દેશના યુવાનોને બરબાદ કરવાના એક કારસ્તાનનો ખુલાસો થયો છે. આખાય ભારતના યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અફઘાનિસ્તાનથી ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટ (Gujarat Mundra Port)પર ઠલવાયેલા આ પદાર્થને સમયસર જપ્ત નહીં કરી લેવાયું હોત તો દેશને ખૂબ મોટું નુકસાન પહોંચવાની શક્યતા હતી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારાદેશમાં રળવામાં આવતી કુલ આવક કરતા બમણી કિંમતનો જથ્થો કચ્છ DRI એ પકડી દેશને એક રીતે બચાવી લીધો છે.
- કાગળ પર ટેલ્કમ પાઉડર દર્શાવી તેની આડમાં હેરોઈનની હેરાફેરી કરવામાં આવી રહી હતી
- પકડાયેલા હેરોઈનની કિંમત 21 હજાર કરોડથી પણ વધુ હોવાની વાત બહાર આવી
- આ કેસમાં ચેન્નાઈના દંપતી અને અફઘાનિસ્તાનના 2 નાગરિક સહિત કુલ 5ની ધરપકડ
ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRI ની ટીમે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. કાગળ પર ટેલ્કમ પાઉડર દર્શાવી તેની આડમાં હેરોઈનની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલામાં હવે મોટો ખુલાસો થયો છે. 3000 કિલોનો હેરોઈનનો જથ્થો પકડાયો છે જેની કિંમત 21 હજાર કરોડથી પણ વધુ હોવાની વાત બહાર આવી છે. આ કેસમાં DRI દ્વારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ લોકો પકડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. DRI એ આ કેસમાં લોકલ નેટવર્કને ખુલ્લું પાડવાની દિશામાં તપાસ તેજ બનાવી છે.
કચ્છની DRI ટીમએ બાતમીના આધારે ડ્રગની હેરાફેરીનું મોટું રેકેટ ખુલ્લું પાડ્યું છે. આ મામલામાં એક બાદ એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં ચેન્નાઈના એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આ દંપતીએ અફઘાનિસ્તાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું. આ દંપતી સાથે બીજા 3 લોકોને પકડવામાં આવ્યા છે, જે પૈકી 2 અફઘાનિસ્તાની નાગરિક હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિમીટેડ કંપની દ્વારા વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું અને જે ટેલ્કમ પાઉડરની આડમાં આવી રહ્યુ હતું. DRIએ પેહલા એફએસએલ (FSL)પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જેમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે. ચેન્નઈના દંપતીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. હવે આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો બન્યો એન્ટ્રી પોઈન્ટ
ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. શનિવારે રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠામાંથી 250 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો પણ ઈરાનથી જ ગુજરાતમાં લાવવામા આવી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી.