Dakshin Gujarat

નેશનલ હાઈવે પર સુરત પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો, દારૂ ભરેલી કારે બીજી કારને ટક્કર મારી અને..

નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 ઉપર સુરત પોલીસે (Surat Police) ફિલ્મી ઢબે પલસાણાથી પીછો કર્યો હતો. જે નવસારી પોલીસની મદદ લેતા વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) ચાલક મહિલાએ આમડપોર પાસે સ્વીફ્ટ કારને અડફેટે લેતા સ્વીફ્ટ કાર પલ્ટી ગઈ હતી. જેથી પોલીસે વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

  • સુરત પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા આમડપોર પાસે દારૂ ભરેલી કારે બીજી કારને ટક્કર મારી
  • નવસારી પોલીસ અને સુરત પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલા બુટલેગર ઝડપી પાડી

મળતી માહિતી મુજબ, સુરત પોલીસે બાતમીના આધારે પલસાણા પાસેથી બીએમડબ્લ્યુ કાર (નં. જીજ-15-એડી-3808) ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદેશી દારૂ ભરેલી કાર ચાલકે પલસાણાથી નેશનલ હાઇવે નં. 48 ઉપર રોંગ સાઇડેથી કાર ભગાવી હતી. જેથી સુરત પોલીસે પીછો કર્યો હતો. પરંતુ વિદેશી દારૂ ભરેલી કાર નવસારી જિલ્લાની હદમાં આવતા સુરત પોલીસે નવસારી પોલીસને જાણ કરતા નવસારી ગ્રામ્ય પોલીસે પણ વિદેશી દારૂ ભરેલી કાર પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

પરંતુ નેશનલ હાઇવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર ચાલકે એક સ્વીફ્ટ કાર (નં. જીજે-21-સીસી-3110) ને ટક્કર મારતા સ્વીફ્ટ કાર પલ્ટી ગઈ હતી. જેથી સ્વીફ્ટ કારમાં સવાર 2 લોકોને ઈજાઓ થઇ હતી. આ અકસ્માત સર્જાતા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. જે કારમાંથી પોલીસને વધુ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સાથે જ પોલીસને કારમાંથી એક નંબર પ્લેટ પણ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂ સહીત બીએમડબ્લ્યુ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમલસાડ-એરુ રોડ પર મંદિર ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી ડિવીઝન સ્કોડ પોલીસે બાતમીના આધારે અમલસાડ-એરુ રોડ પર મંદિર ગામ પાસેથી 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ડિવીઝન સ્કોડ પોલીસે બાતમીના આધારે અમલસાડથી એરુ રોડ પર મંદિર ગામ પાસે અલકાદરી ચીકન સેન્ટરની સામેથી એક ટવેરા કાર (નં. જીજે-05-સીઆર-0184) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 31,200 રૂપિયાની વિદેશી દારૂની 192 નંગ બાટલીઓ/પાઉચ મળી આવતા જલાલપોર સ્ટેશન રોડ મફતલાલ મિલ પોલીસ ચોકીની સામે રહેતા જગન મનાઈ બારીકેને ઝડપી પાડ્યો હતો. પોલીસે જગનની પૂછપરછ કરતા દમણ રહેતા રહીમે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરતના પલસાણા તાલુકાના પલસાણા બ્રાહ્મણ ફળીયામાં રહેતા મહેન્દ્રસિંહ શેલસિંહ રાજપૂતે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે રહીમ અને મહેન્દ્રસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2.30 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,61,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top