Charchapatra

ગાંધીજીને બદલે ગોડસે આદર્શ?

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું રાજકારણ અને તેના પ્રચાર-પ્રસારની પધ્ધતિ ખૂબ જ વિવાદાસ્પદ બની રહી એ આપણા દેશને આઝાદી અપાવવા માટે જેમણે વર્ષો સુધી અનેક યાતનાઓ અને આકરો જેલવાસ વેઠયો છે એવા નેતાઓના તત્કાલીન નિર્ણયો પ્રત્યે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થતાં રહે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ પ્રત્યે શાસકપક્ષ વિરોધપક્ષ તથા અન્ય રાજકીય પક્ષો દ્વારા વારંવાર અપમાનજનક ભાષણો થાય છે. હદ તો ત્યારે થાય છે કે જયારે શાળા, કોલેજના વિદ્યાર્થીઓા માનસ પર પણ વીર શહીદો પ્રત્યેની પોતાની સાચી-ખોટી વિચારસરણી લાદવાના પ્રયત્નો થાય છે. થોડાં દિવસો પૂર્વે આવોજ એક કિસ્સો વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ‘બાળપ્રતિભા શોધ સ્પર્ધા’માં જોવા મળ્યો. વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલ વકતૃત્વ સ્પર્ધાનાં ત્રણ વિષયો પૈકી એક વિષય હતો ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસે કોઇપણ બાળકનો આદર્શ કઇ રીતે હોય શકે? આવા વિષયની સ્પર્ધા રાખી આપણે ભાવિપેઢીનું કેવું સર્જન કરવા જઇ રહ્યા છીએ? આજકાલ શિક્ષણજગતમાં પ્રવેશતું જતું રાજકારણ ભારતના ઉજજવળ ભાવિ માટે જોખમી લાગી રહ્યું છે. ‘શિક્ષણમાં રાજકારણની નહિ પરંતુ રાજકારણમાં શિક્ષણની વિશેષ જરૂર છે’ એ વાતને દેશના તમામ રાજકીય પક્ષોએ અને આપણે સૌએ સમજવાની જરૂર છે.
ધોળીકુઇ -પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top