Entertainment

પરિણિતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, બંનેએ રિંગનો ફોટો શેર કર્યો

મુંબઈ: બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadhha) શનિવારની સાંજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ (Engagement) કરી લીધી છે. તેઓએ પોતાના આ ખાસ ક્ષણનો ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની રિંગ બતાવી રહ્યાં છે. તેમના જીવનનાં આ મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે બોલીવુડ તેમજ રાજકીય ક્ષેત્રના અનેક લોકો હાજરી આપવા પહોંચ્યાં હતાં. સગાઈ માટે લગભગ 150 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. સગાઈ સ્થળ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બંને પોતાના આ ખાસ દિવસે શું પહેરશે તેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફોટોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ સગાઈ માટે ક્રીમ રંગનો સૂટ પહેર્યો હતો. બીજી તરફ, રાઘવ ચઢ્ઢા સફેદ કુર્તા પાયજામામાં પરિણીતીના લુકને કોમ્પ્લિમેન્ટ કરતો જોવા મળ્યો હતો. પરિણીતી અને રાઘવની સગાઈ પર તેમનો પરિવાર ઉજવણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે ઘણા VIP મહેમાનો પહોંચ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, આદિત્ય ઠાકરે, રાજીવ શુક્લા, અનુરાધા પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, કપિલ સિબ્બલ અને તેમની પત્ની પ્રોમિલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પત્ની સુનીતા કેજરીવાલ સાથે કપૂરથલા હાઉસ ખાતે દંપતીની ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મહેમાનોનાં મનોરંજન માટે લાઈવ મ્યુઝિક રાખવામાં આવ્યું હતું.

સગાઈની સેરેમની દિલ્હીના કનોટ પ્લેસ પાસે કપૂરથલા હાઉસમાં રાખવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શીખોના પવિત્ર ગ્રંથ `સુખમણી સાહેબ’ના પાઠથી કરવામાં આવી હકી. પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર પછી સગાઈની સેરેમની શરૂ કરવામાં આવી હતી. પાર્ટી સંપૂર્ણપણે બોલિવૂડ થીમ પર રાખવામાં આવી હતી. સગાઈ સેરેમનીમાં મહેમાનો માટે ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિણીતીના ભાઈઓ સહજ અને શિવાંગ દ્વારા ફૂડ મેનુની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂડ પ્લેટમાં કબાબ અને વેગન ડીશ હોવાનું જણાયું હતું.

Most Popular

To Top