Columns

ગુજરાતના રાજકારણના મહારથીઓ ગાંધી-વલ્લભભાઇની જોડી

ગુજરાતમાં સંસ્થાકીય ઉદગમનો યુગ શરૂ થઇ ગયો હતો. ગુ.વર્નાકયુલર સોસાયટી (1848), પ્રજા હિતવર્ધક સભા (સૂરત, 1882), ગુજરાત સભા (1884), હોમ રૂલ લીગ (1916-1920), અમદાવાદ મ્યુનિસિપાલીટી (1848-1885) એક યા બીજી રીતે વલ્લભભાઇ અને ગાંધીજી આ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. ગુજરાત સભા બ્રિટિશ સરકાર સમક્ષ રાજકીય પ્રશ્નો રજુ કરવા માટે ઉભી કરાઇ હતી. શહેરના શેઠીયાઓ, અગ્રગણ્ય નાગરિકો આ સંસ્થાના સભ્ય રહ્યા. 1917માં ગોધરા ખાતે ગુજરાત રાજકીય પરિષદ બોલાવાઇ. ગાંધીજી મુખ્ય કર્તાહર્તા હતા. મહમદઅલી ઝિન્નાને પ્રેસીડન્ટ બનાવાયા. સરોજિની નાયડુ ‘ઇન્ડિયન નાઇટીંગલ’ તેમના અવાજના મધુર ગૂંજનથી ઓળખાતા તેઓ પણ હતા. ગાંધીજીએ ઝિન્નાને ગુજરાતીમાં બોલવાની અને સરોજિનીને હિન્દીમાં બોલવાની ફરજ પાડી. લોકોએ ટીકા કરી ‘અમે બાસુદી પુરી ખાવા આવ્યા હતા પણ ગાંધીજીએ ખીચડી ખવડાવી.’

ગુજરાતમાં ‘ગુજરાત પ્રાંતિય કોંગ્રેસ કમીટી’ની રચના 1921 સંસ્થાકીય રચનાની ખામી સમજાતા, વલ્લભભાઇના પ્રમુખપણા હેઠળ ગામડા, તાલુકા, જીલ્લા અને પ્રાન્તકક્ષાએ ફેલાયેલી ગુજરાત પ્રાંતિય કોંગ્રેસ કમીટીઓ સ્થાપી. વલ્લભભાઇ 1946 સુધી આ સમિતિઓનું નેતૃત્વ કરતા રહ્યા. ખેડા સત્યાગ્રહનો શંખનાદ (1918) સૂરત આશ્રમના યુવાનોની કવીક માર્ચ
સૌ પ્રથમ ખેડાના ખેડૂતોની સમસ્યા 1918માં ગાંધીજી સમક્ષ આવી. ખેડામાં 660 ગામડાઓમાં મૂશળધાર વરસાદમાં ઉભો પાક ધોવાઇ ગયો. ખેડૂતો બેહાલ થયા.

છતાં પણ જુલ્મી બ્રિટિશ સરકારના મહેસૂલ ખાતાના અમલદારો સોટીઓના જોરે જમીન મહેસૂલ ઉઘરાવતા રહ્યા. ખેડૂતો સરકાર સામે આંદોલન રૂપી ધા નાખવા ગુજરાતના નેતાઓ વિઠ્ઠલભાઇ, ગાંધીજી, વલ્લભભાઇ પાસે ગયા.ગાંધીજીએ જાત તપાસ કર્યા વગર સત્યાગ્રહ ઉપાડી ના શકાય તેમ નિશ્ચિત રૂપે જણાવ્યું. ગાંધીજીનો શંખનાદ ફુંકાતા અનેક કાર્યકરોએ ખેડા ભણી પ્રયાણ કર્યું. સૂરતમાં ગાંધીજીની પ્રયોગશાળા નિર્માણ થઇ ચૂકી હતી. કલ્યાણજી કુંવરજી, દયાળજી, પ્રાગજી દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞિક, મોહનલાલ પંડયા, ફુલચંદ શાહ, ખેડાના સામાજીક કાર્યકરો એક હાકે એકત્રીત થયા. તપાસ સમિતિ અગ્રગણ્ય વકીલો, નિષ્ણાત કાર્યકરોને સામેલ કરી નિમાઇ.

ગણેશ વાસુદેવ માવલંકર, ખંડુભાઇ દેસાઇ, મહાદેવ દેસાઇ અને કલ્યાણજી તપાસ સમિતિના મુખ્ય સૂત્રધારો હતા. ગામડે ગામડે ફરી તપાસ કરી કે પાક વરસાદના અતિરેકથી કેટલા પ્રમાણમાં નાશ પામ્યો છે. તેમનું તારણ હતું કે 75 ટકા પાક નાશ પામ્યો છે. લીલો દુકાળ સર્જાયો છે. ઇન્ફલુએન્ઝાનો ઉપદ્રવ પણ શરૂ થયો હતો. ગુજરાત સભાના આગેવાન ગોકુળદાસ પારેખ, વિઠ્ઠલભાઇ અને મુંબઇની સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના ત્રણ સભ્યો દેવધર, નામ જોષી અને અમૃતલાલ ઠક્કરે ખૂબ પ્રયત્ન કર્યા પણ સરકાર જમીન મહેસૂલ ઉઘરાવવામાં જરા પણ રાહત આપવા તૈયારી નહીં.

તપાસ સમિતિના 20 સભ્યોનું તારણ હતુ કે પાક ચાર આનાથી વધારે થયો નથી.ખેડામાં સત્યાગ્રહ કરવાનો શંખનાદ ફુંકાયો. અનાવિલ, પાટીદાર આશ્રમના વિદ્યાર્થીઓ રોગનો પ્રતિકાર કરવા ગામડે ગામડે લોકસેવાના કાર્યમાં લાગ્યા. કુંવરજીભાઇ અને કલ્યાણજીભાઇએ ફંડફાળા ઉઘરાવવા, દવાઓની તજવીજ કરવા ‘મિત્ર મંડળ’ સ્થાપ્યું. ચુનીલાલ રામચંદ્ર શેલત, નર્મદાશંકર બાળાશંકર પંડયાએ દવાની તજવીજ યુધ્ધના ધોરણે કરી. માંડવી તાલુકામાં કાળી પરજ વસ્તીમાં ઇન્ફલુએન્ઝા ખૂબ ફેલાયો હતો. શંકરલાલ બેંકર જેમનું ગોપીપુરામાં મકાન હતું તેને ‘સત્યાગ્રહ મંદિર’ તરીકે જાહેર કર્યું.

સૂરત જીલ્લામાં દવાખાનાના મથકો ચોર્યાસી, ઓલપાડ, જલાલપોર, વલસાડમાં થયા. વડોદરા જિલ્લામાં સિનોર, પેટલાદમાં થયા. કલ્યાણજીભાઇએ મને કહ્યું, ‘ટુંકમાં કહું તો ખેડા સત્યાગ્રહ માંડે બે, અઢી મહિના ચાલેલો. હકીકતમાં સરકારી મામલતદારો અને તલાટી મળીને ખેડૂત સ્ત્રીઓને ફોસલાવીને, તમારા ઢોરોની જપ્તી થશે તેવી બીક બતાવી તેમની પાસેથી જમીન મહેસૂલની ઉઘરાણી અડધો અડધ કરી લીધેલી. ખેડૂત સ્ત્રીઓ ઘી, દૂધ વેચતી તેથી તેમની પાસે પૈસા હતા. ખેડા સત્યાગ્રહ નિષ્ફળ નીવડેલો પણ સત્યાગ્રહીઓએ મો પર તમાચો મારી ગાલ લાલ રાખેલો.

આ શબ્દો 1971, 9મી માર્ચે બપોરે 12 વાગે કલ્યાણજીભાઇએ ઉચ્ચારેલા આગળ ચાલતા તેમણે એમ પણ કહ્યું, ગાંધીજી સાથે કામ કરવું એટલે સંપૂર્ણ ત્યાગની મનોવૃત્તિ કેળવવી પડે. નરહરિ પરીખ, પ્રથમ હરોળના કઠલાલના ગાંધીવાદી કાર્યકરના ભાઇ શંકરલાલ પરીખના માણસે જમીન મહેસૂલનો પ્રથમ હપ્તો ચૂકવેલો. આ ભૂલના પરિણામનો પશ્ચાતાપ કરવા શંકરલાલ પાસે જમીન ગાંધીજીએ ક્રિશ્નાઅર્પણ કરાવી. આ હતા નેતાઓ અને આ હતા કાર્યકરો.ખેડા સત્યાગ્રહ સંપૂર્ણ અહિંસક ન’તો રહ્યો. ખેડાના વંઠલી ગામે ખેડૂત સ્ત્રીઓ અને ખેડૂતોએ જપ્તી અમલદારોને માર મારેલો. પરંતુ વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇએ ખેડા સત્યાગ્રહના પદાર્થપાઠો અદ્‌ભૂત રીતે ગ્રહણ કરેલા.

વિઠ્ઠલભાઇ પટેલના જીવનચરિત્ર લખનાર ગોરધનભાઇ પટેલ (Life and Times of vithalbhai patel) લખે છે,‘ગુજરાતને નામાંકિત બનાવવામાં નિ:શંકપણે બે ભાઇઓ વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇ પટેલનો ફાળો અજોડ હતો. પરંતુ ખરા બે ભાઇઓ તો કુંવરજી અને કલ્યાણજી હતા કે જેમના પાયાના કાર્યો વગર ગાંધીજી, વલ્લભભાઇ કે વિઠ્ઠલભાઇ કશું કરી શકયા ના હોત.’
-શિરીન મહેતા

Most Popular

To Top