Charchapatra

ગણપતિની મૂર્તિઓ નાની સાઈઝમાં હોવી જરૂરી છે

ગણપતિ સ્થાપના અંગેની વાસ્તવિકતા હવે અલગ થઈ ગઈ છે. અગાઉ ગણપતિની નાની સાઈઝની મૂર્તિઓ આવતી હતી. પરંતુ હવે દેખાદેખી તથા ચડસાચડસીમાં ઠેરઠેર જરૂર કરતાં વધારે મોટી સાઈઝની મૂર્તિઓ બેસાડવામાં આવે છે. મોટી મૂર્તિઓ લાવવા લઈ જવામાં બહું તકલીફ પડે છે. મોટી મૂર્તિઓને કારણે જ્ગ્યા પણ રોકાઈ જાય છે. ખાસ તકલીફ તો ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં પડે છે.

મોટી મૂર્તિઓ સહેલાઈથી ડૂબી શકતી નથી અને ખંડિત થાય છે અને થોડા સમય પછી ખંડિત થયેલી મૂર્તિઓના અવશેષો તરતાં જોવા મળે છે જે જોઈને હૈયું કકળી ઉઠે છે. આથી દરેક આયોજક મંડળોએ સામૂહિક રીતે ભેગાં મળીને ગણપતિ દાદાની મૂર્તિઓ નાની સાઈઝની લાવવાનું વિચારે તે સૌનાં હિતમાં છે.
હાલોલ    – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતની શેરી સંસ્ક્રૃતિ બચાવો
‘ગુજરાત મિત્ર’ અખબાર 160 વર્ષ પુરા કરી 161 માં વર્ષમાં પ્રવેશ કર્યો તેની હાર્દિક શુભકામનાઓ. સ્થાપનાદિન વિશેષાઅંક માં સુરત વિષેના અગ્રલેખો વાંચી એક સુરતી હોવાનું ગૌરવ થાય છે. સુરત શહેર નો બહોળો વિકાસ થયો છે.

છેલ્લા ત્રણ દાયકામાં કોટ બહાર નવા વિસ્તારો નો ખૂબ વિકાસ થયો છે. ત્યાં મોટા પ્રમાણમાં રહેણાંકો ઉભા થયા છે. સાથે કોટ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ અને એપાર્ટમેન્ટ બની ગયા છે અને આડેધડ બની રહ્યા છે. પરિણામે શેરીઓ માં પાર્કિંગ અને ટ્રાફિક ની સમસ્યાઓ વધી ગઈ છે. શેરી કલ્ચર એ આપણા સુરતની વિશેષ ઓળખ છે. શેરીઓ ની ઓળખ જળવાઈ રહે અને શેરીઓ માં વસવાટ કરતા સુરતીઓ શાંતિપૂર્ણ રહી શકે એ જોવાની ફરજ મનપા ના સત્તાધીશોની છે. સુરતની શેરીઓમાં થતા બાંધકામો પર નિયંત્રણ જરૂરી છે.

રોડની પહોળાઈ પ્રમાણે બિલ્ડીંગ બનાવવાના કાયદા અને નિયમો નું કડકપણે પાલન કરાવવાની જરૂર છે.રહેણાંક વિસ્તાર પાલિકા ના ચોપડે જાહેર થયેલા છે જેનું પાલન થવું જોઈએ. જ્યાં મકાન ત્યાં દુકાન એ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનું મૂળ છે. સુરતની શાસન વ્યવસ્થામાં સુરતીઓ ની સંખ્યા ભલે નહિવત છે, છતાં સુરત કોટ વિસ્તારને ન્યાય મળે એ દિશામાં તેઓએ કામગીરી કરવી જોઈએ. સુરતની સંસ્ક્રુતિ જળવાય રહે એવી સુરતીઓ ની લાગણી અને માંગણી છે. આ બાબતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તળ સુરત માટે એક યોજના બનાવવામાં આવે. આપણે વિકાસની લ્હાયમાં આપણી મૂળ સંસ્ક્રુતિ ભૂલી રહ્યા તો નથી ને ? વૃક્ષ મોટું થાય ત્યાંરે તેના મૂળનું જતન કરવામાં નહિ આવેતો,વૃક્ષના અસ્તિત્વ પર જોખમ ઉભું થાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top