Dakshin Gujarat

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દમણના દરિયા કિનારે કરાઈ સફાઈ

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાન (Cleanliness Campaign) હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરની સાથે દમણમાં પણ ઈન્કમટેક્સ વિભાગ ગુજરાતના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નાગરિકો તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જામપોર બીચ તથા દેવકા બીચ ખાતે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરી દરિયા કિનારાની સાફ સફાઈ કરી હતી.

સફાઈ અભિયાનમાં ઈન્કમટેક્સ ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર યશવંત યુ. ચૌહાણ, પ્રિ. ઇન્કમટેક્ષ કમિશનર વલસાડના સંજય રાય, જોઈન્ટ કમિશનર હરીશ બિસ્ત, ઈન્કમટેક્સ અધિક નિયામક વાપીના મયંક પાંડે, આઈટીઓ દમણના ડી.ડી.ટેકવાણી, દાનહ-દમણ-દીવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ, દમણ સ્ટેપ અપ ફાઉન્ડેશનના પ્રમુખ વિશાલ ટંડેલ, દમણ પાલિકા પ્રમુખ અસ્પી દમણિયા, હોટલ એસો.ના પ્રમુખ ગોપાલ ટંડેલ સહિત લોકો દરિયા કિનારાના સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

નવસારીના સિસોદ્રામાં કલેક્ટરનું સ્વચ્છતા હી સેવામાં યોગદાન
નવસારી : કચરા મુકત, કચરા મુકત ગુજરાતના ઉદેશને સિધ્ધ કરવા માટે 1લી ઓક્ટોબર સવારે 10 વાગ્યે 1 કલાક મહાશ્રમદાનમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નવસારી તાલુકાના સિસોદ્રા ગામે જોડાઇને શ્રમદાનમાં સહયોગી થયા હતાં. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબરના દિવસે દરેક નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને એક કલાકનું શ્રમદાન સમગ્ર દેશમાં એક જ સમયે કરી રહ્યાં છે. જિલ્લાના સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઇ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર ઇસરાની, અધિકારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતાં.

ગણદેવીમાં સેવા સ્વચ્છતા અભિયાન
ગણદેવી : ગાંધી જયંતી ઉજવણીના ભાગરૂપે ઉજવણી પૂર્વે તારીખ 27મી સપ્ટેમ્બરથી ગણદેવી લાયન્સ ક્લબ નગરપાલિકા ગણદેવી તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સેવા સ્વચ્છતા અભિયાન પ્રારંભાયું હતું. આ અભિયાન અંતર્ગત આજે પહેલી ઓક્ટોબરે શાકભાજી માર્કેટ અને નગરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે પાલિકા કમ્પાઉન્ડની અંદર આવેલી ગાંધી પ્રતિમાને સવારે પુષ્પ અર્પણ કરી રામજી મંદિર વિસ્તારને સ્વચ્છ કરી અભ્યાન સંપન્ન થશે.

ચીખલી તાલુકામાં સ્વસ્છતા અભિયાન હાથ ધરાયું
ઘેજ : ચીખલી તાલુકામાં સ્વસ્થતા હી સેવા અંતર્ગત ગામે ગામ સંખ્યાબંધ લોકો સ્વસ્છતા અભિયાનમાં જોડાઇ એક સાથે એક કલાક સાફ સફાઇ કરવામાં આવી હતી. સાથે સ્વચ્છતા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. તાલુકામાં દસ વાગ્યે ગામે ગામ સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. ફડવેલમાં સરપંચ ઉષાબેન, તાલુકા પંચાયત સભ્ય મહેશભાઇ, પૂર્વ સરપંચ હરિશભાઇ, તલાટી સંજયભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં સ્થાનિકોએ જોડાઇ વિવિધ સ્થળોએ સફાઇ કરી હતી. સ્વચ્છતા અંગેના શપથ પીએચસીના સુપરવાઇઝર અરૂણ પટેલે લેવડાવ્યા હતા.

તાલુકાના ઘેજ ગામે સરપંચ રાકેશભાઇ, ડેપ્યુટી સરપંચ ગૌરાંગ સોલંકી, તાલુકા સભ્ય ધર્મેશભાઇ, સહકારી મંડળીના ચેરમેન ભરતભાઇ, અગ્રણી શૈલેષ ભરડા, તલાટી કલ્પેશભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમાં શિક્ષકો પણ જોડાયા હતા. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાના શપથ દુકાન ફળિયા પ્રા.શાળાના આચાર્ય વનિતાબેને લેવડાવ્યા હતા. તાલુકા મથક ચીખલીમાં અનેક સ્થળે સ્વામિનારાયણની બીએપીએસ સંસ્થાના દિવ્ય સાગર સ્વામી, તપોનિધિ સ્વામી, ચીખલી ક્ષેત્રના નિર્દેશક કમલેશભાઇ સહિતનાની આગેવાનીમાં હરિભક્તો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

Most Popular

To Top