Business

દેવની સદૈવ ભક્તિ કરતાં આ સુરતીઓ માટે તો જીવથી વ્હાલી છે ગણેશ ભક્તિ

આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો મોકો જો મળ્યો છે. તેને એળે તો ના જ જવા દેવાયને!! અને એમાય વળી આપણે પાછા રહ્યાં સુરતીઓ. સેલિબ્રેશન માટેનો મોકો જ શોધતા હોઈએ છે ખરું ને? ત્યારે વિધ્નહર્તાની ભક્તિમાં થોડી કોઈ કચાસ થવા દઈએ. આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આ 10 દિવસમાં શ્રધ્ધા અને ભક્તિથી આપણે ગણેશજીની આરાધના કરતાં હોઈએ છીએ. પણ કેટલાક એવા પણ ભક્તો હોય છે કે જે ના માત્ર 10 દિવસ પણ આખું વર્ષ ગણેશજીમાં અતૂટ શ્રધ્ધા અને આસ્થા રાખી જુદી જુદી રીતે તેમની ભક્તિ કરતાં હોય છે. ત્યારે આ ગણેશોત્સવ દરમ્યાન અમે મળ્યાં કેટલાક ભક્તોને અને જાણી તેમની જીવથી વ્હાલી ગણેશ ભક્તિ વિષે…

સાસરિયામાં ગણેશજી બેસાડવાની પરંપરા શરૂ કરી એકલે હાથે કરે છે મેનેજ

જલ્પાબેન જણાવે છે કે, ‘’મારા પિયરમાં દર વર્ષે ગણેશજી બેસાડે. હું નાની હતી ત્યારથી જ દર વર્ષે મારા ઘરે ગણેશજીની મુર્તિ મુક્તા. હું જ્યારે સાસરે આવી ત્યારે મારા સાસરિયામાં ગણેશજીની મુર્તિ લાવતા નહીં હતા, કેમ કે મોટાભાગે બધા જ જોબ કરે આથી સમય નહીં મળે, ગણેશજીને સમયસર આરતી, પ્રસાદી ધરાવવા માટેનો. પણ મેં નક્કી કર્યું હતું કે હું કોઈપણ સંજોગોમાં બાપ્પાને ઘરે બેસાડીશ જ. મેં ઘરે વાત કરી તો ઘરના લોકોએ કીધું અમને વાંધો નથી તારાથી મેનેજ થઈ શકતું હોય તો તું કર. જો કે એક સમયે મને મનમાં થયું પણ ખરું કે એકલા હાથે મારાથી થઈ શકશે કે નહીં ? પણ મનમાં વિચારી જ લીધું હતું કે મારે કરવું છે. હું દર વર્ષે મારા સાસરે પણ ગણેશજી લાવું છું અને એકલી બધુ જ મેનેજ કરું છું. પણ મને ગમે છે આથી મને બર્ડ્ન નથી લાગતું કે મારે કેટલું કામ વધી જાય એવું ક્યારેય ફિલ નથી થયું. ઊલટું હું સવારે વહેલી ઊઠીને જાતે અલગ અલગ રસોઈ બનાવી થાળ બનાવીને આરતી કરું છું.’’

આ છે 365 દિવસ ભક્તિ કરતા લોકો

જરૂરી નથી કે 10 માટે જ લોકો બાપ્પાને યાદ કરતાં હોય. કેટલાય એવા લોકો હોય છે જેઓ જિંદગીના ડગલેને પગલે બાપ્પાને યાદ કરતા હોય. અને તેમના નામથી જ એમના દિવસની શરૂઆત થતી હોય. કેટલાંક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા માટે અનેક બાધા પણ લેતા હોય છે. જેના માટે પગપાળા સિધ્ધિવિનાયક સુધી પહોંચી જતા હોય છે. તો કોઈક બાપ્પાને દર્શન કે પ્રસાદ ચડાવવાનું ચુકતા નથી. આપણાંમાંથી કેટલાય એવા હોય છે જેઓ જોબ કે ઘરમાં સતત બીઝી રહેવાને લીધે ગણેશજીની સ્થાપના કરતા નથી તેની સામે કેટલીક સન્નારીઓ એકલા હાથે બધું મેનેજ કરીને પણ બાપ્પાને અાવકારવાનું ચૂકતી નથી.

ના માત્ર 10 દિવસ માટે પણ દર અઠવાડિયે ગણેશજીના દર્શન અને પ્રસાદી ચડાવવાનું ચુકતા નથી         

મયુરી પટેલ જણાવે છે કે, ‘’બધા ભગવાનમાંથી મારા ફેવરીટ ભગવાન છે ગણેશજી. કેમ કે મને ગણેશજીમાં ખૂબ જ વિશ્વાસ છે, અને મારા ઘણા વિધ્નો વિધ્નહર્તા ગણેશજીએ દૂર કર્યા છે. ત્યારથી જ મને ગણેશજીમાં એટલી શ્રધ્ધા છે કે હું એમને પ્રસાદી ચડાવ્યા વિના રહેતી નથી. હું દર મંગળવારે બડાગણેશના મંદિરે દર્શન કરી પ્રસાદ ચડાવું છું અને એ પ્રસાદ હું જાતે જ બનાવું છું. આ મારો નિયમ છે. ગમે તે સ્થિતિ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસુ હું અચૂક મંદિર પહોંચી જ જાઉં છું. મારા ઘરના ગમે તે કામ હોય, ગમે તેટલી ઈમરજન્સી હોય પણ ગણેશજીને પ્રસાદ ચડાવ્યા વિના રહેતી નથી. કુદરતી શક્તિ અને અનુકૂળતા ગણેશજી મને બતાવી જ દે છે. જો હું સવારે ના જઈ શકું તો આખા દિવસમાં ગમે ત્યારે પણ બાપ્પાના દર્શન કરું છું.’’

સુરતના મોટાભાગનાં અલગ અલગ સ્વરૂપના ગણેશજીના દર્શન કરે છે

સુમિત કંથારીયા જણાવે છે કે, ‘’મને ગણેશજીમાં ખૂબ જ શ્રધ્ધા. કોઈપણ પ્રોબ્લેમ આવે હું તેમને સૌથી પહેલા યાદ કરું અને મનોમન પ્રાર્થનાને બાપ્પા સાંભળે પણ ખરા જ. આથી મને ગણેશોત્સવએ બાપ્પાનો તહેવાર છે આથી મારો ખૂબ જ પ્રિય છે. હું દર વર્ષે 10 દિવસ માટે એવો પ્રયત્ન કરું કે સુરતના મોટાભાગના અલગ અલગ સ્વરૂપના ગણેશજીના દર્શન કરું. પછી ભલેને મંડપમાં ગમે તેટલી ભીડભાડ હોય. છતાંય ગણેશજીના દર્શન વિના પાછો ફરતો જ નથી. જો કે છેલ્લાં 2 વર્ષમાં તો આ મોકો નહીં મળેલો પણ આ વર્ષ હું આ મોકો ગુમાવવા નથી માંગતો. દર વર્ષે હું સુરતની જુદીજુદી શેરીમાં મૂકેલા ગણેશજીના દર્શન કરવા જાઉં છું. અને દરેક દિવસે મારા જુદાજુદા ફ્રેન્ડ્સને સાથે લઈ જાઉં છું.’’

Most Popular

To Top