National

ફરી કોરોનાનાં પ્રતિબંધો લાગુ: આ રાજ્યમાં માસ્ક ન પહેરવા પર આપવો પડશે રૂ.500નો દંડ!

નવી દિલ્હી: દિલ્હી(New Delhi)માં ફરી એકવાર કોરોના(Corona)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરીથી નિયંત્રણો લાદવાનો વિચાર ચાલી રહ્યો છે. દિલ્હીમાં ફરીથી માસ્ક(Mask) ફરજિયાત કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, DDMAની બેઠક ચાલી રહી છે અને કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે આ પગલાં લેવામાં આવી શકે છે.

ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવા પર વિચારણા
કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સિવાય ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પહેલાથી જ શાળાઓ અંગે એસઓપી જાહેર કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીડીએમએની બેઠકમાં માસ્ક ફરજિયાત બનાવવા પર સહમતિ બની છે. આ સિવાય DDMA માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાના દંડના નિયમને ફરીથી લાગુ કરી શકે છે. ડીડીએમએની બેઠકમાં ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

શાળાઓ બંધ નહીં થાય
DDMAની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાને કારણે શાળાઓ બંધ નહીં કરવામાં આવે. જો કે, શાળાઓ માટે અલગ એસઓપી જારી કરવામાં આવશે. જેમાં કોરોનાને ફેલાતો અટકાવવા પગલાં લેવા પર ભાર આપવામાં આવશે. તેમજ જાહેર મેળાવડા પર નજર રાખવામાં આવશે. 

દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો
દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 600 થી વધુ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. કેન્દ્ર સરકારે ચેપના ફેલાવાને લઈને દિલ્હી સરકારને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન કોરોના દર્દીઓની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. જો કે આ વર્ષે જાન્યુઆરી મહિના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે છેલ્લા એક દિવસમાં 632 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન 414 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન ટેસ્ટ કરાયેલા 14299 સેમ્પલમાં 4.42 ટકા કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. જ્યારે સોમવારે 7.72 ટકા સેમ્પલ સંક્રમિત જોવા મળ્યા હતા.

ચોથી લહેરની દસ્તક વચ્ચે જીનોમ સિક્વન્સિંગની તપાસમાં વધારો નહિ
કોરોનાની ચોથી લહેરની આશંકા પછી પણ દિલ્હીમાં જીનોમ સિક્વન્સિંગની વધારો થઈ રહ્યો નથી. રાજધાનીની લોકનાયક અને ILBS હોસ્પિટલમાં જિનોમ સિક્વન્સિંગ સુવિધાઓ તો છે,પરંતુ ઓમિક્રોનનાં કહેર બાદ તપાસમાં વધારો નથી આવ્યો.

Most Popular

To Top