World

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 3 વર્ષની સજા

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (ExPMImranKhan) મુશ્કેલીઓ વધી છે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તોશાખાના કેસમાં (ToshakhanaCase) ઈમરાન ખાનને 3 વર્ષની સજા ફટકારી છે. આ સાથે ઈમરાનને 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લાહોર ખાતના ઘરમાંથી ઈમરાન ખાનની ધરપકડ કરાઈ છે.

પાકિસ્તાની ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર ઈમરાન ખાનના જમાન પાર્ક ખાતેના ઘરે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જમાન પાર્ક રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. કોર્ટના આદેશ બાદ ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બે વર્ષની સજાના પગલે ઈમરાન ખાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

ઈમરાનની પાર્ટીએ કોર્ટના નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો
કોર્ટના ચૂકાદા બાદ ઈમરાન ખાનની રાજકીય પાર્ટી પીટીઆઈએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ એક શરમજનક ઘટના છે. કાયદાનો મજાક ઉડાવાયો છે. ચૂંટણી લડતા અટકાવવા અને જેલમાં નાંખવાની ઈચ્છા સાથે ઈમરાન ખાનને સજા ફટકારાઈ છે. પીટીઆઈએ વધુમાં કહ્યું કે, તોશાખાના કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જનો નિર્ણય પક્ષપાતી છે. ભ્રષ્ટ જજના હાથે ન્યાયની હત્યા કરવાનો પ્રયાસ કરાયો છે. તોશાખાના કેસે ન્યાયતંત્રના માથા પર વધુ એક કાળો ડાઘ લગાડ્યો છે. પક્ષપાતી જ્જે પૂર્વગ્રહ રાખી આંખો પર પટ્ટી બાંધી એજન્ડા હેઠળ ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારીશું.

પીટીઆઈ ઈમરાન ખાનની ધરપકડ સામે લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. તહરીક-એ-ઈન્સાફના પ્રમુખે લાહોર હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તહરીક-એ-ઈન્સાફના નેતા ઉમર ખાન નિયાઝી વતી લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દાખલ કરવામાં આવેલી અરજીમાં આઈજી પાકિસ્તાન પંજાબ, સીસીપીઓ લાહોર અને અન્યને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાનને પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યો હતો. એમ પણ કહ્યું કે ઈમરાન ખાનનું અપહરણ કરવામાં આવ્યું છે.

શું છે તોશાખાના કેસ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં ભેંટ રાખવામાં આવે છે. ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેંટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે વેચી દીધી હતી. વર્ષ ઈમરાન ખાને દેશના પીએમ તરીકે 2018માં યુરોપ અને આરબ દેશોની મુલાકાત લીધી હતી. તે પ્રવાસો દરમિયાન ઘણી કિંમતી ભેંટ ઇમરાનને મળી હતી. તે પૈકી ઘણી ભેંટ ઈમરાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે ગયા વર્ષે 21મી ઓક્ટોબરે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને તોશાખાના કેસમાં ખોટા નિવેદનો આપવા અને ખોટી જાહેરાત કરવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા.

મે મહિનામાં ટ્રાયલ કોર્ટે પીટીઆઈ પક્ષના ચીફને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને રાહત આપવા ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી.

Most Popular

To Top