Gujarat Main

રથયાત્રા પહેલા ભગવાનના આંખે પાટા બંધાયા,ભક્તોની ભીડ વચ્ચે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

ભગવાન જગન્નાથની ( god jagannath ) ઐતિહાસિક 144મી રથયાત્રા ( rathyatra) સોમવારે પરંપરાગત રીતે કોરોના ( corona) સમય હોવાથી કર્ફ્યૂ ( curfew) વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી.

ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ( c r patil) અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ( pradipsingh jadeja) આ વિધિમાં ભાગ લીધો હતો. વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. મંદિરમાં સાધુ સંતોના ભંડારાની પણ શરુઆત થઈ ગઈ છે. જેમાં મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો પણ પ્રસાદી લેવા માટે પંગતમાં બેઠા છે.

નેત્રોત્સવ વિધિને પગલે જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે પોલીસનો કાફલા ઉતારવામાં આવ્યો છે. સાથે જ ડ્રોન કેમેરા દ્વારા પણ મંદિરમાં આવી રહેલા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંદિર પરિસરમાં ડ્રોન ઉડાડી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.

Most Popular

To Top