SURAT

ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-2: રાજયકક્ષાની ટુર્નામેન્ટનો મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ

સુરતઃ ગુજરાતમાં (Gujarat) આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે દિવસ રાત ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-2 ટુર્નામેન્ટનું સુરતમાં (Surat) આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અડાજણ પાલ સ્થિત મણીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-2’ની ક્રિકેટ (Cricket) ટુર્નામેન્ટની પ્રથમ મેચનો મેયર (Mayor) દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની નર્સિંગ કોલેજના (Nursing College) વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના સ્ટાફ નર્સ, ફેકલ્ટી સભ્યો સહિત 400થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કપરા સમયમાં તબીબો સાથે નર્સિંગ સ્ટાફની ઉમદા કામગીરીની રાષ્ટ્રવ્યાપી નોંધ લેવાઈ છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. રમતમાં હારજીત નહીં પણ ખેલદીલી પૂર્વક સારી રમત રમવી એ વધુ મહત્વનું છે એમ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ હાજર સૌને જણાવ્યું હતું. પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલે ક્રિકેટ રમત પાછળનો મર્મ સમજાવતા કહ્યું હતું કે, જેન્ટલમૅનોની રમત તરીકે ઓળખાતી ક્રિકેટ રમત શિસ્ત, સ્પોર્ટ્સ મેન સ્પિરીટ, એકાગ્રતા જેવા ગુણો શીખવે છે. ક્રિકેટ મેચમાં જેમ ટીમ વર્ક મહત્વનું છે, તેમ આપણા આરોગ્ય ક્ષેત્રે પણ ટીમ વર્ક હોવું અતિ આવશ્યક છે. ક્રિકેટથી ટીમ સ્પિરિટ કેળવાય છે અને ફિટનેસ પણ જળવાય છે.

આ અવસરે અમેરિકા સ્થિત મુખ્ય આયોજક અને નર્સિંગ ઓફિસર દિનેશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જે.કે.નર્સિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર આદિલ કડીવાલા અને નવી સિવિલના વિરેન પટેલ દ્વારા ખૂબ સીમિત સમયમાં ટુર્નામેન્ટ યોજવા બદલ મેયર તેમજ મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક મહિલા ટીમ પણ ભાગ લઈ રહી છે.

આ પ્રસંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, નગરસેવક નિલેશ પટેલ, મેડિકલ ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, કિરણ દોમડિયા, ડો.અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ સહિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને મહાનુભાવોના ઉપસ્થિત રહી ‘અંગદાન મહાદાન’ અભિયાનને રાજ્યવ્યાપી બનાવવા સંકલ્પ ગ્રહણ કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક બેટિંગ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Most Popular

To Top