Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી વિધાનસભાના રાણીપ વોર્ડ ખાતે શ્રમદાન કર્યું

ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવેલ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાબરમતી વિધાનસભાના રાણીપ વોર્ડ ખાતે સફાઈ ઝુંબેશના કાર્યક્રમમા ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો હર્ષદભાઈ પટેલ, મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ પોતાનું શ્રમદાન આપી જાહેર રસ્તા પર સાફ-સફાઈ કરી હતી. સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે
ગાંધીનગર: ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ આ રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે એક કલાક સાફ-સફાઈ કરીને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ‘સ્વચ્છાંજલિ’ અર્પણ કરી હતી. પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના મહામંત્રી ડો. હર્ષદ પટેલ પણ શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા.

ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આજે વિદ્યાર્થી ભાઈ-બહેનો, અધ્યાપકો, ટ્રસ્ટી મંડળના સભ્યો, વિવિધ ફેકલ્ટીના વડાઓ ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા. ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા અને સાદરા પરિસરમાં પણ શ્રમદાન અભિયાન હાથ ધરાયું છે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામૂહિક સ્વચ્છતા અભિયાન ચાલશે.

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી, આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા… આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે પૂજ્ય બાપુનો સંદેશ હતો કે “મારું જીવન જ મારો સંદેશ છે.” મહાન વ્યક્તિ એ છે જે અંતરમાં હોય તે વાણીથી વ્યક્ત કરે, વાણીથી જે વદે તેને કર્મમાં પરિવર્તિત કરે. ભાષણ કરીએ પણ આચરણમાં ન મૂકીએ તો તે વ્યર્થ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’થી દેશની યુવા પેઢીને સ્વચ્છતા પ્રતિ જાગૃત અને પ્રતિબદ્ધ બનાવી છે. સામૂહિક સ્વચ્છતા અભિયાનથી ‘સ્વચ્છતા’ હવે આદત અને સ્વભાવ બની રહી છે.

Most Popular

To Top