય છે. વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ખલેલ પહોંચે, નુકસાન થાય, ઈજા થાય તે રીતે રમતા આ યુવકો પર લગામ કસવા માટે સુરત શહેર પોલીસ કમિશનર (Surat City Police Commissioner) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

  • સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, રસ્તા પર ક્રિકેટ રમવા સામે પ્રતિબંધ
  • લોકોને ખલેલ, નુકસાન પહોંચે તેમ ક્રિકેટ રમનારા સામે ફોજદારી ગુનો દાખલ કરાશે

સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તા. 7મી ડિસેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર હવેથી જે કોઈ પણ યુવાનો જાહેર રસ્તા પર, શેરી-મહોલ્લાની ગલીઓમાં બીજાને નડતરરૂપ થાય, નુકસાન કે ખલેલ પહોંચે એવી રીતે ક્રિકેટ રમતા હશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

શું પ્રતિબંધ મુક્યો?

  • જાહેર માર્ગ, શેરી, ગલી તેમજ રહેણાંક વિસ્તારમાં જાહેર જનતાની અવરજવર વચ્ચે ક્રિકેટ અને અન્ય રમતો રમવા કે રમાડવા પર પ્રતિબંધ
  • રમતો રમી ચીચીયારીઓ પાડી, ઘોંઘાટ કરી લોકો અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સની દિનચર્યામાં ખલેલ પહોંચાડવા પર પ્રતિબંધ

શું થઈ શકે સજા?
સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર સુરત પોલીસ કમિશનરની હદમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં આ જાહેરનામું અમલમાં રહેશે. જાહેરનામાના હુકમનો ભંગ કરનાર આરોપી સામે ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરાશે. આરોપી સામે 188ની કલમ હેઠળ ગુનો ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે જાહેર જનતાનો જીવ જોખમાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવી હોય. ફોજદારીની 188 કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા 1 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે.

Most Popular

To Top