Vadodara

મેયર-ચેરમેનની મલાઈદાર સમિતિ માટે ભારદાર લોબિંગ

વડોદરા: મહાનગરપાલીકાનું મેયર પદ આમ જોવા જઈએ તો કાંટાળો તાજ છે પરંતુ વડાપ્રધાનની શીખ કે આફતને અવસરમાં ફેરવવું જોઈએ તેને કેટલાક અહીં અવળી રીતે લઇ રહયા છે. અને કાંટાળા તાજને મલાઈદાર તાજ કેવી રીતે બનાવવો તેની જ હંમેશા ચિંતા કરતા હોય છે. અને તેથી જ મેયર પદ મેળવવા માટે હાલમાં ઢગલે બંધ મહિલાઓ સામે આવી ગઈ છે. મેયર પદ માટે તો કેટલાકે જેની સાથે ક્યારેય બનતી ન હોય તેવા સાથે પણ સાંઠગાંઠ કરી પોતાનું લોબિંગ કરાવ્યું હોવાનું .જાણવા મળ્યું છે. નિરીક્ષકો સમક્ષ કોર્પોરેટરોએ એક બીજાના નામ આપવાની રીતસરની ડીલ કરી હોવાની ચર્ચા છે.

રાજકારણમાં કહેવાય છે ને કે કોઈ કોઈનો દોસ્ત નથી હોતો કે કોઈ કોઈનો દુશ્મન નથી હોતો પરિસ્થિતિને આધીન રાજકારણીઓ કાચિંડાથી પણ ઝડપી રંગ બદલતા હોય છે. અને ખાસ કરીને ખુરશી મેળવવા માટે તો ન વિચાર્યું હોય તે તમામ કરવા રાજી થઇ જાય છે. હાલમાં મેયર કોણ બનશે તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી,દંડક, પક્ષના નેતા સહિતના પદ મેળવવા માટે રીતસરની હોડ લાગી છે. અને ભારે ભરખમ લોબિંગ ચલાવવામાં આવી રહી છે.

જાણવા મળ્યા મુજબ જયારે નિરીક્ષકો આવ્યા ત્યારે તેઓએ તમામ કોર્પોરેટરોને વોર્ડ વાર બોલાવી પાંચ નામ આપવા જણાવ્યું હતું. અને આ બાબત વહેતી થતા જ કોર્પોરેટરોએ એક બીજાના નામ આપવાની ડીલ કરી નાખી હતી. શહેરના જાણીતા બિલ્ડર પત્નીએ તો પોતાનું નામ આપવા માટે ફોનનો મારો ચલાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને પોતાનું નામ આપશે તો અન્ય પદ માટે તેઓ તેઓનું નામ આપશે તેવી ડીલ શરુ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલ મેયર પદ મેળવવા માટે કેટલાકે ગાંધીનગર, સુરત, સહિતના સ્થળોએ ધામા નાખ્યા છે. અને પોતાના આકાઓને સતત દબાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓએ પણ પોત-પોતાના ગોડ ફાધરોને યાદ કર્યા છે.

મલાઈદાર બેઠકો માટે છેક ઉત્તર પ્રદેશ સુધી લોબિંગ
પાલિકાની મલાઈદાર સમિતિઓ માટે માત્ર ગુજરાતના જ આગેવાનો નહિ પરંતુ લોબિંગ છેક ઉત્તર પ્રદેશ સુધી થયું હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. અને તેઓનું વર્ચસ્વ હજુ પણ ગુજરાત પાર યથાવત છે ત્યારે કેટલાકે ત્યાં સુધી પણ હાથ લાંબા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગામી સમયમાં આ મલાઈદાર સમિતિઓ કોના ભાગે જાય છે અને ક્યાં ગોડફાધરનું વર્ચસ્વ જામે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top