Business

પ્રિય સન્નારી

કેમ છો?
મજામાં ને?
બે જનરેશન વચ્ચેનો ગેપ એ સદીઓ પુરાણી સમસ્યા છે પરંતુ લાગણી, ડર, આમન્યા કે સામાજિક કારણોસર પહેલાં લડતા-ઝઘડતા પણ મોટાભાગના પરિવારોમાં ઘીનાં ઠામમાં ઘી પડયું રહેતું, વાસણ ખખડતાં અને ફરી એની જગ્યાએ ગોઠવાઈ જતાં પરંતુ આ જનરેશન ગેપ હવે ઇમોશનલ ગેપ અને રીસ્પેકટનો ગેપ પણ ઊભા કરી રહ્યા છે અને એમાં મોટાભાગે નવી પેઢી જૂની પેઢીને હર્ટ કરે છે. નવી પેઢીનો એક ખૂબ ઘસાયેલો ડાયલોગ છે કે તમને કંઇ ખબર નથી પડતી. સગાંવહાલાં અને પરિવારજનોને ખરાબ વ્યક્તિના રૂપમાં જોવી ખૂબ સહેલી છે. મારાં પેરન્ટ્સ જીદ્દી છે, ક્રોધી છે, ભણેલાં નથી, મોડર્ન જમાના સાથે તાલ મિલાવતાં એમને નથી આવડતું, તેઓ ખૂબ દેશી અને જુનવાણી છે વગેરે વગેરે.. મિત્રો કે ઓફિસનાં લોકો સાથે મેળવવામાં એમને શરમ આવે છે.

આવાં લોકોને પૂછવું કે જે પેરન્ટ્સને તમે ખરાબ, ખોટાં કે આવડત વગરનાં ચીતરો છો એમનો ફાળો તમારા જીવનમાંથી કાઢી નાંખવામાં આવે તો તમારી પાસે શું રહે? આ ઓછું ભણેલાં પેરન્ટ્સ પોતાનાં સંતાનોને પોતાનાથી ઊંચી સ્થિતિ પર પહોંચાડવા માટે રાતદિવસ એક કરે છે. સંતાનોને શહેરનું ભણતર અને સગવડો આપનારા એ લોકો બુદ્ધિશાળી કે તમે? અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણે ત્યાં આજેય 80% થી વધુ સંતાનો પેરેન્ટ્સનાં બળે અને પૈસે જ ભણે છે.

સ્કોલરશીપ મેળવીને કે જાતે કમાઈને ભણનારો વર્ગ ખૂબ જ ઓછો છે. બીજું, નવી પેઢી કરે એ બધું બરાબર અને જૂની પેઢી કરે એ ખરાબ એ વાત ખોટી છે અને ત્રીજી વસ્તુ જે પેરન્ટ્સે તમને ભણાવ્યા-ગણાવ્યા એમને તમે સમય સાથે ચાલવાનું શીખવવા કે દુનિયાથી અપડેટ રાખવા માટે કેટલો સમય આપો છો? તમે જે સાયન્સ, ટેકનોલોજી કે નવી એટીકેટથી પરિચિત થાઓ છો એમાંનું કેટલું એમને શીખવો છો? તમને દુનિયાદારી શીખવવા માટે એ લોકોએ જેટલી મહેનત કરી એનાથી 10% મહેનત તમે એમને આધુનિક લાઈફસ્ટાઈલથી અપડેટ રાખવા કરો છો? મોબાઈલની કોઇ એપ્લિકેશનમાં સમજણ ન પડે તો તમે એટલી ધીરજથી એમને શીખવી શકો છો કે જેટલી ધીરજથી તમને તેઓએ કક્કો-બારાખડી કે ABCD શીખવ્યા હતાં?

પેરન્ટસ બાળકનાં મૂળ છે. એ જેવાં પણ હોય એની સાથે જોડાવાથી, એનું જતન કરવાથી જ બાળકો ખરા અર્થમાં નીખરી શકે છે. એ મૂળને હચમચાવવાથી તમારું અસ્તિત્વ દૃશ્ય નહીં તો અદૃશ્ય રીતે હચમચી ઊઠશે. જે ઉંમરે ફલેકસીબલ બની શકાય, સંઘર્ષ કરી શકાય અથવા તો જતું કરીને શાંતિ રાખી શકાય એ ઉંમરે બાળકો ખુદને બદલવા, પોતાની ઇચ્છાઓને છોડવા તૈયાર નથી તો પછી જિંદગીનાં પચાસ- સાઠ વર્ષ એક જ માન્યતા સાથે જીવેલાં લોકો ખુદને સંતાનો ઇચ્છે એટલી ઝડપથી કઈ રીતે બદલી શકે?

ઘણી વખત મૌન રહેવાથી, આર્ગ્યુમેન્ટ ટાળવાથી કે આક્ષેપબાજી છોડવાથી સ્થિતિ થાળે પડી શકે પણ તમારામાં કંઇ અક્કલ નથી કે તમને અમારી ખુશીની કંઇ પડી નથી, તમે આખી જિંદગી અમારા માટે શું કર્યું? એવા સવાલો કરીને એમની જિંદગીનું સરવૈયું માંગવાનો સંતાનોને કોઇ હક્ક નથી. બાળકને જન્મ આપવો એ માત્ર કોઇ બાયોલોજીકલ પ્રક્રિયા નથી. એની સાથે અસંખ્ય સંવેદનાઓ અને સપનાંઓ જોડાયેલાં છે. એને કચડવાનું પાપ કરવા જેવું નથી.

બીજું, તમે જોયું હશે કે એકદમ હેલ્ધી પેરન્ટસ અચાનક કોઇ ને કોઇ બીમારીથી પીડાવા માંડે છે એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધારે જવાબદાર હોય છે. તેઓ જયારે હર્ટ થાય છે ત્યારે એમને અચાનક કોઇ ને કોઇ દુખાવો થાય છે. થોડું નિરીક્ષણ કરશો તો આ વાત તમને સમજાશે. લાઈફમાં કૃતજ્ઞતા એ બહુ મોટો ગુણ છે અને સૌથી વધારે કૃતજ્ઞતા પેરન્ટ્સ માટે હોઈ શકે. પેરન્ટ્સને યુવાનીના જોરમાં  હડધૂત કરનારાં સંતાનોએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. શું માનવું છે તમારું?  
                              – સંપાદક

Most Popular

To Top