Vadodara

ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાના બદલે એક્સટેન્શન

વડોદરા: પાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી જેમાં ખાસ કરીને નિમેટા ખાતેથી પાઈપલાઈન તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું કામ સમયસર તેમજ ટેન્ડરની શરતો મુજબ કામગીરી ના કરનાર ઇજારદાર સોરઠિયાને બ્લેક લિસ્ટ કરવાનું કામ એજન્ડા ઉપર લેવાયું હતું જો કે બેઠકમાં આ ઇજારદારને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.બેઠકમાં 15 કામો એજંડા ઉપર લેવામાં આવ્યા હતા. જે પૈકી 2 કામ મુલતવી, 4 પરત અને એક સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. પરત કરાયેલ કામોમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના કામો કે જેમાં અગાઉ બે ઇજારદારોએ રિંગ બનાવી સરખા ભાવ મુક્યા હતા તેને ચારેય કામોને પરત કરવામાં આવ્યા છે.

તો ફાયર વિભાગના 5 કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા સંચાલિત સ્ટેશન ઓફિસરના કોર્ષ માટે સ્વખર્ચે મોકલવા અંગેનો નિર્ણય સભાની મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં જેના ઉપર સહુની નજર હતી તે નિમેટા ખાતે 50 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા, તથા આજવાથી નિમેટા  સુધી 1524 મીમી  નાખવાના કામમાં ઇજારદાર મે. વેલજી રત્ના સોરઠીયા ઇન્ફ્રા. પ્રા. લી. ને બ્લેકલિસ્ટ કરી આ કામ અન્ય ઇજારદારને આપી સોરઠિયાના ખર્ચે કરાવવાનું હતું જો કે બેઠકમાં આ એજન્ડામાં નિર્ણય જ બદલાઈ ગયો. ટેન્ડરની શરતો મુજબ કામ ન કરનાર ઇજારદારને એક વર્ષનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું. અને આ કામ 31 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરાવવા મંજૂરી આપવામાં આવી છે.

નવો ઈજારો આપીએ તો પાલિકાનો 19 કરોડનો ખર્ચ વધી જાય છે
આ ઇજારદારને અગાઉ ભાવ વધારો જોઈતો હતો પાઈપોના ભાવો વધી જતા ભાવ વધારો માંગ્યો હતો પરંતુ પાલિકાએ આ વધારો આપ્યો ન હતો.  આ ઇજારદાર દ્વારા નોટરી કરીને બાંહેધરી આપવામાં આવી છે કે તે જુના ભાવમાં જ કામ કરશે. અને સમયમર્યાદામાં આ કામ પૂર્ણ કરવાની પણ બાંહેધરી મળી છે. હાલમાં 58 કરોડનું કામ બાકી છે જો નવો ઈજારો આપીએ તો તેમાં 33 ટકા ભાવ વધારો અને જુના ઇજારાનો 4 ટકા કપાત એમ મળી 10 કરોડ રૂપિયા પાલિકાના વધુ જાય છે. તેવા સંજોગોમાં સોરઠીયા પાસેથી બાંહેધરી લઇ તે જયારે 10 ટકા કામ પૂર્ણ  કરે ત્યારે જ પાછલી બાકી પડતી 2 કરોડની રકમ  ચૂકવાશે. પાલિકાના નાણાં બચાવવા અને બાંહેધરી બાદ આ કામ પુનઃ જુના ઇજારદારને જ સોંપવામાં આવ્યું છે જો તે સમય મર્યાદામાં કામ પૂર્ણ નહિ કરે તો ત્યાર બાદ તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
– ડો. શીતલ મિસ્ત્રી,  ચેરમેન,સ્થાયી સમિતિ

ઉનાળો આવશે તેથી લીલોતરીનું કામ મુલતવી
સ્થાયી સમિતિની બેઠક પહેલા સંકલન સમિતિની બેઠક મળી હતી જો કે આ આબેઠક્માં શહેર પ્રમુખ ડો. વિજય શાહ ઉપસ્થિત ન હતા. આ બેઠકમાં એમ ચર્ચા થઇ હતી કે પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામોમાં ડિવાઈડર ઉપર લીલોતરી કરવામાં આવશે. જો કે આગામી ચાર મહિનામાં ઉનાળો આવશે અને ત્યાં સુધીમાં ઇજારદારનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ જાય છે જેથી નાણાં ખર્ચવામાં આવશે તો તે વ્યય જશે જેથી આ કામોને મૂલવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શરતોના કારણે નવા ઇજારદારો નથી આવતા
પાલિકા દ્વારા જે કામો આપવામાં આવે છે તેમાં અમુક શરતો મુકવામાં આવે છે. જે શરતોના કારણે નવા ઇજારદારો આવવા તૈયાર નથી અથવા તો તેઓ તેના ક્રાઈટ એરિયામાં આવતા નથી જેથી નવા ઇજારદારો ન આવતા હોવાનું અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળી રહ્યું છે અને તેથી જ જુના ઇજારદારોથી જ કામ ચલાવવું પડે છે. અગુઆ બ્લેક લિસ્ટ કર્યા હોય છતાં તેઓ પાસેથી બાંહેધરી લઇ તેઓને કામ સોંપવું પડે છે.

સંકલનની બેઠકમાં મેયર અને મહામંત્રી વચ્ચે ચકમક
સ્થાયી સમિતિની બેઠક પૂર્વે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં મેયર અને શહેર મહામંત્રી વચ્ચે ચકમક જોવા મળી હતી. મહામંત્રી રાકેશ સેવકે એવી ટિપ્પણી કરી હતી કે મેયરના વોર્ડમાં જ મોટાપાયે દબાણો છે જે બાદ મેયરે પણ પ્રતિક્રિયા આપી હતી. અને આ મુદ્દે મહામંત્રી અને સભ્યો વચ્ચે થોડા સમય સુધી ચકમક પણ ઝરી હોવાનું જાણવા મળ્યું છે.

રેવન્યુ શેરિંગ મોડ પર ઈવી સ્ટેશન બેસાડાશે
મહાનગરપાલિકાના વિવિધ શટલો ઉપર રેવન્યુ શેરિંગ મોડ આધારિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બેસાડવાંમાં આવશે. જેની કામગીરી અદાણી ટોટલ એનર્જીસઃ ઈ મોબિલિટી લિમિટેડને સોંપવામાં આવશે. અને તેની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ મુદ્દામાં ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ 1.50 પ્રથમ  વર્ષના બદલે યુનિટ દીઠ 8.82 ટકા પ્રથમ 6 વર્ષ અને ત્યાર બાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂ 2 ના બદલે યુનિટ દીઠ 11.76 ટકા બાકીના વર્ષ માટે પાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે. કાર્બન ક્રેડિટ રેશિયો દરખાસ્તમાં દર્શાવ્યા મુજબ 25:75 ના બદલે 40:60 (40 ટકા પાલિકા અને 60 ટકા ATEL ) મુજબ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Most Popular

To Top